હિન્દુ ધર્મ અતિ પ્રાચીન અને વિશ્વના બીજા ધર્મો ઉપર પ્રભાવ પાડનારો છે
ધર્મના નામે અનેક ધતિંગ ચાલે છે.આજે કશું જ ન જાણનારાઓ ધર્મગુરુ બની બેઠા છે.આ પણ કળિયુગનું એક લક્ષણ કહી શકાય.અખાને યાદ કરીએ તો : ’ગુરુ કીધા મેં ગોકુળનાથ,ઘરડા બળદને ઘાલી નાથ, ધન હરે ધોખો ના હરે,અખા એવા ગુરુને શું કરે?’
ભારતને એકવીસમી સદીમાં લઈ જવા માટે આવી દુકાનો બંધ કરવી પડે.ચીનની પ્રગતિ માટે વિશ્વ આખું અહોભાવ દર્શાવે છે.ચીનની આ ઝડપી પ્રગતિનું એક કારણ એ પણ છે કે લોકોનાં નાણાંનો દુવ્ર્યય કરનાર ’ગુરુઓ’ ચીનમાં નથી.
હિન્દુ ધર્મની સૌથી મોટી કમનસીબી એ છે કે આજે તેના ધર્મગ્રંથો અને સંશોધનો એવા અડબંગ હાથમાં જઈ પડ્યાં છે કે તેનો કશો અર્થ સમજી કે સમજાવી શકે તેમ નથી અને આવા અર્થઘટનની ભેજાફોડીનો નાહક શ્રમ લેવાને બદલે તેનો મનઘડંત અર્થ કાઢી લોકોને નિચોવી કાઢવાની તેમને ખાસ્સી સગવડ મળી જાય છે.જગતમાં ધર્મો તો અપરંપાર છે અને આદિ – અનાદિ કાળથી સૃષ્ટિનું રહસ્ય સમજવા મથતા માણસે ચિત્રવિચિત્ર માન્યતાઓ અને વિધિનિષેધો ઘડી કાઢ્યાં છે.જૂની વાતો અને લુપ્ત થઈ ગયેલા ધર્મો અને ધર્મ વિધિઓની વાત જવા દઈએ પણ તમામ ધર્મમાં શ્રદ્ધાનો અંશ ઓછા વત્તા અંશે રહ્યાનું કહેવાય છે.
હિન્દુ ધર્મ જેવા તર્કપ્રધાન અને બુદ્ધિનિષ્ઠ ધર્મના સંપ્રદાયો,પેટા સંપ્રદાયો મૂળ ગ્રંથોના વિચારને પડતો મૂકીને તેમાંથી કેટલાક ચવાઈ ગયેલા શબ્દોનો મનફાવતો ઉપયોગ કરીને બહુ નફાકારક વેપલો જમાવી બેઠા છે.હિન્દુ ધર્મ વિચારમાં રહેલા તર્ક અને વિચારનિષ્ઠાને કારણે આ ધર્મ વિચાર આજના વૈજ્ઞાનિક અભિગમ જોડે બરાબર બંધબેસતો થાય છે અને તેથી સ્થળ કાળના ભેદ ઓળંગીને પોતાનું આકર્ષણ જમાવી શકે છે.હિન્દુ તત્ત્વજ્ઞોએ માનવજીવન અને પ્રવૃત્તિને બારીકાઈથી નીરખી છે અને તેને કારણે મીમાંસા સમજાવવા માટે ભાતભાતના તર્કો દોડાવ્યા છે.સિદ્ધાંતો ઘડી કાઢ્યા છે.માણસની માનસિક-ચૈતસિક પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓની બાબતમાં હિન્દુ તત્ત્વશાસ્ત્રીઓએ જેટલાં ખાંખાંખોળાં કર્યા છે અને ભાતભાતના પ્રયોગો અખતરાઓનો આશરો લીધો છે તેટલું બીજા કોઈ ધર્મ અથવા સમાજમાં થયું જણાતું નથી.
આજે સાધુ બાવા,ફકીર,સ્વામીઓ,સંતો – મહંતોની મોટી ફોજમાં સતત વધારો થતો જાય છે. અને તેમના વૈભવ વિલાસ કે પ્રભાવમાં તલભાર પણ ઘટાડો થતો નથી.શિક્ષણ કે સાહિત્યના ફેલાવવાને કારણે સમાજ સવિશેષ બુદ્ધિ નિષ્ઠ થશે અને તેમની ચુંગાલમાંથી છૂટશે તેવી આશા ફળી નથી.ઊલટું શિક્ષિત કહેવાતા અને ગણાતા લોકો પણ તેમના રવાડે ચડતા જાય છે.કુટુંબમાં જેમ ફેમિલી દાકતર કે જ્યોતિષ હોય છે તેમ શ્રીમંત અને શિક્ષિત કુટુંબમાં હવે ફેમિલી ગુરુની ફેશન થઈ પડી છે.આધ્યાત્મિક અફીણની ગોળીથી રડતાં લોકોને છાનાં રાખી દેનાર ગુરુઓની પાખંડ લીલા અને તેમના કરતુતો અંગેની જાણકારી હોવા છતાં તેને પરિણામે આવવી જોઈતી જનજાગૃતિ જોવા મળતી નથી.ગરીબ અને દુ:ખી સમાજ આવા બાવાજોગટાઓનો આશરો શોધતો ફરે તે સમજી શકાય છે,પણ આજે તો પરિસ્થિતિ ઊલટી જોવા મળે છે.શ્રીમંત અને સુખી લોકોમાં ધરમઘેલાંપણું વધારે જોવા મળે છે.આ સમસ્યા ઓછા વત્તા પ્રમાણમાં જગતના તમામ સમાજ અને તમામ જમાનાઓમાં જોવા મળે છે.આપણે ત્યાં ગુરુઓનું પ્રમાણ અને એમનો ત્રાસ થોડો વધારે છે. તેમને ઉતારી પાડનાર અને ઉઘાડા પાડનારા લોકો જે પ્રયાસો કરે છે,તે બધા અરણ્યરુદન જેવા નિષ્ફળ જાય છે અને પોતાની જાતને બુદ્ધિજીવી ગણાવતા લોકોમાં હતાશા વધતી જાય છે.આજે ઘણાં સ્વામીઓ,કથાકારો,ગુરુઓ, અઢળક નાણાં એકઠા કરે છે અને વૈભવી જીવન જીવે છે,તેમાં સૈદ્ધાંતિક રીતે આચરણ દોષ હશે,પણ તેનો વિરોધ કરવાનું કારણ નથી.પોતાની પ્રવચન શક્તિ કે વિચાર શક્તિનો સમાજ પાસેથી પૂરેપૂરો લાભ લેવાનો તેમનો હક્ક આપણે માન્ય રાખવો જોઈએ.ફિલ્મી કલાકારો,ક્રિકેટના ખેલાડીઓ, સાહિત્યકારો કે પત્રકારો પુરસ્કાર રૂપે પોતપોતાના ગજા મુજબ પુરસ્કાર મેળવતા હોય તો ગુરુઓએ શો ગુનો કર્યો છે ?! આવા ગુરુઓને ઢોંગી – ફરેબી કહીને ઉતારી પાડીએ તે ઠીક છે પણ મનોરંજન અથવા મનની શાંતિ આપનારને લોકો સ્વેચ્છાએ નાણાં આપે તો આપણે તેનો વિરોધ ના કરી શકીએ.આપનાર અને લેનાર બંને રાજી હોય તો બીજા શું કરી શકે ? !
આ તમામ ધાર્મિક અગ્રણીઓ અને તમામ ધર્મના પ્રવચનકારોમાં એક તત્ત્વ સમાન ભાવે જોવા મળે છે.તેમનો અભિગમ બુદ્ધિને જાગૃત કરવા તરફ નથી,પણ બુદ્ધિને હાલરડાં ગાઈને ઊંઘાડી દેવા તરફ હોય છે.આ ભાવ જગત છે અને તેમાં બુદ્ધિ નિષ્ઠાને સ્થાન હોઈ શકે નહીં અથવા બુદ્ધિનું સ્થાન આ ક્ષેત્રમાં ઊતરતું હોવું જોઈએ તેવી રજૂઆત સાચી નથી,એટલું જ નહીં પણ તેમાં ભયંકર જોખમ રહેલું છે.જગતને સમજવા માટે આપણા કામને તોલવા – માપવા માટે બુદ્ધિ આપણી પાસેનું એકમાત્ર સાધન છે.ભાવના – અનુભવને પણ આપણે બુદ્ધિની કસોટીએ ચડાવીને સારાં નરસાં ઠરાવીએ છીએ. બુદ્ધિથી પારનું કોઈ ક્ષેત્ર કે શક્તિ હોય તો આપણે આપણું પાંગળાપણું કબૂલ કરી લેવું જોઈએ,કારણ કે તેમાં સંચાર કરવાની શક્તિ કે આવડત આપણામાં નથી.આ બાબતમાં બુદ્ધિવાદને સ્થાન નથી એવું કહેવાની સાથે બધા વિવાદો શમી જાય છે અને પછી બાકી રહેશે કેવળ શ્રદ્ધા.તેને તુચ્છકારવા માટે આપણે આંધળી શ્રદ્ધા કહીએ છીએ.પણ શ્રદ્ધા હંમેશા આંધળી જ હોય તેવું મહાત્મા ગાંધીજીનું કહેવું સાચું લાગે છે.જેનો બુદ્ધિનાશ થયો છે તેની પવિત્રતા કે સદાચાર પણ વ્યર્થ છે કારણ કે તેનો વિપરીત ઉપયોગ થતાં વખત લાગવાનો નથીધર્મનાં આ નબળાં પાસાં જોયા પછી હવે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજીએ.ધર્મ માનવ હૃદયના ખાલીપાને પૂરે છે અને એની આધ્યાત્મિક જિજ્ઞાસાને સંકોરે છે.માનસિક કટોકટીમાં કે વૈચારિક અસ્થિરતા વખતે ધર્મ દ્રઢતા પૂરી પાડે છે.વીસમી સદીના ઇતિહાસ ગુરુ ટોયનબી એવું કઈ ગયા છે કે,’ધર્મ માનવ સભ્યતાઓના અર્કરૂપ એવું સત્વ છે,જે આ સભ્યતાઓનાં પતન અને વિનાશ વચ્ચેય ટકી જાય છે અને મનુષ્ય જાતિની આગેકૂચ વાસ્તે બીજરૂપ બની રહે છે.’ ગમે તેમ પણ માનવજીવનના ચાલક તરીકે અધ્યાત્મ એના આરંભિક તબક્કે રહેલો છે.