જામનગરના પારસધામ સંઘમાં અનેરો ઉત્સાહ: ૧૪ મહા મંગલકારી સ્વપ્ન, ૧૦૮ કળશ સાથે બહેનો અને સંઘ શ્રેષ્ઠીઓ સાથે વિશાળ શોભાયાત્રાથી હર્ષનાદ છવાયો
ભાન ભૂલીને રઝળી રહેલાં અનેક અનેક ભવ્ય જીવોને સંસારનું એટેચમેન્ટ છોડાવી આત્મભાનનું કલ્યાણ કરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ રાજકોટ નગરથી વિહાર કરીને જામનગરના પારસધામ સંઘમાં પધારતાં સર્વત્ર આનંદ-ઉત્સાહ અને ભક્તિ-ભાવની લ્હેર પ્રસરાઈ ગઈ હતી.
ત્રણ વર્ષના લાંબા સમય બાદ પારસધામમાં મંગલ પધરામણી કરી રહેલાં પૂજ્ય ગુરુ ભગવંતને વધાવવા સ્વાગત શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. જામનગર સ્થિત ત્રણ દરવાજાથી પ્રારંભ થએલી આ યાત્રા અષ્ટમંગલના શુભ પ્રતિકો, મહામંગલકારી ૧૪ સ્વપ્ન, ૧૦૮ મંગલ કલશ મસ્તકે ધારણ કરીને ચાલતાં બહેનો, શ્રી સંઘ શ્રેષ્ઠિવર્યો અને વિશાળ સંખ્યામાં ભાવિકોથી શોભતી તેમજ જૈન બેન્ડના સૂરોથી ગાજતી ગુંજતી પારસધામના આંગણે પહોંચતાં હર્ષનાદ છવાયો હતો. સહુના અંતરમાં ઉઠતાં મંગલ ભાવોની સાથે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. બ્રહ્મનાદે મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરાવવામાં આવતાં દિવ્ય પરમાણુઓની સ્પર્શનામાં સહુ ભાવિકો ભીંજાયા હતા.
રાષ્ટ્રસંતની જામનગરમાં સ્થિરતા દરમ્યાન વિશેષરૂપે ત્રિદિવસીય ‘આત્મશુદ્ધિ’ શિબિર આયોજીત કરવામાં આવી છે. શિબિરના પ્રથમ દિવસે ઉપસ્થિત સેંકડો ભાવિકોને આત્મશુદ્ધિના પ્રથમ પગથિયા સ્વરૂપ એટેચમેન્ટ લેસ બનવાનું કલ્યાણકારી બોધ આપતાં રાષ્ટ્રસંતએ સમજાવ્યું હતું કે, ભૂતકાળમાં જે સાથે હતું નહીં અને ભવિષ્યકાળમાં છે રહેવાનું નથી એના માટે એટેચમેન્ટ રાખવું તે માત્ર ને માત્ર મૂર્ખતા હોય છે.
એટેચમેન્ટના કારણે હંમેશા મારાપણાનો અધિકાર ભાવ આવતો હોય છે. એટેચમેન્ટ હમેશા અશાંતિનું કારણ બનતું હોય છે. કેમકે જ્યાં મારાપણું છે ત્યાં માત્ર અશાંતિ અને અસમાધિ હોય છે. પરંતુ પરમાત્મા કહે છે કે, કોઈપણ વસ્તુની જ્યારે રિઆલિટી ખબર પડી જાય, એનો અંત દેખાઈ જાય ત્યારે એટેચમેન્ટ શૂન્ય બની જતું હોય છે. પ્રભુ કહે છે કે, કોઈના પ્રત્યેની લાગણી ક્યારેય કાયમ નથી હોતી, લાગણીની દરેક બોટલ પર એક્સપાયરી ડેટ લખાએલી જ હોય છે. આ સત્ય જેને એકવાર અંદરથી સમજાઈ જાય છે તે સદાને માટે સુખી બની જતા હોય છે.
એટેચમેન્ટને તોડવાનો ઉપાય એટેચમેન્ટ હોય છે. રાગને તોડવાનો ઉપાય રાગ હોય છે. જ્યારે ગુરુ-પરમાત્મા પ્રત્યેનું એટેચમેન્ટ જાગૃત થઈ જાય છે ત્યારે ઑટોમેટીકલી બીજા બધાં જ એટેચમેન્ટ તૂટી જતાં હોય છે. જેના રૂટસ ગુરુ સાથે કનેક્ટ હોય છે તેવા આત્માઓનો હરહંમેશા વિકાસ થતો હોય છે.
આપણે હંમેશા સુખ અને અનુકૂળતા મેળવવાનો પ્રયત્ન કરતાં રહ્યાં છીએ પરંતુ પ્રભુએ સત્ય પામવાનો પ્રયત્ન કર્યો. પ્રભુનું એટેચમેન્ટ ન પોતાના મકાન સાથે હતું કે ન મકાનમાં રહેવાવાળા સાથે હતું. પ્રભુ અટેચમેન્ટ લેસ હતાં. અને એવા પ્રભુના નેચર જેવું જ્યારે આપણું નેચર બની જાય છે ત્યારે પ્રભુ સિગ્નેચર આપી જ દેતાં હોય છે.
આ અવસરે ૧૪ વર્ષના લાંબા સમય બાદ જામનગરની ધરા પર વિરલપ્રજ્ઞા પૂ. વિરમતીબાઈ મહાસતીજી આદિ ઠાણા ૪ની પધરામણી થતાં સહુ અહોભાવિત થયાં હતાં.અંતમાં, મળેલાં આ મનુષ્યભવને સત્યની ખોજના ભવ તરીકે ઓળખાવીને રાષ્ટ્રસંત ઉપસ્થિત ભાવિકોની અંતરદ્રષ્ટિમાં અજવાળા પાથરી પ્રવચન સમાપન કરવામાં આવ્યું હતું.