જો તમે વારે વારે છાલીયુ લઈને સહાય માંગવા દોડી જતા હોય તો પછી સન્માનની આશા શેની ? પાકિસ્તાન આવું જ કરી રહ્યું છે જેથી તેના અમેરિકા સાથે સબંધ નોકર અને માલિક જેવા છે તેવું ખુદ પૂર્વ વડાપ્રધાને કહ્યું છે.
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને અમેરિકા સાથેના તેમના દેશના સંબંધોને લઈને ઘણી અપેક્ષાઓ છે. તે ઈચ્છે છે કે અમેરિકા પાકિસ્તાન સાથે તે જ ’સન્માનભર્યું’ વર્તન કરે જે રીતે તે ભારત સાથે વર્તે છે. ઈમરાન ખાને તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. તેમનું કહેવું છે કે અમેરિકા ભારત સાથે ખૂબ જ સન્માનપૂર્વક વર્તે છે.
પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને આ પહેલા અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેમને સત્તા પરથી હટાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. ખાને ભારતના વખાણ કરતાં કહ્યું હતું કે તેણે યુક્રેન યુદ્ધ પછી પણ અમેરિકાના દબાણમાં આવ્યા વિના પોતાના લોકોના હિત માટે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખ્યું હતું. ભારત પોતાના લોકોના હિતને પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પણ અમેરિકાનું ભાગીદાર બનવા માંગે છે, પરંતુ તે એવું પણ હોવું જોઈએ કે તે અમેરિકાને ક્યારેય ના કહી શકે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા ઈમરાન ખાને કહ્યું કે ઈસ્લામાબાદ અને વોશિંગ્ટન વચ્ચે ’માલિક-નોકર’નો સંબંધ છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા દ્વારા પાકિસ્તાનનો ઉપયોગ ’ભાડેની બંદૂક’ તરીકે કરવામાં આવ્યો હતો. ઈમરાને આ માટે અગાઉની સરકારોને જવાબદાર ઠેરવી હતી. પૂર્વ પીએમે કહ્યું કે અમેરિકા સાથે અમારો સંબંધ માસ્ટર-સ્લેવનો રહ્યો છે, પરંતુ આ માટે હું અમેરિકાને બદલે મારા દેશની સરકારોને દોષી માનું છું.
તેમને પીએમ પદેથી હટાવવાના કથિત યુએસ ષડયંત્રનો ઉલ્લેખ કરતા ઈમરાન ખાને કહ્યું કે આ મુદ્દો હવે સમાપ્ત થઈ ગયો છે. પાકિસ્તાનના લોકોની મદદ વિના અમેરિકા તેના ષડયંત્રમાં સફળ ન થઈ શક્યું હોત. જ્યાં સુધી હું ચિંતિત છું ત્યાં સુધી મામલો સમાપ્ત થઈ ગયો છે, પરંતુ અમેરિકા જે ઈચ્છે છે, તે પાકિસ્તાની લોકો વિના થઈ શક્યું ન હતું. પાકિસ્તાનીઓએ આ ષડયંત્રમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
ઈમરાન ખાને આ વર્ષે એપ્રિલમાં તત્કાલિન વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને કારણે પીએમ પદ છોડવું પડ્યું હતું. આ અંગે તેમણે વારંવાર અમેરિકા અને તત્કાલીન વિપક્ષ હવે શાસક પીએમએલ-એન પર ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો.