વધતા પ્રદુષણને ધ્યાને લઇ નિર્ણય
10 વર્ષ જૂના ડીઝલ વાહન અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનને શરતો સાથે અન્ય રાજ્યમાં લઈ જવા માટે એનઓસીની કાર્યવાહી હાથ ધરાશે
વાહનવ્યવહાર વિભાગે પેટ્રોલ અને ડીઝલના જૂના વાહનને દિલ્હીની બહાર લઈ જવા માટે જરૂરી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ સંબંધિત આદેશ જારી કર્યો છે. વિભાગે કહ્યું છે કે 15 વર્ષ પૂરા કરી ચૂકેલા ડીઝલ વાહનને એનઓસી આપવામાં આવશે નહીં, પરંતુ 10 વર્ષ જૂના ડીઝલ વાહન અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનને શરતો સાથે અન્ય રાજ્યમાં લઈ જવા માટે એનઓસી આપવામાં આવશે. આ સાથે, વિભાગે એમ પણ કહ્યું છે કે 1 જાન્યુઆરી, 2022 ના રોજ, દસ વર્ષની સમયમર્યાદા પૂર્ણ કરી રહેલા તમામ ડીઝલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે.
તાજેતરમાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓને કડક આદેશ આપ્યા હતા કે એનઓસી માટે આવતી અરજીઓને પેન્ડિંગ રાખવામાં ન આવે અને અરજીનો વહેલી તકે નિકાલ કરીને એનઓસી આપવામાં આવે. જે બાદ વિભાગે આ આદેશ જારી કર્યો છે. એનજીટીના નિર્દેશો અનુસાર, જો કોઈ રાજ્યએ કોઈ ચોક્કસ જિલ્લા અથવા સ્થળ માટે જૂના વાહનોને એનઓસી આપવા પર પ્રતિબંધ મૂક્યો છે, તો પરિવહન વિભાગ તે સ્થળ માટે એનઓસી આપશે નહીં. પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતનું કહેવું છે કે જૂના ડીઝલ-પેટ્રોલ વાહનો માટે એનઓસી આપવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે.
વિભાગે આ અંગે આદેશ જારી કર્યો છે. તેમનું કહેવું છે કે સમયમર્યાદા પૂર્ણ કરી ચૂકેલા વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવી રહ્યું છે અને જો કોઈ અન્ય રાજ્યમાં ચલાવવા માટે એનઓસી મેળવવા માંગે છે, તો તે અંગે જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જૂના વાહનોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા માટેની એજન્સીઓની યાદી પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
પરિવહન વિભાગે પોતાના આદેશમાં કહ્યું છે કે જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનોના માલિકોને પણ વિકલ્પ આપવામાં આવ્યો છે કે જો તેઓ ઇચ્છે તો તેમના વાહનને ઇલેક્ટ્રિક વાહનમાં બદલી શકે છે અને તેને ચલાવી શકે છે. પેટ્રોલ અને ડીઝલ વાહનોના રેટ્રો ફિટમેન્ટની પ્રક્રિયા માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનમાં કન્વર્ટ કરવા માટે, ઇલેક્ટ્રિક કીટ ફક્ત માન્ય એજન્સીઓ દ્વારા જ ઇન્સ્ટોલ કરવાની રહેશે. વિભાગનું કહેવું છે કે એજન્સીઓની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
શુદ્ધ ઈલેક્ટ્રિક કિટ લગાવતી એજન્સીઓની યાદી પરિવહન વિભાગ દ્વારા જારી કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ વાહનની સમય મર્યાદા પૂરી થાય તે પહેલા એનઓસી લેવા માંગે છે, તો તેને દેશના કોઈપણ ભાગ માટે એનઓસી આપવામાં આવશે પરંતુ સમય મર્યાદા સમાપ્ત થયા પછી તે જોવામાં આવશે કે કઈ જગ્યા માટે એનઓસી માંગવામાં આવી રહ્યું છે. તે ધ્યાને લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે.