- 100થી વધુ ક્વાર્ટરમાં માત્ર 15 જેટલા જ ક્વાર્ટરમાં લોકો રહે છે: બાકીના ક્વાર્ટરમાંથી અમુક જર્જરિત તો અમુક ગેરકાયદે
- કબ્જામાં: આખો વિસ્તાર દુર્ગમ જેવો હોય, ચરસ-ગાંજાથી લઈ દારૂ સહિતની અનેક ગેરકાનૂની પ્રવૃતિઓનો અડ્ડો બની ગયો
- જો તંત્ર જગ્યાને ચોખ્ખી કરે તો સાચા રેફ્યુજીઓને રહેવા સારૂ મકાન મળી શકે, બાકીની વિશાળ જગ્યામાં સરકારી કર્મચારીઓ માટેના ક્વાર્ટર પણ બની શકે
શહેરના મધ્યમાં આવેલી રેફ્યુજી કોલોનીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાનૂની કબજો, દબાણ અને ગેરકાયદે પ્રવૃતિનો ત્રિવેણી સંગમ રચાયો છે. તંત્રની બેદરકારીને પગલે આ કિંમતી જગ્યાનો બદમાશો ઉપયોગ કરી રહ્યા છે. તંત્ર જાગૃત થઈને આ જગ્યાએ કાર્યવાહી કરી એક તીરે અનેક નિશાન સાધી શકે તેમ છે.
સરકારી જગ્યાઓ ઉપર ખડકાયેલા દબાણો મામલે મહેસુલ વિભાગ આક્રમક મૂડમાં છે. ત્યારે રાજકોટમાં પણ હવે સરકારી જગ્યા ઉપર ખડકાયેલા દબાણો ઉપર તંત્ર તૂટી પડવાનું છે. ત્યારે તંત્ર સૌ પ્રથમ રેફ્યુજી કોલોની ઉપર ધોસ બોલાવે તો એક તીરે અનેક નિશાન સાધી શકાય તેમ છે. આ વિસ્તારમાં અંદાજે 100 જેટલા ક્વાર્ટર છે. જેમાંથી 15 જેટલા જ ઘરોમાં લોકો રહે છે. બાકીના ક્વાર્ટર જર્જરિત હાલતમાં છે તો અમુક ક્વાર્ટરમાં ગેરકાયદેસર કબજો પણ હોવાની ફરિયાદો ઉઠી છે.
આ ઉપરાંત અહીં ગેરકાયદેસર દબાણ પણ હોવાની રાવ ઉઠી છે. બીજી તરફ આ વિસ્તાર દુર્ગમ હોય અહીં ગાંજા- ચરસથી લઈને દારૂ સુધીની તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલી રહી છે. જો તંત્ર જગ્યાને ચોખ્ખી કરે તો સાચા રેફ્યુજીઓને રહેવા સારું મકાન મળી શકે છે.જ્યારે બાકીની વિશાળ જગ્યામાં સરકારી કર્મચારીઓ માટેના ક્વાર્ટર પણ બની શકે તેમ છે. એક તરફ સરકારી કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટરની ઘટ ચાલી રહી છે. ત્યારે આ વિશાળ જગ્યા સ્ટાફ ક્વાર્ટર માટે શ્રેષ્ઠ બની રહે તેમ છે.
તંત્ર પાસે અપેક્ષા, નવા ક્વાર્ટર બનાવી આપો : ભારતીબેન (સ્થાનિક )
ભારતીબહેને અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હિન્દુસ્તાન, પાકિસ્તાન થયું ત્યારથી અહીં છેલ્લા 72 વર્ષથી અમે રહીએ છીએ.અહીં હવે માત્ર 15 જેટલા જ કવાટર્સ બાકી રહ્યાં છે.અન્ય 100 જેટલા મકાનો.જર્જરીત હાલતમાં – બંધ હાલતમાં છે.ખુબજ અહીં ગંદકી છે, ખાલી ક્વાર્ટરોમા આવારા તત્વો દારૂ પીવે છે, મરેલ જનાવરો ઘણા નાખી જાય છે.હેરાનગતિ ખુબજ છે.તંત્ર પાસે અપેક્ષા છે કે વૈકલ્પિક જગ્યા અમોને આપે અથવા અહીં રહેવા જેવું કાંઈક કરી આપે, દુષણો દૂર કરાવે.વરસાદમાં પણ તાલપત્રી ને સહારે અમે રહીએ છીએ.
જર્જરિત કવાટર્સમાં રાત્રે દુષણ,રહેવું મુશ્કેલ થઈ ગયું : ધીરેન ભાટીયા (સ્થાનિક)
સ્થાનિક રહેવાસી ધીરેન ભાટીયા એ અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા 60 વર્ષથી આ જગ્યાએ રહીએ છીએ.100થી વધુ મકાનો અહીં આવેલ છે.માત્ર 15 જેટલા મકાનોમાં અમે રહીએ છીએ અન્ય ખાલી મકાનો છે તે મકાનોમાં તંત્ર દ્વારા કોઈજ નિર્ણય કરવામાં આવ્યો નથી.ખાલી મકાનો સંપુર્ણ તૂટી ગયા છે.આવારા તત્વોનો અડ્ડો બની ગયા છે આ મકાનો.
પીડબ્લ્યુડી વિભાગ સર્વે કરાવે,અનેક મકાનોમાં કબ્જા: સંજયભાઈ વ્યાસ (પૂર્વ પ્રમુખ, બાર એસોસિએશન)
100 થી 150 ક્વાર્ટર છે.હાલત અત્યારે ખુબજ ખરાબ છે.1960 આસપાસ આ કવાર્ટર બનેલા.હાલમાં અનેક ક્વાર્ટરમાં ગેરકાયદેસર કબજો છે.ગંદકીના થર અહીં લાગેલા છે.અહીંયા જો આ જગ્યા તંત્ર ધ્યાન આપી બધું જ ક્લિયર કરાવે.જે લોકો અહીં રહે છે તે લોકો માટે નવા કવાટર્સ બનાવી આપે તેમજ જે જર્જરિત મકાનો છે તે બધાની જગ્યાએ ગરીબો માટે આવાસ બનાવે, સારું આરોગ્ય કેન્દ્ર બનાવે છે. પીડબલ્યુડી સર્વે કરાવે તો અનેક મકાનોમાં કબ્જો નીકળશે. રાત્રે ખુબજ ન્યુસન્સ આ વિસ્તારમાં રહે છે.તંત્ર ને એક જ માત્ર વિનંતી છે આ વિસ્તારમાં જે ક્વાર્ટર તૂટી ગયા છે એ તમામ નો કબ્જો લઈ પ્રજા માટે જમીન નો સદઉપયોગ કરે.તેમજ આ જ જગ્યામાં નવી વસાહત બનાવવામાં આવે તો પણ રેફ્યૂજી પરિવારોને સારા મકાનો મળે.