દીવની બંને ચેકપોસ્ટો ઉપરાંત છ પોઇન્ટ ઉપર દીવ પોલીસ નો સતત ચાપતો બંદોબસ્ત
હજી સુધી દીવ ગ્રીન ઝોનમાં છે તેનો શ્રેય દીવ પ્રશાસન અને દીવ પોલીસ તંત્રને જાય છે. દીવની બંને ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં દીવની સાથે જોડાયેલા અમુક દરિયાઈ ખાડીના રસ્તાઓ પરથી ગુજરાતમાંથી અમુક લોકો દીવમાં ઘુસણખોરી કરતા હતા. આવા બનાવો દીવ પોલીસ તંત્રની નજરે ચડતા દીવ એસ.પી. હરેશ્વર સ્વામીના માર્ગદર્શન હેઠળ આવા ઘુસણખોરી કરતા અમુક વ્યક્તિઓ પર ૧૮૮ની કલમ મુજબ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલની પરિસ્થિતિ પ્રમાણે હવે દીવથી માત્ર ૧૦ કિલોમીટર દૂર દેલવાડા અને ઉનામાં કોરોના પોઝિટિવ કેસ આવી ગયેલા હોય દીવના લોકોમાં ખૂબ જ ભયની લાગણી છવાયેલી છે. અને આ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને દીવ પોલીસ તંત્ર પણ ખૂબ જ સાબદુ થઇ ગયું છે.
દીવ એસ.પી.હરેશ્વર વિશ્વનાથન સ્વામી, ડી.વાય.એસ.પી. રવિન્દ્ર શર્માના માર્ગદર્શન પ્રમાણે દીવની બંને ચેકપોસ્ટો ઉપરાંત જે દીવના વાડી વિસ્તાર તેમજ દરિયાઈ ખાડી સાથે જોડાયેલા જેટલા માર્ગો છે જ્યાંથી ગુજરાતમાથી લોકો દીવની અંદર ઘૂસણખોરી કરી રહ્યા હતા. એવા બધા જ માર્ગો ઉપર ૨૪ કલાક પોલીસ કર્મીઓને ફરજ સોંપવામાં આવી છે. અને આવા દરેક પોઇન્ટ ઉપર બે પોલીસકર્મીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ રીતે દીવમાં પ્રવેશ ન કરી શકે.
આ તમામ પોઈન્ટ ઉપર દીવ એસ.પી. હરેશ્વર સ્વામી ડી.વાય.એસ.પી. રવિન્દ્ર શર્મા, પી.આઈ. પંકજ ટંડેલ પુરા પોલીસ કાફલા સાથે નિરીક્ષણ કરી રહ્યા હતા. અને દરેક પોઇન્ટ પર ફરજ બજાવનાર પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ સાથે એસ.પી. હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે બહારથી કોઈપણ વ્યક્તિ પ્રશાસનને જાણ બહાર આ રીતે દીવની અંદર પ્રવેશ ના કરે. અને જો કોઈ પણ વ્યક્તિ આ રીતે ઘૂસણખોરી કરતા પકડાશે તો તેના વિરુદ્ધ દીવ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.