૩૭૭નો ચુકાદો લોકલાગણીથી નહીં પરંતુ કાયદાની મર્યાદામાં અપાશે: વડી અદાલત
વડી અદાલતમાં સમલૈંગિકતાને ગુનો ગણવો જોઈએ કે નહીં તે મુદ્દે જોરદાર દલીલો ચાલી રહી છે. જેમાં વડી અદાલતે કહ્યું છે કે, જો બે વ્યસ્ક વચ્ચે સહમતીથી સબંધના મામલાને ગુનાના દાયરાથી બહાર કરવામાં આવશે તો એલજીબીટી સમુદાયના લોકો સો સંબંધીત અનેક મુદ્દા અને ભેદભાવ આપોઆપ ખત્મ થઈ જશે. બીજી તરફ અદાલત સમક્ષ અરજકર્તા સુરેશકુમાર કૌશલે બંધારણીય ખંડપીઠ સમક્ષ સમલૈંગિકતા પર ચાલી રહેલી ચર્ચામાં હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે દાવો કર્યો છે કે, જો કલમ ૩૭૭ને ગુનો નહીં માનવામાં આવે તો દેશની સુરક્ષા ખતરામાં મુકાઈ શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સુરેશ કૌશલ એ જ વ્યક્તિ છે જેમણે વર્ષ ૨૦૧૩માં કલમ ૩૭૭ની માન્યતાને બરકરાર રાખવા અદાલતમાં અરજી કરી હતી. તેમણે હાલ અદાલતમાં દલીલ કરી છે કે, સેનાના જવાન પોતાના ઘરી દૂર મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહે છે એવામાં તેઓ હોમોસેકસ્યુઅલ ગતિવિધિમાં સામેલ થઈ શકે છે. જો ગે સેકસને કાયદેસર બનાવવામાં આવશે તો પુરૂષ યૌનકર્મીઓની દુકાનો ખુલી જશે.
અહીં નોંધનીય છે કે, બુધવારે કેન્દ્ર સરકારે કલમ ૩૭૭ પર પોતાનું કોઈ સ્ટેન્ડ મુકયું નહોતું અને સમગ્ર મામલો વડી અદાલત પણ છોડી દીધો હતો. હાલ વડી અદાલતના ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, જસ્ટીસ આર.એફ.નરીમાન, જસ્ટીસ એ.એમ.ખાનવીલકર, જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાની ખંડપીઠ સુનાવણી કરી રહી છે.
ગઈકાલે જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાએ કહ્યું હતું કે, કુદરતમાં પ્રકૃતિ અને વિકૃતિનું સહઅસ્તિત્વ છે. એવા હજારો જીવ છે જે સમલૈંગિક સબંધ બાંધે છે. આ મામલે એડિશ્નલ સોલીશીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, હિન્દુ દાર્શનીક ગ્રંથોમાં પ્રકૃતિ અને વિકૃતિના સહઅસ્તિત્વની વાત દાર્શનીક અને આધ્યાત્મિક સંદર્ભમાં કરવામાં આવી છે જેને સેકસ્યુઅલીટી અને હોમોસેકસ્યુઅલીટી સાથે જોડીને જોવામાં ન આવે.
બીજી તરફ વડી અદાલતે કહ્યું છે કે, કલમ ૩૭૭નો ચુકાદો લોક લાગણીથી નહીં પરંતુ કાયદાની મર્યાદામાં અપાશે.
અહીં ઉલ્લેખનીય છે કે, મોટાભાગના લોકો હોમોસેકસ્યુઆલીટીની કાયદેસરતાનો વિરોધ કરી રહ્યાં છે. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, અમે બંધારણના આધારે ચુકાદો નકકી કરીએ છીએ. બહુમતિ કઈ રીતે મુદ્દાને જોવે છે તે ઉપરી નહીં.