પીયો લેકીન રખો હિસાબ…
પરમીટની પ્રક્રિયામાં ભાવ વધારાને કારણે રિન્યુઅલની અવધી પણ લંબાઈ
‘દવાના’ નામે દારૂની પરમીટ મેળવનારાઓ માટે મુશ્કેલીઓ વધી છે. જેને લીધે, પરમીટ સાથેની શરાબ મોંઘી થઈ છે. તો કેટલાક લોકો એવા પણ છે જેને પરમીટ હોવા ન હોવાથી ફેર જ પડતો નથી. લીકર પરમીટને લઈને કેટલાક નિયમો અને મુશ્કેલીઓ છે. જેનો ઉકેલ સરકાર આવતા અઠવાડીયામાં કરે તેવી શકયતાઓ છે. જે લોકો નવી પરમીટ મેળવવા માગે છે તેમણે વાટ જોવી પડશે.
સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ લોકોને લીકર પરમીટ આપવામાં આવતી હોય છે. પરંતુ કાયદેસર પરમીટ મેળવવાના નિયમો, તેની પ્રક્રિયા અને ફોર્મના ભાવ વધારાને કારણે ‘પીવાવાળાને’ અગવળતા પડી રહી છે.
હોમ ડિપાર્ટમેન્ટના સુત્રોથી જાણવા મળ્યું હતુ કે મેડિકલ ચેક-અપ ફીને રૂ.૫૦૦થી લઈને રૂ.૨૦૦૦ કરી દેવામાં આવી હતી તેના થોડા સમય પહેલા જ ગુજરાતનાં હોટેલ ધારકોએ રાજય સરકારને પરમીટ રિન્યુની પ્રક્રિયા ઝડપી કરવાની અપીલ કરી હતી.
હવે મુખ્ય દલીલ એ છે કે, નવા નિયમો લાગૂ થયા પહેલાના જે અરજદારો છે તેની અરજીઓ મંજૂર કરાશે કે કેમ? શું તેમણે નવા નિયમોનું પાલન કરવુ પડશે ? હવે હોટેલ ધારકોનું કહેવું છે કે દારૂની પરમીટ મોંઘી થઈ રહી છે. અને સમય પર રીન્યુઅલ પણ મળતુ ન હોવાને કારણે બુટલેગરોને બખ્ખા થઈ રહ્યા છે. તો બીજી તરફ નવ અરજીઓને મંજૂરી ન અપાતા સરકારને થતી આવક પણ અટકી છે.
છેલ્લે બે મહિનાથી પરમીટ લીકર સ્ટોર્સ ઉપર દારૂનું વેચાણ ઘટી રહ્યું છે. જયારથી આ પ્રક્રિયામાં ભાવવધારો થયો ત્યારથી કાયદેસર વેંચાણ કરનારાઓનો ધંધો પણ પડી ભાંગ્યો છે. રાજયમાં કુલ ૭૨૦૦૦ લોકો દારૂની પીવાની પરવાનગી મેળવે છે. જેમાંથી ૪૦ હજાર લોકો સ્વસ્થ્યને ધ્યાનમાં લઈ દવાના નામે શરાબ પીવે છે.