ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી વ્રતની પરંપરા ચાલી આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વ્રત ઉપવાસનું વિશેષ મહત્વ છે. વર્ષોની પરંપરા અનુસાર નાની નાની બાળાઓ , માતાઓ ,બહેનો , બા હોઈ કે પછી દાદીમાં દરેક સ્ત્રીઓ વ્રત અચૂક કરે જ છે. આપણે ત્યાં વ્રતનો અનેરો મહિમા છે. ક્યાંકને ક્યાંક આપણાં ધર્મ સાથે વિજ્ઞાનના તથ્યો પણ વણાયેલાં છે.

હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં વ્રત ઉપવાસનું અનેરું મહત્વ છે. પ્રાચીનકાળથી જ આપણી મહિલાઓ અનેક પ્રકારના વ્રત ઉપવાસ કરતી આવી છે.બાળપણથી જ દીકરીઓ ગૃહસ્થ અને વ્યવહારિક જીવન ઘરેડની સમજ કેળવવા જુદા જુદા વ્રત કરે છે. કુમારીકાઓ મનોવાંછિત ભરથારની પ્રાપ્તિ માટે ગૌરી વ્રત કરે છે. આ વ્રત અષાઢ સુદ અગિયારસના દિવસથી શરૂ થાય છે. ગુણવાન પતિ મેળવવા બાળાઓ હોંશે હોંશે આ વ્રત કરે છે.કહેવાય છે કે માતા પાર્વતીજી એ પણ આ કઠોર વ્રત કર્યું હતું.

” ગોરમાં ગોરમાં રે કંથ દેજો કહ્યાંગરો …”

ગૌરી વ્રત પાંચ દિવસનું હોય છે. પાંચેય દિવસ દીકરીઓ મીઠા વગરનું મોળું એકટાણું કરે છે. અષાઢ સુદ અગિયારસથી આ વ્રત શરૂ થાય છે અને પૂનમના દિવસે જાગરણ કરી વ્રત પૂરું કરવામાં આવે છે. સતત પાંચ કે સાત વર્ષ આ વ્રત કરવાનું હોય છે. એકી સંખ્યામાં વ્રત કર્યા બાદ વ્રતને ભાવભેરઉજવવામાં આવેછે. વ્રતની ઉજવણીમાં પાંચથી સાત દીકરીઓને ભોજન કરવી ભેટ સ્વરૂપે સૌભાગ્યનો શણગાર આપવામાં આવે છે.

32 1ગૌરી વ્રતના થોડા દિવસ અગાઉ કુમારિકાઓ વ્રત નિમિતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દે છે. પારંપરિક રિવાજો મુજબ ગામની દીકરીઓ જવારા વાવવા પાદરેથી કાળી માટી લઈ આવી પકવેલા રામ પાત્રમાં સાત ધન્ય જેવાકે ઘઉં ,જઉં , તલ , મગ , તુવેર , ચોળા , અક્ષત વાવે છે. આ ધન્ય અગિયારસ આવતા સુધીમાં તો જવારા બની જાય છે. પાંચેય દિવસ આ જવારાનું પણ પૂજન કરવામાં આવે છે.અષાઢી હરિયાળીને અનુરૂપ આ વ્રતમાં સાત ધાન્યના જવારાનું વિશેષ મહત્વ રહેલું છે. અષાઢ મહિનામાં આ સાતેય ધાનોથી ખેતરો લહેરાતા હોય છે. આથી જવારાનું આપણાં વ્રતોમાં વિશેષ મહત્વ છે.

વર કેસરિયો ગૌરીવ્રતઅષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધીના પાંચ દિવસ કન્યાઓ અવનવા નયન રમ્ય શણગાર કરી શિવ મંદિરે પૂજા કરવા જાય છે. પાર્વતીના પ્રતીક તરીકે જવારાનું પૂજન કરે છે.રૂ માંથી બનાવેલા નાગલાં તેમજ અબીલ ગુલાલ અક્ષત સોપારી અને પુષ્પો વડે પૂજન કરે છે. પૂજન બાદ દીકરીઓ સાથે મળીને મંદિરના પ્રાંગણમાં ખેતર ખેડવાની વિધિ કરી સમૂહમાં વ્રત કથાનું વાંચન કરે છે.

વ્રત નિમિતે બજારોમાં તૈયાર પૂજાપા, જવારા સહિતની પૂજાની સામગ્રીઓ પણ મળી રહે છે. આમ શુભ હેતુથી આપણી બહેન દીકરીઓ વ્રત ઉપવાસ કરતી હોય છે. અમુક પ્રાંતોમાં ગૌરી વ્રતને મોળા વ્રત કે મોળાકત પણ કહેવામાં આવે છે.નાની-નાની બાળાઓ પાંચ -પાંચ દિવસ સુધી અલુણા વ્રત કરે એ ખરેખર અઘરું છે. આથી જ નારી જીવનને ઉજાગર કરતા આ પ્રથમ પર્વ મોળાકત વ્રતનો મહિમા વિશેષ છે.

content image d7c628f2 2815 496e 9387 f6fb4a1cfad1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.