સામાન્ય રીતે આપણે એ.બી.ઓ. એબી પોઝીટીવ કે નેગેટીવ બ્લડ ગ્રુપનું નામ સાંભળ્યું હોય છે. પરંતુ જેમ બોમ્બે બ્લડ ગ્રુપ છે તેવું જ બીજું એક જવલ્લે જ જોવા મળતું
સબ ગ્રુણ Bx હોવાનું રાજકોટ સ્થિત લાઇફ બ્લડ સેન્ટરના તબીબોના ઘ્યાનમાં આવ્યું છે. જેના શરીરમાં આ નવા જ ગ્રુપનું લોહી દોડી રહ્યું છે તે યુવાનને પણ આ વિશે જાણકારી ન હતી જેના રૂટીન ચેકઅપ દરમિયાન આ નવું Bx ગ્રુપ શોધાયું છે તે યુવાન જસદણ ખાતે હીરાના કારખાનામાં કામ કરે છે અને તે મુળ આસામ રાજયનો વતની છે. પહેલા યુવાનનું બ્લડ ગ્રુપ ‘ઓ’ પોઝીટીવ જણાવ્યું હતું પરંતુ યુવાન તાજેતરમાં કંપનીના નિયમો પ્રમાણે રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે આવ્યો ત્યારે તબીબોને તેના ગ્રુપ વિશે મુંઝવણ થઇ હતી અને તેથી તેને અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજીથી સજજ લાઇફ બ્લડ સેન્ટરમાં લોહીના પરીક્ષણ માટે મોકલ્યો હતો.
લાઇફ બ્લડ સેન્ટરના ડો. સંજીવ નંદાણી અને ડો. નિશિથ વાછાણીની ટીમે આ યુવાનના લોહીના નમુના લઇ તપસ્યા હતા અને આ તપાસ દરમિયાન તેનું લોહી ‘ઓ’ પોઝીટીવ નહીં પણ તેનું બ્લડ ગ્રુપ – સબ ગ્રુપ Bx હોવાનું ઘ્યાનમાં આવ્યું હતું. લાઇફ બ્લડ સેન્ટરના તબીબો અને અન્ય ટેકનીકલ સ્ટાય માટે આ એક પડકારજનક કેસ હતો અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આ યુવાનનું બ્લડ ગ્રુપ જવલ્લે જ જોવા મળતું હોવાનું ઘ્યાનમાં આવ્યું હતું.
તબીબી વિજ્ઞાન અનુસાર પ્રત્યેક ૧.૨૦ લાખ વ્યકિતએ એક વ્યકિતમાં આવું Bx બ્લડ ગ્રુપ જોવા મળે છે. ડો. સંજીવ નંદાણીના જણાવ્યા અનુસાર આ પ્રકારના બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યકિત ‘ઓ’ ગ્રુપ ધરાવે છે. તેવું કહે દેવામાં આવે છે પરંતુ જયારે તેને લોહીની જરુર પડે ત્યારે હિમોલિટિક ટ્રાન્સફયુઝન રીએકશનનો ભય પણ રહે છે.
ડો. નંદાણીના જણાવ્યા અનુસાર આવી સ્થિતિ ટાળવા માટે સેલ અને સિરમનું ગ્રુપિંગ સાવધાનીપૂર્વક કરવું જોઇએ.