12 ટીમોને 6-6ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી: ગ્રુપ સ્ટેજના અંતે બંને ગ્રુપની ટોચની બે ટીમ સેમિફાઇનલમાં પ્રવેશશે:13મી નવેમ્બરે ફાઇનલ
ટી-20 વર્લ્ડકપ-2022ની ક્વોલિફાઇંગ મેચો પૂરી થઇ ગઇ છે. શ્રીલંકા, નેધરલેન્ડ, ઝીબામ્વે અને આર્યલેન્ડ સુપર-12 ક્વોલિફાઇ થઇ ગયા છે. હવે મુખ્ય રાઉન્ડની મેચો આજથી શરૂ થવાની છે. આજથી અસલી ધમાલ શરૂ થશે. આજે પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની છે અને આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મુકાબલો ખેલાશે ત્યારે દિવાળી પહેલા જ પાકિસ્તાનના ફટાકડા ફૂસ્સ કરવાની તૈયારી ટીમ ઇન્ડિયાએ અગાઉથી જ કરી છે. બધાની નજર વિરાટ કોહલી પર રહેશે.
મેનેજમેન્ટને પણ વિરાટ કોહલી પર ખૂબ જ ભરોસો છે ત્યારે ઓપનિંગ રોહિત શર્મા સાથે લોકેશ રાહુલ કરશે કે વિરાટ કોહલી તે પણ જોવું રહેશે. ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજીત ટી-20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી રમાઇ રહ્યો છે જેમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ પૂરો થયો છે અને આજથી ખરાખરીનો જંગ શરૂ થશે. દિવાળીના એક દિવસ પહેલા એટલે કે આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર સૌ કોઇની નજર રહેશે. ભારતીય ટીમને સુપર-12ના ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ટીમ ઇન્ડિયા ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા પણ છે અને ગઇકાલે નેધરલેન્ડે પણ ગ્રુપમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે પાકિસ્તાન સામે રમ્યા બાદ ભારત 28મી ઓક્ટોબરે નેધરલેન્ડ સામે, 30મી ઓક્ટોબરે સાઉથ આફ્રિકા સામે, 2જી નવેમ્બરે બાંગ્લાદેશ સામે અને 6 નવેમ્બરે ઝિબામ્વે સામે ટકરાશે.
ટીમ ઇન્ડિયા માટે ઓપનર્સની મુંઝવણ દૂર થશે?
છેલ્લા ઘણા સમયથી એવી વાતો સામે આવી રહી છે કે ઓપનર્સ બેટ્સમેન તરીકે રોહિત શર્માની સામે વિરાટ કોહલી ઉતરશે. જો કે આ મુંઝવણ હજુ યથાવત જ છે કેમ કે તાજેતરમાં એક ટી-20 મેચમાં વિરાટ કોહલીએ ઓપનિંગ ઉતરી સારૂં પ્રદર્શન કર્યું હતું ત્યારે વર્લ્ડકપમાં પણ ઓપનર્સની ભૂમિકામાં વિરાટ કોહલી જોવા મળે તો નવાઇ નહિ પરંતુ થોડા દિવસ પૂર્વે ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ જણાવ્યું હતું કે તેની સાથે લોકેશ રાહુલ જ ઓપનિંગમાં ઉતરશે અને વિરાટ કોહલીને ત્રીજા ઓપનર બેટ્સમેન તરીકે નક્કી કરવામાં આવ્યો છે.
વર્લ્ડકપમાં કોહલી ટીમ ઇન્ડિયા માટે ‘વિરાટ’ સાબિત થશે?
આજથી ટી-20 વર્લ્ડકપમાં ખરાખરીનો જંગ ચાલુ થયો છે. આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મુકાબલો રમાવાનો છે ત્યારે સૌ કોઇની નજર કોહલી ઉપર છે. છેલ્લા ત્રણ વર્ષથી આઉટ ઓફ લક, આઉટ ઓફ ફોર્મ અને આઉટ ઓફ ફેવરમાંથી પસાર થઇ રહેલા વિરાટ કોહલી આ વર્લ્ડકપમાં ધમાલ મચાવે તેવી સૌ કોઇને આશા છે ત્યારે છેલ્લા ઘણા મેચોની વાત કરીએ તો વિરાટે પોતાનું ફોર્મ મેળવ્યું છે ત્યારે વર્લ્ડકપમાં કોહલી ટીમ ઇન્ડિયા માટે વિરાટ સાબિત થશે.
વિજેતાને રૂ.13 કરોડનું ઇનામ
ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં વિજેતા બનનારી ટીમને ઇનામમાં 16 લાખ ડોલર એટલે કે 13 કરોડ રૂપિયાથી વધુની માતબર રકમ આપવામાં આવશે. જ્યારે રનર્સઅપને 8 લાખ ડોલર એટલે કે સાત કરોડ રૂપિયા મળશે. સેમિફાઇનલમાં હારનારી ટીમને 4 લાખ ડોલર એટલે કે અંદાજે 3.30 કરોડ રૂપિયા મળશે.
ભારતના મુકાબલા
23 ઓક્ટોબર ભારત વિ. પાકિસ્તાન મેલબોર્ન બપોરે 1:30થી
27 ઓક્ટોબર ભારત વિ. નેધરલેન્ડ સિડર્ની બપોરે 12:30થી
30 ઓક્ટોબર ભારત વિ. સા.આફ્રિકા પર્થ સાંજે 4:30થી
2 નવેમ્બર ભારત વિ. બાંગ્લાદેશ એડીલેર્ડ બપોરે 1:30થી
6 નવેમ્બર ભારત વિ. ઝિબામ્વે મેલબોર્ન બપોરે 1:30થી