નેશનલ ન્યુઝ
22 જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. કરોડો રામભક્તોના આરાધ્ય પ્રભુ શ્રીરામલલા પોતાના ભવ્ય મહેલમાં બિરાજમાન થયા છે, જ્યારે 23 જાન્યુઆરીથી સત્તાવાર રીતે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. તમામ રામભક્તો 23 જાન્યુઆરીથી ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. સવારથી બપોર સુધીમાં જ 4 લાખ રામભકતો મંદિરે પહોંચી ગયા હતા. અકલ્પનીય જનમેદની જોઈને ટ્રસ્ટ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયું હતું અને વ્યવસ્થા પણ વધારી દેવાઈ હતી. આ બધી ઘટના વચ્ચે સાંજના સમયે અયોધ્યા રામ મંદિરમાં એક એવી અદભૂત ઘટના ઘટી કે જેનાથી ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ અને ટ્રસ્ટના સદસ્યો પણ અચંબિત થઈ ગયા. એક શાંતમય સ્વભાવનો વાનર મંદિરમાં પ્રવેશીને ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિને ભાવથી નિહાળી ત્યાંથી બહાર નીકળી ગયો હતો. જાણે હનુમાનજી પોતે પ્રભુજીના દર્શને આવ્યા હોય તેવી અનુભૂતિ ત્યાં હાજર લોકોએ થઈ હતી.
23 જાન્યુઆરીની સાંજે રામ મંદિર અયોધ્યામાં એક અદભૂત ઘટના બની હતી. ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે, જ્યાં-જ્યાં પ્રભુ શ્રીરામ હોય છે, ત્યાં-ત્યાં તેમના પરમભક્ત હનુમાન પણ હોય છે. આવી જ એક ઘટના મંગળવાર (23 જાન્યુઆરી) સાંજે બની હતી, સૌ કોઈ લોકો બોલી ઉઠયા કે, સાક્ષાત મહાવીર હનુમાનજી પ્રભુ શ્રીરામલલાના દર્શન કરવા પહોંચ્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અદભૂત ઘટના શેર કરી છે. આ ઘટના સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયામાં ચર્ચાઓ પણ વહેતી થઈ છે.
‘જ્યારે મહાવીર શ્રી હનુમાન સ્વયં આવ્યા રામલલાના દર્શને’
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવાર (23 જાન્યુઆરી)ના રોજ બની હતી. મંગળવાર તો હનુમાનજીનો પ્રિય વાર ગણાય છે. તેવામાં આ ઘટના સામે આવવી હનુમાનજી પ્રત્યે આશ્ચર્ય અને ધન્યતાની અનુભૂતિ કરાવે છે. બન્યું એવું કે, સાંજના સુમારે લગભગ 5:50 કલાકે એક વાનર અયોધ્યા રામ મંદિરમાં દાખલ થયો હતો. તે વાનર દક્ષિણી દ્વારથી ગૂઢ મંડપમાં પહોંચીને ગર્ભગૃહમાં દાખલ થયો હતો. તે ઉત્સવ મૂર્તિની નજીક જઈને શાંત થઈ ગયો અને ત્યાં બેસી રહ્યો. બહાર ઉભેલા સુરક્ષાકર્મીઓ એવું વિચારીને ગર્ભગૃહ તરફ દોડ્યા કે, વાનર રામલલાની મૂર્તિને નુકશાન પહોંચાડશે. પરંતુ જેવા જ સુરક્ષાકર્મીઓ ગર્ભગૃહ તરફ દોડ્યા, તેવો જ વાનર શાંતભાવથી ત્યાંથી બહાર નીકળી ગયો.
શાંતચિત્તે તે વાનર ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામલલાને હ્રદયથી નિહાળીને ઉત્તરી દ્વાર તરફ જતો રહ્યો. ઉત્તરી દ્વાર બંધ હોવાથી તે વાનર પૂર્વ દિશા તરફ આગળ વધ્યો અને દર્શનાર્થીઓની વચ્ચેથી કોઈપણ દર્શનાર્થીને કષ્ટ આપ્યા વગર કે, હેરાન કર્યા વગર એકદમ શાંતભાવ સાથે પૂર્વી દ્વારથી બહાર નીકળી ગયો. સુરક્ષાકર્મીઓએ કહ્યું કે, “આ અમારા માટે એવી જ ઘટના છે કે, જાણે સ્વયં હનુમાનજી રામલલાના દર્શન કરવા આવ્યા હોય.”
આ ઘટનાને લોકોએ આસ્થા અને વિશ્વાસના પવિત્ર તાંતણે ગૂંથી દીધી. પરંતુ આ ઘટનાને માત્ર સંયોગ સમજવો પણ ભુલ ભરેલું છે. આ પહેલાં પણ એવા અનેક દાખલા ઉપલબ્ધ છે કે, એક શાંતમય વાનર અયોધ્યામાં અવારનવાર રામલલાના દર્શન કરવા આવતો હતો. એકવાર તો એવી ઘટના પણ બની હતી કે, અયોધ્યા ધામમાં આતંકીઓએ રાખેલા એક બોમ્બને એક વાનરે ડિફયુઝ કર્યો હતો. જ્યારે સુરક્ષાકર્મીઓ ત્યાં પહોંચ્યા તો તેઓ પણ અચંબિત થઈ ગયા હતા. માત્ર 3 સેકન્ડ શેષ વધ્યા હતા બોમ્બ વિસ્ફોટ થવાને, તેવામાં એક વાનર દ્વારા બોમ્બને ડિફયુઝ કરવો એ કોઈ સંયોગ કે સામાન્ય ઘટના ના હોય શકે.