વોટર કુલર બંધ હોવાથી વાંચકો પરેશાન: સફાઈના અભાવે પાણીના ગરણા ઉપર લીલના થર
રાજકોટના સરકારી જિલ્લા પુસ્તકાલયમાં વિનામુલ્યે વાંચનખંડમાં આશરે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યાં છે. અહીં સવારે આઠ થી રાત્રે ૧૨ કલાક સુધી વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાની તૈયારી કરવા આવતા હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનું વોટરકુલર બંધ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.સરકારી જિલ્લા પુસ્તકાલયમાં વાચનખંડનું લોકાર્પણ તા.૭-૬-૨૦૧૭થી થયું હતું. જેમાં યુવાનો અને યુવતીઓ માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. પરંતુ અહીં વોટરકુલર છેલ્લા ઘણા દિવસથી બંધ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓને પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. વિદ્યાર્થીઓએ બોટલો ભરી લાવવી પડે છે.વિદ્યાર્થીઓ અને બાજુના બીલ્ડીંગમાંથી પાણી ભરવા જવું પડે છે જયાં પાણીનું ગરણાંમાં લીલ જામેલી હોય તેથી કોઈ સ્વચ્છતા ન રખાતી હોવાનું જાણવા મળ્યું હતું.વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર રાજકોટમાં સામાન્ય વર્ગના ૩૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ અહીં વાંચન કરવા આવતા હોય છે. પાણીની સમસ્યા સીવાય સ્વચ્છતા પણ ઓછી માત્રામાં રખાય છે.સમગ્ર બાબતે ગ્રંથપાલ જે.એન.ઠક્કરે જણાવ્યું હતું કે, ચોમાસામાં શોર્ટ સર્કિટના કારણે વોટરકુલર બંધ હાલતમાં છે જે રીપેર કરવાની સુચના અપાઈ છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે. માત્ર વિદ્યાર્થીઓના સહયોગની જ‚ર છે. ઘણીવાર વિદ્યાર્થીઓ દ્વારા પાનની પીચકારી મારી ગંદકી ફેલાવવામાં આવે છે તો મોબાઈલનો ઉપયોગની મનાઈ હોવા છતાં વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરે છે. અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને વ્યવસ્થામાં સહયોગ આપે તેવી ગ્રંથપાલ ઠક્કર સાહેબે આશા વ્યકત કરી હતી.