શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારને એક કલાક વધુ અપાઈ : સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓડ- ઇવન પધ્ધતિ બંધ થતાં બજારો સંપૂર્ણ ધમધમી

માલવાહક વાહનોને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આંતરરાજ્ય પરિવહન માટે છૂટ

હોટેલ, કલબ, મોલ, મલ્ટીપ્લેક્ષ, ધાર્મિક સ્થળો તા.૮થી કેન્દ્રની ગાઈડલાઈન જાહેર થયા બાદ શરૂ થઈ શકશે

અનલોક-૧માં રાજ્યમાં મહાપાલિકા અને પાલિકા વિસ્તારની બહાર દુકાનો, ઉદ્યોગો અને સંસ્થાઓને સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લા રહેવાની છૂટ આપવામાં આવી છે. આમ શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારને એક કલાકનો વધુ સમય આપવામાં આવ્યો છે. બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્રમાં આજથી ઓડ- ઇવન પદ્ધતિ નાબૂદ થતા બજારો સંપૂર્ણ ધમધમી હતી.

અનલોક-૧ આજથી અમલમાં આવ્યું જેમાં મહાપાલિકા અને પાલિકા વિસ્તારમાં દુકાનોને સવારે ૮થી  સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે મહાપાલિકા અને પાલિકા સિવાયના વિસ્તારોમાં દુકાનોને સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે.  કરફ્યુનો સમય ઘટાડીને રાત્રે ૯થી સવારે ૫ કરવામાં આવ્યો છે. દુકાનો ખોલવા માટે લાગુ કરવામા આવેલ ઓડ ઇવન પદ્ધતિ બંધ કરવામા આવી છે. બાઇકમાં અગાઉ એક વ્યક્તિ જ બેસી શકતો હતો. હવે બે વ્યક્તિ જેમાં બીજો ફેમેલી મેમ્બર હોય તો છૂટ આપવામા આવી છે. જ્યારે નાની કારમાં ૧+૨ અને મોટી કારમાં ૧+૩ લોકો મુસાફરી કરી શકશે.

વધુમાં સમગ્ર રાજ્યમાં આજથી એસટી બસો શરૂ થઇ છે. ૬૦ પેસેન્જરની કેપેસિટીમાં જ એસટી બસો દોડશે. સિટી બસો પણ ૫૦ ટકાની કેપેસિટી સાથે શરૂ કરવામાં આવી છે.

બેંકો અને ઓફિસો તેમજ સરકારી કચેરીઓ પણ સંપૂર્ણ રીતે ચાલુ થઈ છે. આ તમામ છૂટ નોન ક્ધટેઇનમેન્ટ ઝોન માટે જ છે. ક્ધટેઇનમેન્ટ ઝોન માટે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયના પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે. વધુમાં માલવાહક વાહનોને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આંતરરાજ્ય પરિવહન માટે છૂટ આપવામાં આવી છે. હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ વગેરે કેન્દ્રના આદેશ અનુસાર ગાઈડલાઈન જાહેર થયા બાદ તા.૮થી ચાલુ થશે.

ઉલ્લેખનીય છે કે આજથી અનલોક-૧ શરૂ થયું છે. જેમાં ઘણી છૂટછાટો મળી છે. જેના કારણે આજથી બજારોમા ભારે ભીડ જોવા મળી હતી. રોડ- રસ્તાઓ ઉપર પણ ટ્રાફિકનું પ્રમાણ વધારે રહ્યું છે.

છુટછાટ મળવાથી હવે લોકોએ વધુ સાવચેત થવું પડશે

અનલોક-૧માં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જેથી હવે બજારોમાં, જાહેર સ્થળો ઉપર લોકોની વધુ ભીડ જામશે. લોકોએ હવે જાગૃત થઈને વધુ સાવચેત રહેવું પડશે. ખુબ તકેદારી પૂર્વક સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. છૂટછાટ મળવા છતાં જો લોકો બેદરકારી દાખવશે.તો કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવશે તે વાત નક્કી છે.

અનલોક-૧માં લોકો સંપૂર્ણ સહયોગ આપે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણે સૌ કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ એ ભૂલવાનું નથી. એકેએક ગુજરાતી કોરોના વોરિયર બનીને કાર્યરત થાય,  માસ્ક વિના બહાર ન નીકળીએ તેમજ જવાબદાર નાગરિક તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ.

એટલું જ નહીં વારંવાર સાબુથી હાથ ધોઈએ, કામ કાજના સ્થળે બધુ સેનેટાઈઝ થાય તેની દરકાર રાખીએ અને આપણા પરિવારના ૬૫ વર્ષથી વધુ વયના વડીલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ તેમને ઘર બહાર ઓછા જવા દઈએ.

મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને એવી અપીલ કરી કે, લોકડાઉનના ચાર તબક્કામાં જે સહકાર-સહયોગ આપીને નિયમોનું પાલન કર્યું છે તે રીતે હવે અનલોક-૧માં પણ સહયોગ આપે. કામકાજ અટકે નહીં, આર્થિક રૂકાવટ આવે નહીં સાથોસાથ જનજીવન અને રોજિંદી પ્રવૃત્તિઓ ઝડપથી પૂર્વવત થાય તેની પણ સૌ તકેદારી રાખે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.