ત્રણ મહિલા સહિત છ શખ્સોએ કુહાડી અને લાકડીથી માર મારી પોલીસની ફરજમાં કરી રૂકાવટ
પશ્ચિમ કચ્છના રાપર નજીક આવેલા ફતેગઢ ગામે દેશી દારૂ અંગે દરોડો પાડવા ગયેલા રાપરના પી.એસ.આઇ. સહિતના સ્ટાફ પર ત્રણ મહિલા સહિત છ શખ્સોએ કુહાડી અને લાકડીથી ખૂની હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફતેગઢ ગામના હેતુભા મદારસંગ જાડેજા પોતાના ઘરે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીના આધારે રાપર પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.એમ.પટેલ, એ.એસ.આઇ. ધીરજભાઇ પરમાર, કોન્સ્ટેબલ નાથાભાઇ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા અને રવજીભાઇ પટેલ સહિતના સ્ટાફ ફતેગઢ ગામે દારૂ અંગે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન ૧૧ લિટર દેશી દારૂ મળી આવતા હેતુભા જાડેજાની પૂછપરછ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનો પુત્ર મહેન્દ્રસિંહ જાડેજા લાકડી લઇ ઘસી આવ્યો હતો. જ્યારે જનકબા હેતુભા જાડેજા કુહાડી સાથે ઘસી આવ્યા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો.
નયનાબા સુરજસંગ સોઢા, જનકબા હેતુભા જાડેજા, પ્રેમબા હેતુભા જાડેજા, મહેન્દ્રસિંહ હેતુભા જાડેજા, કાળુભા હેતુભા જાડેજા અને હેતુભા મદારસંગ જાડેજા સામે હત્યાની કોશિષ અને પોલીસની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.