મંદિર નિર્માણ સ્થળની માટીની ચકાસણીની કામગીરી શરૂ
અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે શ્રીરામ મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. હાલ જમીનની માટી પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. રામ મંદિરને ભૂકંપની પણ અસર નહીં થાય. મંદિરના નિર્માણ લોખંડ નહીં વપરાય પણ ત્રાંબુ વપરાશે. ત્રાંબા-સળીયામાં તથા પતરાના દાન માટે ભક્તોને અપીલ કરવામાં આવી છે. મંદિર નિર્માણ માટે ૩૬ થી ૪૦ માસ લાગે તેવી શકયતા છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ગુરૂવારે જણાવ્યું હતું કે, શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણની કામગીરી શરૂ થઈ ગઈ છે. સીબીઆરઆઈ રૂરકી અને આઈઆઈટી મદ્રાસ સાથે મળી મંદિર નિર્માણ કરનારી એલ એન્ડ ટી કંપની દ્વારા જમીનની માટીનું પરિક્ષણ કરી રહ્યાં છે. મંદિર નિર્માણ માટે ૩૦ થી ૪૦ મહિનાનો સમય લાગે તેવું અનુમાન છે.
ટ્રસ્ટે જણાવ્યું કે, શ્રીરામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ભારતની પ્રાચીન નિર્માણ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે. એટલે મંદિર સહસ્ત્ર વર્ષો સુધી ઉભુ રહી શકશે. એટલું જ નહીં ભૂકંપ, વાવાઝોડુ અથવા અન્ય કોઈ પણ પ્રકારની સ્થિતિમાં કોઈ ક્ષતિ નહીં થાય મંદિરમાં લોખંડનો ઉપયોગ નહીં પણ ત્રાંબાનો ઉપયોગ કરાશે. ત્રાંબાના સળીયા તથા પતરા માટે દાતાઓ પાસે દાનની અપીલ કરાઈ છે.