વેપારીઓ, દુકાનદારો, સિનિયર સિટીઝનો, સામાજીક સંસ્થાઓ સહિત કિન્નરો રેલીમાં જોડાયા: કલેકટરને ૧૦ દિવસનું અલ્ટીમેટમ
સુરેન્દ્રનગર શહેરની અઢી લાખની જનતા છેલ્લા બે વર્ષથી ચાલતા ખોદકામને લીધે ગળે આવી ગઇ છે. ત્યારે સિનીયર સીટીઝનોએ આપેલા બંધના એલાનને પગલે શનિવારે સ્વયંભૂ સજ્જડ સફળતા મળી હતી. શહેરના વેપારીઓએ સજ્જડ બંધ રાખીને બંધને ટેકો આપ્યો હતો. જેમાં વેપારીઓએ રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી ૧૦ દિવસમાં જો રસ્તા ચાલવા યોગ્ય નહી થાય તો મોટાપાયે આંદોલનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ વધી ગઇ છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર નગરપાલીકાના ૧૪ વોર્ડમાં ચાલતા ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના કામના લીધે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. સુરેન્દ્રનગર શહેરમાં આડેધડ ખોદકામના વિરોધમાં સીનીયર સીટીઝનો કે.એન.રાજદેવ અને ઘનશ્યામભાઇ પરમારે શનિવારે બંધનુ એલાન આપ્યુ હતુ. જે અંગેના મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ થતા મહેતા માર્કેટ એસોસીયેશન, કરિયાણા એસોસિયેશન, સોની વેપારીઓ, ફોટોગ્રાફર એસોસિયેશન, સુખડીયા એસોસિયેશન સહિતના વેપારી એસોસિયેશને બંધને ટેકો આપી શનિવારે સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો હતો. શનિવારે સવારે ૧ હજારથી વધુ વેપારીઓએ બંધને સમર્થન આપતા મેગામોલથી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. વેપારીઓની રેલી અજરામર ટાવર પાસે પહોંચતા તેમાં કિન્નરો પણ જોડાયા હતા. કિન્નરોએ તંત્ર વાહકોને જો લોકોને સુવિધા પૂરી પાડી શકો તો અમારી સાથે જોડાઇ જાવ તેવુ આહવાન કરતા લોકોમાં રમૂજ ફેલાઇ હતી. વરિષ્ઠોએ આપેલા બંધના એલાનને સમર્થન આપવા રેલી યોજાઇ હતી. જેમાં અમુક રાજકીય આગેવાનો રોટલા શેકવા આવી પહોંચ્યા હતા. અને ટોળાને સંબોધિત કરે તે પહેલા લોકોએ રાજકીય પ્લેટફોર્મ નથી તેમ કહી રાજકીય આગેવાનોને ભાષણ કરતા અટકાવી દીધા હતા. જેમાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી સભામાં બન્ને સીનીયર સીટીઝનોએ વેપારીઓને સંબોધી તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ અધીક કલેકટર ચંદ્રકાંત પંડ્યાને આવેદનપત્ર સુપ્રત કરીને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. જો ૧૦ દિવસમાં શહેરના રસ્તા ચાલવા યોગ્ય નહી થાય તો મોટાપાયે આંદોલનની ચીમકી રજૂઆતના અંતે ઉચ્ચારવામાં આવી છે.