લાખો લોકોની ભીડમાં તંત્રને નેટવર્ક ઇસ્યુ નહિ નડે
કલેકટર તંત્ર હસ્તકના મુખ્ય કંટ્રોલરૂમમાં એક મામલતદાર અને અન્ય 4 કર્મીઓની ત્રણ શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી હશે
રંગીલા રાજકોટના રસરંગ લોકમેળામાં કોઈ પણ ફરિયાદનો નિવેડો લાવવા કલેકટર તંત્રના માર્ગદર્શન હેઠળ કુલ 4 કંટ્રોલ રૂમ ધમધમવાના છે. જો કે મેળામાં લાખો લોકોની ભીડ રહેતા દર વખતે નેટવર્ક ઇસ્યુ રહેતા હોય આ વખતે સંકલન માટે 30 વોકિટોકીના સેટનો ઉપયોગ કરવામાં આવનાર છે.રાજકોટમાં રેસકોર્ષ મેદાનમાં આગામી તા.5થી 9 સપ્ટેમ્બર સુધી રસરંગ લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં કલેકટર કચેરી હસ્તકનો મુખ્ય કંટ્રોલરૂમ તેમજ પોલીસ, કોર્પોરેશન અને આરએન્ડબી- ઇલેક્ટ્રિક એમ કુલ ચાર વિભાગના કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે.
ગ્રામ્ય પ્રાંત વિવેક ટાંકના જણાવ્યા અનુસાર કલેકટર કચેરી હસ્તકના મુખ્ય કંટ્રોલ રૂમમાં 8 કલાકની 3 શિફ્ટમાં કામ કરવામાં આવશે. એક શિફ્ટમાં એક મામલતદાર અને અન્ય વિભાગના 4 કર્મચારી રહેશે. આ માટે વિવિધ વિભાગ પાસેથી કર્મચારીની વિગતો માંગવામાં આવી છે. રોટેશન પ્રમાણે 100થી વધુ કર્મચારીના ફરજના ઓર્ડર કરાશે. કલેકટર કચેરી હસ્તકના કંટ્રોલ રૂમમાં રાઈડ કે વસ્તુના વધુ ભાવ લેવાતા હોય, મેડિકલ ઇમરજન્સી હોય તેવી ફરિયાદો લેવાશે. આ માટે રજીસ્ટર મેઇન્ટેઇન કરાશે. વધુમાં દર વર્ષે ભારે ભીડને કારણે નેટવર્ક સમસ્યા ઉદભવતી હોય તંત્ર દ્વારા તમામ કંટ્રોલ રૂમ સાથે સુવ્યવસ્થિત રિતે સંપર્ક જળવાય રહે તે માટે પ્રથમવાર વોકીટોકીના 30 સેટનો ઉપયોગ કરાશે.
કંટ્રોલરૂમના ફરજ બજાવનાર કર્મચારીઓને પહેલા તાલીમ અપાશે
અત્યાર સુધી લોકમેળામાં એવું પણ બનતું હતું કે અલગ અલગ વિભાગના ઘણા કર્મચારીઓને કંટ્રોલ રૂમમાં ફરજ સોપાતી હતી. પરંતુ તેને ત્યાં ફરિયાદોને કઈ રીતે હેન્ડલ કરવાની છે તે સમજવામાં જ વાર લાગતી હતી. આ સમસ્યા ધ્યાને આવતા આ વખતે સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે કે ફરજનો ઓર્ડર થાય તેવા કર્મચારીઓને મેળા પહેલાં જ મેળાના સ્થળે લઈ જઈ બેઝિક તાલીમ અપાશે. જેથી ફરિયાદોનો તુરંત નિવેડો આવે.