- બાર એસો.એ 5 એકર જગ્યા માટે માંગણી કરી, કલેકટર તંત્ર દ્વારા જગ્યાની પસંદગી કરીને પ્રોસેસ ફી ભરાવવા માટે કાર્યવાહી
રાજકોટની ભાગોળે નવી કોર્ટના નિર્માણ બાદ હવે તેની નજીકમાં વકીલોને ઓફિસ માટે 5 એકર જેટલી જગ્યા ફાળવવાની બાર એસો. એ કલેકટર સમક્ષ માંગણી કરી હતી.
જે અનુસંધાને કલેકટર તંત્ર દ્વારા જગ્યાની પસંદગી કરીને પ્રોસેસ ફી ભરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત તા.6 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે ઘંટેશ્વર ખાતે 110 કરોડના ખર્ચે બનેલા નવા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 36,520.00 ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં 05 માળની ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ બની છે. જેમાં કોર્ટરૂમની સુવિધા તેમજ ન્યાયાધીશો માટે લાઈબ્રેરી તેમજ વિડીયો કોન્ફરન્સ હોલ, વકીલો માટે બારરૂમ, સરકારી વકીલો માટે ચેમ્બરો, જજીસ માટે ચેમ્બરો, કોર્ટનાં સ્ટાફ તથા અરજદારો માટે કેન્ટીન, કોર્ટનાં સ્ટાફ – અરજદારો માટે પાર્કીંગ તથા જજીસ માટે અલગથી પાર્કીંગ, લેડીઝ-જેન્ટસ ટોઈલેટ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ તથા મુદ્દામાલ રૂમ અને સીસીટીવી સર્વેલન્સ સાથેની વિવિધ સવલતોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી મોચી બજાર ખાતે કોર્ટ કાર્યરત હતી. એટલે મોટાભાગના વકીલોની ઓફિસ તેની આસપાસ હતી. પણ નવી કોર્ટ પાસે કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોય, રાજકોટ બાર એસોસીએશને કલેકટર સમક્ષ વકીલોની ઓફિસો બનાવવા સ્પેશિયલ કેસમાં જમીન ફાળવવાની માંગણી કરી હતી.
આ માટે ઘંટેશ્વરની સર્વે નં.150ની 5 એકર જમીનની પસંદગી કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વધુમાં બજાર કિંમત મુજબ જમીન અપાશે, બજાર કિંમત અત્યારે રૂ.25 કરોડ આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. વકીલોએ આ માટે તૈયારી કરી છે, હવે પછીની ડીએલપીસી બેઠક મળે તેમા ફાઇનલ ભાવ નક્કી કરવામાં આવશે.
વધુમાં કલેકટર તંત્ર દ્વારા બાર એસો.ને જંત્રીની 1 ટકા પ્રોસેસ ફી ભરવાનું પણ કહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નવી કોર્ટ બિલ્ડીંગ રાજકોટ શહેરથી દૂર થાય છે. પરિણામે વકીલોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. હવે કોર્ટની નજીકમાં જ ઓફિસ માટે જગ્યા મળવાથી વકીલોને સરળતા રહેવાની છે.