પ્રમુખપદ 1, ઉપપ્રમુખ અને સેક્રેટરીમાં 2-2, જો. સેક્રેટરી, ટ્રેઝરર , લા. સેક્રેટરીમાં એક-એક, અને કારોબારીમાં 7 સહિત 25 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા; 22મીએ મતદાન
રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી લડવા પ્રમુખ પદના ઉમેદવાર સહિત વિવિધ હોદા ઉપર કુલ 59 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કુલ 15 ફોર્મ પરત ખેંચાયા હતા. અને બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ સહિતના 16 હોદા ઉપર 44 ઉમેદવારો વચ્ચે જંગ જામશે બાર એસોસીએશનની ચૂંટણીમાં રોમાંચક માહોલ સર્જાયો છે
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી આગામી 22મી ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણીમાં જંગ જામ્યો હોય તેમ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ અને પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલના ઉમેદવારો સહિત સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર કુલ 59 ઉમેદવારો ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાં પ્રમુખ પદના ઉમેદવાર સહિત 15 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર પી.સી.વ્યાસ, ઉપપ્રમુખ પદના ઉમેદવાર હરેશ પરસોંડા અને યોગેશ ઉદાણી, સેક્રેટરી પદના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા અને કમલેશ શાહ, જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર આશિષ મહેતા, ટ્રેઝરર પદના ઉમેદવાર કેતન મંડ, લાયબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવાર નયનેશ ઠક્કર તેમજ કારોબારી સભ્યના ઉમેદવાર રાજેશકુમાર જલુ, નિશાંત જોષી, ભાર્ગેશ ખૂંટ, કેતન મંડ, અજય પરમાર, આશિષ વિરડીયા અને રીધમ ઝાલાવાડીયાએ પોતાના ફોર્મ પરત ખેંચી અન્ય ઉમેદવારોને ટેકો જાહેર કરતા બાર એસોસીએશનની ચૂંટણી રોમાંચક બની છે.
બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભારી ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ સામે પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ પોતાની પેનલની જાહેરાત કરતા ચૂંટણીનો માહોલ ગરમાયો છે.
બાર એસોસીએશનની સમરસ અને એક્ટિવ પેનલના પ્રમુખ પદ સહિતના 16 હોદા ઉપર બને પેનલે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે અનેક દાવેદરોએ સ્વતંત્ર ઉમેદવારી ચૂંટણીમાં જંપલાવ્યું છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ પર 3, ઉપપ્રમુખ પદ પર 2, સેક્રેટરી પદ પર 2, જોઇન્ટ સેક્રેટરી પદ પર 4, ટ્રેઝરર પદ પર 4, લાઈબ્રેરી સેક્રેટરીમાં 2, કારોબારી મહિલા અનામત સીટ પર 3 અને કારોબારી સભ્ય પદ પર 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે આગામી 22 મી ડિસેમ્બરે પ્રમુખ પદ સહિત 16 હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર 44 ઉમેદવારો વચ્ચે ફરિફાઈ જામશે. રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતા ભાજપ પ્રેરિત સમરસ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે મરણીયો જંગ જામ્યો છે. કાવાદાવાના માહિર 44 વકીલ ઉમેદવારો મત માટે સોંગઠબાજી ગોઠવી રહ્યા છે. રાજકોટના 3200 જેવા વકીલ મતદારોના મત કબ્જે કરવા ઉમેદવારો તનતોડ મહેનત કરી મતદારોને રિઝવી રહ્યા છે.
બાર એસો.ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ: ઠંડીમાં માહોલ ગરમાયો
સ્વતંત્ર ઉમેદવારો છેલ્લી ઘડીએ રાજાણીની પેનલમાં ગોઠવાયા !!
બાર એસોસિએશનના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં લીગલ સેલ સમર્પિત સમરસ પેનલે પ્રમુખ પદ સહિતના 16 હોદ્દા ઉપર પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જ્યારે ચૂંટણી જંગમાં સમરસ પેનલ સામે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર પ્રમુખપદના સ્વતંત્ર ઉમેદવાર બકુલ રાજાણીએ અંતિમ ઘડીએ પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારતા બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ જામ્યો છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં છેલ્લા બે વર્ષથી આમને સામને આવતા ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ વચ્ચે ચૂંટણી યોજાતી હતી પરંતુ આ વખતે લીગલ સેલ દ્વારા પોતાની સમરસ પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવતા ભાજપના અન્ય જૂથે પોતાની પેનલને મેદાનમાં ઉતારી નથી અને સમરસ પેનલ સામે પ્રમુખ પદ સહિતના તમામ હોદ્દા ઉપર સ્વતંત્ર ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેમ પ્રમુખ સહિતના 16 હોદ્દા ઉપર 59 જેટલા ફોર્મ ભરાયા હતા. ફોર્મ પરત ખેંચવાના સમયગાળા દરમિયાન 17 જેટલા ફોર્મ પરત ખેંચાતા હવે પ્રમુખ પદ સહિતના 16 હોદ્દા ઉપર 44 ઉમેદવારો જંગ લડશે.
બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ સ્વતંત્ર ઉમેદવારી ફોર્મ ભરાવ્યાં હતા. અને ફોર્મ પરત ખેંચાયા બાદ યુદ્ધના ધોરણે પોતાની એક્ટિવ પેનલની જાહેરાત કરતા ચૂંટણી જંગ જામ્યો છે. પેનલની જાહેરાત કર્યા બાદ બકુલ રાજાનીની એક્ટિવ પેનલ દ્વારા આજે સિવિલ કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલો માટે ગાંઠીયા જલેબીના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
બાર એસોસિએશનની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર પ્રમુખ પદ માટેના દાવેદાર બકુલ રાજાણી, ઉપપ્રમુખ પદના સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે સુમિતકુમાર વોરા, જોઈન્ટ સેક્રેટરી પદે કેતન મંડ, ટ્રેઝરર પડે દિવ્યેશ છગ, લાઈબ્રેરી પદે સંજય જોષી, કારોબારી સભ્ય પદે વિમલકુમાર ડાંગર, તુષાર દવે, હિરલબેન જોષી, અજય પીપળીયા, કૌશિક પોપટ, પિયુષ સખીયા, નીતિન શિંગાળા, રીતેષ ટોપીયા અને ચેતન વિઠલાપરાએ એક જૂથ થઈ એક્ટિવ પેનલ મેદાનમાં ઉતારી છે. સમરસ પેનલ સામે છેલ્લી ઘડીએ એક્ટિવ પેનલ મેદાનમાં આવતા ચૂંટણીનો જંગ જામ્યો છે. અને હવે મતદાર વકીલો કઈ પેનલ તરફ ઢળે છે તેના તરફ સૌની મીટ મંડાણી છે.
સમરસ પેનલનો ઝંઝાવતી પ્રચાર: ઠેર ઠેર આવકાર
બારના હિતને ધ્યાને લઈ ઉપપ્રમુખ-સહિતનાએ ઉમેદવારી પરત ખેંચી
વકીલોની સંસ્થા બાર એસોસિયેશન ની ચુંટણીમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલ ઉમેદવારી નોંધાવતા જેના સમર્થનમાં અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી સમરસ પેનલને ટેકો જાહેર કર્યો છે જેમાં ઉપપ્રમુખ પદના દાવેદાર હરેશભાઈ પરસોંડાએ પક્ષ અને વકીલોના હિતને ધ્યાનમાં લઈને બધાની લાગણી મુજબ પેનલના ઉપપ્રમુખ પદના ઉમેદવારી પરત ખેંચી સુરેશભાઈ ફળદુની તરફેણમાં ઉમેદવારી પરત ખેંચી છે. કારોબારી પદના ઉમેદવાર નિશાંત જોશી એ પણ ખુલ્લો ટેકો જાહેર કરી પેનલના સમર્થનમાં પોતાની ઉમેદવારી જતી કરેલ છે.
જ્યારે જોઇન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર જયેન્દ્રભાઈ ગોંડલિયા એ સમજાવટ કરતા આ પદ ઉપર ઉમેદવારી નોંધાવનાર આશિષભાઈ મહેતા પણ સમર્થનમાં પોતાનું ફોર્મ પરત ખેંચેલું છે. સમરસ પેનલના ઉમેદવારોએ પોતાનું સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. વકીલોનું પ્રચંડ સમર્થન અને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. સમરસ પેનલના તમામ ઉમેદવારોએ સિવિલ કોર્ટે બિલ્ડિંગ, કોર્ટ કમ્પાઉન્ડ, નેગોશીએબલ કોર્ટ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ, ફાસ્ટ ટ્રેક કોર્ટ, ફેમિલી કોર્ટ બિલ્ડિંગ ખાતે સંપર્ક કરતા સિનિયર, જુનિયર, મહિલા વકીલોનું પ્રચંડ સમર્થન સાથે તમામ ઉમેદવારોને ઠેર ઠેર થી આવકાર મળેલો છે. સમરસ પેનલના ઉમેદવારોની તરફેણમાં જંગી મતદાન કરી તમામને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવશે.