આરસીબી અને મુંબઈને પ્લે ઓફ માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા હજુ પણ 75 ટકા તક
ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે ત્યારે પ્લેઓફમાં પહોંચવાની રેસ પણ જામી છે. જેમાં લીગ મેચમાં પંજાબને હરાવ્યા બાદ રાજસ્થાન માટે હજુ પણ જો અને તો જેવી સ્થિતિ જોવા મળી છે જ્યારે પંજાબ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. હવે આઇપીએલ 2023માં માત્ર ચાર લીગ મેચો રમવાની બાકી છે અને પ્લેઓફના ત્રણ સ્થાન માટે છ ટીમો વચ્ચે રસાકસી છે. અત્યાર સુધી માત્ર ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહી છે. પંજાબ કિંગ્સ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ પુરી થઈ ગઈ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પ્લેઓફમાં પહોંચવું ખુબજ કઠિન
કોલકાતા નાઈટ રાઈડર્સે તેની છેલ્લી મેચમાં લખનઉને ઓછામાં ઓછા 103 રનના માર્જીનથી હરાવવું પડશે. આ ઉપરાંત એવી અપેક્ષા રાખવી પડશે કે મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોર તેમની છેલ્લી મેચો મોટા માર્જિનથી હારી જાય. જો આમ નહીં થાય તો કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.
લખનઉની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ જીવંત
લખનઉ સુપર જાયન્ટ્સને પ્લેઓફમાં સરળતાથી સ્થાન મેળવવા માટે તેમની છેલ્લી મેચ કોલકાતા સામે જીતવી પડશે. જો લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ તેની છેલ્લી મેચ હારી જાય છે તો તેણે મુંબઈ ઈન્ડિયન્સ અથવા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાંથી કોઈ એક ટીમ હારે તો તે પોતાનું સ્થાન પાકું કરી લેશે.
મુંબઈ ઈન્ડિયન્સે તેની છેલ્લી મેચ જીતવી અનિવાર્ય
મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફમાં પહોંચવા માટે છેલ્લી મેચ જીતવી પડશે. જો કે મુંબઈને બેંગ્લોર, ચેન્નઈ કે લખનઉમાંથી કોઈ એક ટીમ તેની છેલ્લી મેચ હારી જાય તેના પર પણ નિર્ભર રહેવું પડશે. જો મુંબઈ ઈન્ડિયન્સ તેની છેલ્લી મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે.
ચેન્નઈ સુપર કિંગ્સ પ્લે ઓફમાં પહોંચવા માત્ર એક જીત દૂર
ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ હાલ 15 પોઈન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આજે દિલ્હી કેપિટલ્સ સામે જો ચેનઇ મેચ જીતી જાય તો તે પ્લેઓફમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લેશે. પરંતુ જો ચેન્નઈ દિલ્હી સામેની મેચ હારી જાય છે તો તેણે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેમની છેલ્લી મેચ હારે તો તે પ્લેઓફમાં પહોંચશે.
રાજસ્થાન રોયલ્સ માટે જો અને તો જેવી સ્થિતિ
રાજસ્થાન રોયલ્સને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે જો અને તો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોર તેમની છેલ્લી મેચ હારે તેને પ્લેઓફમાં પહોંચવું સરળ બનશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 16 પોઇન્ટ મેળવા જીટીને હરાવા મેદાને ઉતરશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં પહોંચવા માટે છેલ્લી મેચ જીતવી પડશે અને સાથે મુંબઈ, લખનઉ કે ચેન્નઈમાંથી કોઈ એક ટીમ તેમની છેલ્લી મેચ હારે તેના પર રહેશે. જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેની છેલ્લી મેચ હારી જાય છે તો તે તેના માટે પ્લેઓફમાં પહોંચવું ખુબ જ મુશ્કેલ હશે. બીજી તરફ આરસીબીએ ધ્યાન રાખવું પડશે કે તેને ગુજરાત સામે મોટી હાર ન મળે જેથી તેનો નેટ-રનરેટ રાજસ્થાન કરતા સારો રહે.