અબતક,હળવદ
જર, જમીનને જોરું ત્રણ કજીયાના છોરું ઉક્તિ મુજબ ગત મોડી સાંજે હળવદ તાલુકાના દિઘડીયા ગામની સીમમાં વાડી રહેતા એક જ પરિવારના ત્રણ સગાભાઇઓ વચ્ચે ભાયુભાગે આવેલી જમીનમાં પાણી લેવા મુદ્દે બોલાચાલી થઇ હતી જેમાં બે ભાઈઓએ એક સંપ કરી સગા ભાઈને જ ધારીયા અને છરીના ઘા ઝીકી હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે. જ્યારે આ બનાવમાં મૃતકના પત્ની અને બાળકને પણ ઈજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે હાલ પોલીસ દ્વારા ફરિયાદ લઇ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના ચીત્રોડી ગામના અને દિઘડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ રહેતા મુકેશભાઈ કુકાભાઈ સારલા ઉંમર વર્ષ 35 તેમના પરિવાર સાથે ઘરે હતા તે સમયે તેમના બે સગા ભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલા છરી અને ધારીયા લઈ ઘરે ધસી આવી બોલાચાલી કરી મુકેશભાઈ ઉપર હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઈ ને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું છે જ્યારે મૃતકના પત્ની દક્ષાબેનને અને તેમના એક બાર વર્ષના દીકરાને પણ ઈજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રઘાભાઈ, મુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇઓ હોય જેઓની બાપદાદાની 15 વીઘા જેટલી જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ-પાંચ વીઘાના ભાગ પાડી દેવામાં આવેલા હતા પરંતુ વીજ કનેક્શન એક જ હોય જેના કારણે મોટરનું પાણી લેવા માટે બોલાચાલી થઈ હતી. પરંતુ આ બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતા નજીવી બાબતે સગાભાઈઓ છેક હત્યા સુધી પહોંચી ગયા હતા. હાલ તો પોલીસ દ્વારા ચિત્રોડી ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
મૃતક ત્રણ ભાઈઓમાં વચેટ હતા. મૃતકના પત્ની દક્ષાબેનએ તેઓના દિયર અને જેઠ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસ દ્વારા બન્ને ભાઈઓ વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધી હાલ બંને આરોપીઓને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસના ચક્રોગતિમાન તેજ કર્યા છે.