મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ રાજકોટને 250 રેમડેસીવીર ઈન્જેકશન ફાળવ્યા
રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તે બીજી તરફ કોરોના વેક્સિનેશન અભિયાન પણ યુદ્ધના ધોરણે ચલાવાઈ રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીના વતનમાં જ રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો ખુટી જતા માહોલ ગરમાયો હતો. જો કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ રાજકોટને 250 રેમડેસીવીર ઈન્જેકશન ફાળવ્યા છે અને આ ઈન્જેકશનનો જથ્થો રાત સુધીમાં પહોંચી જશે તેવી વાત સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના મેડિકલ સ્ટોરમાં રેમડેસીવીર ઈન્જેકશનનો સ્ટોક છેલ્લા બે દિવસથી ખાલી થઈ ગયો છે. જો કે સિવિલમાં પણ આ ઈન્જેકશનનો જથ્થો પણ ન હોય તેવી માહિતી મળી રહી છે. રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેકશનને લઈ રાજકારણ ગરમાયું છે. હાલ કોરોનાના કેસ ખુબજ વધી રહ્યાં છે. રાજકોટમાં કોરોનાની બીજી લહેર વચ્ચે મોટાભાગની ખાનગી હોસ્પિટલો પણ ફૂલ થઈ ગઈ છે. આજે બપોર સુધીમાં કોરોનાના લગભગ 100થી વધુ કેસ આવ્યા હતા. ત્યારે આવનારા સમયમાં ઓક્સિજન અને રેમડેસીવીર ઈન્જેકશન તાતી જરૂર પડે લાગી રહ્યું છે અને એક વાત એવી સામે આવી રહી છે કે, રેમડેસીવીર ઈન્જેકશન અછતને લઈ કેટલીક હોસ્પિટલોએ નવા કેસ દાખલ કરવાના બંધ કર્યા છે. જો કે, રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરની ચિંતા કરીને આ મામલે અંગત રસ દાખવ્યો છે અને આજે સાંજ સુધીમાં 250 જેટલા રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો આવી પહોંચશે તેમ જણાવ્યું હતું અને કોઈપણ કોરોના દર્દીએ ચિંતા કરવાનો જરૂર નથી તેવો સંદેશો પાઠવ્યો હતો.
પરિસ્થિતિનો તાગ લેતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તંત્રને રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો રાજકોટ મોકલવા આદેશ આપ્યો છે ત્યારે આજ સાંજ સુધીમાં આ તમામ રેમડેસીવીર ઈન્જેકશન જથ્થો રાજકોટ આવી પહોંચશે.