- હળવદમાં સરકારી દવાઓનો જથ્થો રોડ પર ફેંકી દીધેલ હાલતમાં મળી આવ્યો
- ઇંગોરાળાથી માયાપૂર જવાના રસ્તે મળી આવ્યો દવાઓનો જથ્થો
- અગરિયાઓને અપાતી દવાઓ હોવાનું પ્રાથમિક તારણ
- તાલુકા ભાજપ પ્રમુખ ભરત કણઝારિયાએ તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરી તપાસની કરી માંગ
મોરબી: રાજ્યના હળવદમાં રસ્તે રઝળતી બોક્સ પેક દવાઓનો મોટા પ્રમાણમાં જથ્થઓ મળી આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે હળવદના ઈગોરાળાથી મયાપુર જવાને રસ્તે આવેલા નર્મદા કેનાલ પાસે સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો.જે જથ્થો મળી આવ્યો તેમાં ગુજરાત સરકારના ઉપયોગ માટેનું લખાણ લખેલું હતું. જાહેરમાં મળી આવેલી દવાઓ બાબતે હવે રાજકારણ ગરમાયું છે.જેમાં ભાજપના તાલુકા પ્રમુખ દ્વારા દવાઓના સરકારી જથ્થા મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સરકારી ટેબલેટ સાથે બોટલો મળી આવતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં દવાનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે નાખ્યો તે અંગે ગ્રામજનો દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે.
આ ઘટના અંગે હળવદ તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઈ કંજારિયાએ આરોગ્ય વિભાગના અધિકારીઓને ફરિયાદ કરી છે. તેમણે બેદરકાર અધિકારી અને કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની માગ કરી છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી મળેલી કેટલીક દવાઓ જોખમી પ્રકારની હતી. જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ આ દવાઓ લે તો તે ઝેર બની શકે તેમ હતી. આમ છતાં આ દવાઓને જાહેર રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.
ઘટના ધ્યાન પર આવ્યા બાદ બપોર સુધીમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ મોટાભાગનો દવાનો જથ્થો ઉઠાવી લીધો હતો. હવે આ દવાઓ કોણે ફેંકી અને કોણે ઉઠાવી લીધી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સરકાર ગરીબ અને શ્રમિક પરિવારોને દવાઓ મળી રહે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે સરકારની આ પહેલ નિષ્ફળ જતી જોવા મળે છે.
અહેવાલ: ઋષિ મહેતા