કોવિડ ટેસ્ટિંગ- માસ્કના નિયંત્રણોને તિલાંજલી આપી બાળકોને હસતા કરવાનો સમય આવી ગયો
કોરોના સાથે જ આપણે જીવવાનું છે, હવે નિયંત્રણો મૂકી ભયનો માહોલ ઉભો કરવો જોખમી હોવાનું નિષ્ણાંતોનું મંતવ્ય
અબતક, રાજકોટ :
કોરોનાના કારણે જનતા કરફ્યુથી છૂટછાટો ઉપર પુશનું બટન દબાવી દેવામાં આવ્યું હતું. પણ હવે આ પુશ બટનને બંધ કરી પ્લે બટન દબાવવાનો સમય આવી ગયો છે. કોવિડ ટેસ્ટિંગ- માસ્કના નિયંત્રણોને તિલાંજલી આપી બાળકોને હસતા કરવામાં આવે તેવો અભિપ્રાય નિષ્ણાંતોએ આપ્યો છે.
કોરોનાની વિનાશક બીજી લહેર પછી અને ત્રીજાની તૈયારીમાં બીમાર દર્દીઓની સંભાળ રાખવા માટે તમામ શહેરોમાં આઇસીયુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પણ આ બેડ ખાલી હાલતમાં જ રહ્યા છે. હવે નિષ્ણાંતો જણાવી રહ્યા છે આપણે કોરોના સાથે જીવતા શીખવું જોઈએ. હવે કોવિડ અન્ય રોગ જેવો સામાન્ય બની ગયો છે.
નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે કોવિડ માટે વધુ સામૂહિક ટેસ્ટિંગની હવે જરૂર નથી. જેમ આપણે ડેન્ગ્યુ, મેલેરિયા અને એચઆઈવી માટે પરીક્ષણ કરીએ છીએ, તેમ ડોકટરોની સલાહ પર કોવિડ માટે દર્દીઓની પણ તપાસ કરવામાં આવે તે હીતાવહ છે. આવું કરવાથી દર્દીઓમાં ભયનું વાતાવરણ સર્જાય છે. સ્પેનિશ ફ્લૂ માત્ર 18 મહિના ચાલ્યો હતો. હકીકતમાં સ્પેનિશ ફ્લૂ હજુ પણ મોસમી ફ્લૂ જેટલો જ સક્રિય છે. સ્પેનિશ ફ્લૂનું નિદાન કરવા માટે કોઈ પ્રયોગશાળા પરીક્ષણ ન હોવાથી, 18 મહિના પછી રોગચાળાના હોસ્પિટલમાં દાખલ થવામાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો, જે એવી છાપ ઉપસાવે છે કે રોગચાળો અદૃશ્ય થઈ ગયો છે અને જીવન સામાન્ય થઈ ગયું છે.
હવે એ સ્પષ્ટ છે કે કોરોના સાથે આપણે જીવવાનું છે. આવા સમયે નિયંત્રણ મુકવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાશે. વ્યવસાયને નુકસાન પણ થશે. વ્યાપારી પ્રવૃત્તિ વિના રોજગારીનું સર્જન નથી અને રોજગાર સર્જન વિના શાંતિ નથી. 22 માર્ચ, 2020 ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પોઝ’ બટન દબાવ્યું અને જનતા કર્ફ્યુ લાગુ કર્યું. કારણ કે આપણે અદ્રશ્ય દુશ્મન સામે યુદ્ધ લડવાનું હતું. હવે આ યુદ્ધ આપણે જીતી લીધું છે. હવે ‘પ્લે’ બટન દબાવવાનો સમય આવી ગયો છે. જેથી બાળકો ફરી એકવાર શાળાઓમાં હસી શકે અને રમી શકે અને લોકોના ચહેરા પર સ્મિત ફરી વળે. તેવું કાર્ડિયાક સર્જન અને નારાયણ હેલ્થના ચેરમેન અને સ્થાપકે જણાવ્યું છે.
તમિલનાડુંમાં નિયંત્રણો ઉપર મુકાયો પૂર્ણવિરામ : છૂટછાટો જાહેર
તામિલનાડુમાં 1 ફેબ્રુઆરીથી શાળા અને કોલેજો ખોલવામાં આવશે. આ સાથે શુક્રવારથી નાઇટ કર્ફ્યુ પણ હટાવી લેવામાં આવશે. કોરોનાવાયરસના વધતા જતા કેસ અને નવા પ્રકાર ઓમિક્રોન અંગેની ચિંતાઓને કારણે રાજ્યમાં સંખ્યાબંધ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા। ચેપના ઝડપી ફેલાવાની ચિંતા વચ્ચે, રાજ્ય સરકારે સાવચેતી તરીકે માત્ર શાળાઓ અને કોલેજો જ બંધ કરી ન હતી, પરંતુ રાત્રિ કર્ફ્યુની પણ જાહેરાત કરી હતી. મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ હતો અને સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓમાં લોકોની સંખ્યા મર્યાદિત હતી. હવે આ નિયમોમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે.