હેતુ ફેર અને વધારાના બાંધકામવાળી મિલકતોના વેરામાં વધારો થશે: પોશ વિસ્તારમાં ૩.૨૫, સારા વિસ્તારમાં ૨.૫, મધ્યમ વિસ્તારમાં ૧.૭૫ અને પછાત વિસ્તારમાં ૧.૨૫ ભારાંક નકકી કરાયો: ચેરમેન પુષ્કર પટેલ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૨૮ દરખાસ્તોને મંજુરીની મહોર મારી રૂ.૪૬.૩૫ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. મહાપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષથી વેરા વસુલાતની કામગીરી માટે કાર્પેટ એરીયા પઘ્ધતિની અમલવારી કરવામાં આવનાર છે. જયારે આજે સ્ટેન્ડિંગમાં કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિ માટે નિયમો બનાવવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. શહેરમાં આવેલી ૪.૫૭ મિલકતો પૈકી ૮૫ ટકા જેટલી મિલકતોનો વેરામાં ઘટાડો થશે તેવી સંભાવના ચેરમેન પુષ્કરભાઈ પટેલે વ્યકત કરી હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ.કમિશનર દ્વારા કાર્પેટ એરીયા પઘ્ધતિ લાગુ કરવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જે અગાઉ પેન્ડીંગ રાખવામાં આવી હતી. ગહનચર્ચા વિચારણા અને પુરતો અભ્યાસ કરી સ્થાયી સમિતિ દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર દ્વારા પોશ વિસ્તાર માટે ૨.૭૫નો ભારાંક સુચવવામાં આવેલો છે જેમાં અંશત: વધારો કરી સ્થાયી સમિતી દ્વારા ૩.૨૫ કરવામાં આવ્યો છે. જયારે સારા વિસ્તારનો ભારાંક ૨.૫૦ યથાવત રાખવામાં આવ્યો છે. મધ્યમ વિસ્તાર માટે ૨ ભારાંક સુચવવામાં આવ્યો હતો જેમાં ઘટાડો કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ૧.૭૫ કરવામાં આવ્યો છે. જયારે પછાત વિસ્તારનો ભારાંક ૧.૨૫ રાખવામાં આવ્યો છે.
તેઓએ ઉમેર્યું હતું કે, મિલકતની ઉંમરનું પરીબળ ધ્યાને લઈ ભારાંક નકકી કરવામાં ૧૦ વર્ષ સુધીની મિલકત માટે એકનો ભારાંક સુચવવામાં આવ્યો હતો જે સ્ટેન્ડિંગ કમિટીએ ૧.૨૦ મુજબ રાખ્યો છે. જયારે ૧૦ થી ૨૦ વર્ષ સુધીની જુની મિલકત માટે સુચવવામાં આવેલો ૦.૮૦ મુજબનો ભારાંક યથાવત રાખવામાં આવ્યો છે. જુની મિલકત ઉપર વેરાનુ ભારણ ન આવે તે બાબતને ધ્યાનમાં રાખી ૨૦ થી ૩૦ વર્ષ જુની મિલકતનો ભારાંક ૦.૬ થી ઘટાડી ૦.૫ અને ૩૦ વર્ષથી વધુ જુની તમામ મિલકતો પરનો ભારાંક ૦.૬૦ થી ઘટાડી ૦.૨૫ મુજબ રાખવામાં આવ્યો છે. કમિશનર દ્વારા આર.સી.સી. બાંધકામ માટે ૧નો ભારાંક સુચવે જે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ૧.૫૦ કરવામાં આવ્યો છે. જયારે કાચા મકાનો માટે ૦.૫૦ ભારાંક સુચવવામાં આવ્યો હતો જે ૧ કરવામાં આવે છે. કાર્પેટ એરીયા પઘ્ધતિમાં શહેરની તમામ રહેણાંક મિલકતો માટે સુચવવામાં આવેલા એકના ભારાંક સામે ૧.૫૦નો ભારાંક રાખવામાં આવ્યો છે. જયારે કોમર્શીયલ મિલકતો માટે ૪ અને ઈન્ડસ્ટ્રીયલ મિલકતો માટે ૨.૫નો ભારાંક સુચવવામાં આવે તે યથાવત રાખવામાં આવ્યો છે.
મિલકત ધારકોની પોતાની માલિકીની મિલકત માટે ૧ તથા ભાડાની મિલકત માટે ૨નો ભારાંક સુચવ્યો હતો જે યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રહેણાંક પ્લોટ પર ૦.૭૫ અને કોમર્શીયલ પ્લોટમાં ૧નો ભારાંક સુચવવામાં આવે પરંતુ ટીપી શાખા દ્વારા પ્લોટ પર ટેકસ વસુલવામાં આવતો હોવાથી આ ભારાંક શૂન્ય કરી દેવામાં આવ્યો છે.
કમિશનર દ્વારા નિયમ ૮-ગ (૨) મુજબ આર.સી.સી. સિવાયના બાંધકામ માટે ૭૫ ટકા કાર્પેટ ગણવાનું સુચવવામાં આવે તે સ્થાયી સમિતી દ્વારા માન્ય રાખવામાં આવે છે. જયારે નિયમ ૮-ગ (૩) મુજબ ખુલ્લી જમીન માટે ૫૦ ટકા કાર્પેટ ગણવાની જે દરખાસ્ત હતી તેને રદ કરી દેવામાં આવી છે. કમિશનરે સુચવેલા નિયમો અને ભારાંકમાં ફેરફાર કરવાથી સમગ્ર શહેરની કુલ મિલકતો પૈકી ૮૫ ટકા મિલકતોમાં વેરાની રકમ ઘટાડો થશે જયારે ખુબ જ ઓછી મિલકતોનો વેરો નજીવો વધશે. જે મિલકતમાં વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે. હેતુ ફેરવાળી મિલકત છે કે અત્યારસુધી લમસમ વેરો ભરાઈ છે તેવી મિલકતના વેરામાં વધારો થશે. કાર્પેટ એરીયા પઘ્ધતિ ખુબ જ પારદર્શક તથા સચોટ હોય. મિલકતધારક પોતે પોતાની મિલકતની ટેકસની ગણતરી જાતે કરી શકશે તેવી આશા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વ્યકત કરી હતી. સાથો સાથે ઉમેર્યું હતું કે, શહેરમાં કુલ ૪.૫૭ લાખ મિલકતો આવેલી છે. કાર્પેટ એરીયાની અમલવારી બાદ ટેકસ બ્રાંચને મિલકત વેરા પેટે રૂ.૨૩૦ કરોડની આવક થવાનો અંદાજ છે.
શહેરીજનો ગભરાય નહીં કાર્પેટ એરિયાથી મોટો ફાયદો થશે: મ્યુનિ.કમિશનર
વાંધા અરજીઓનો ઝડપથી નિકાલ કરાશે: રાજકોટના ઈતિહાસમાં સૌથી શ્રેષ્ઠ રિફોર્મસ
મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિને આવકારતા જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓ આ નવી સિસ્ટમથી જરા પણ ગભરાઈ નહીં. કારણકે કાર્પેટ એરીયાથી લોકોને મોટો ફાયદો થશે. જેમાં ૮૫ ટકા જેટલી મિલકતોનો વેરામાં ઘટાડો થશે. જે મિલકતોના વેરા વધ્યા હશે તે કાયદેસર જ હશે. નવી પઘ્ધતિની અમલવારી બાદ જે વાંધા અરજીઓ આવશે તેના નિકાલ માટે પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, કાર્પેટ એરીયા આધારીત મિલકત વેરાની આકારણી પઘ્ધતિમાં સમયાંતરે ફેરફાર કરવા માટેનો સંપૂર્ણ પાવર મ્યુનિ.કમિશનર પાસે છે. જે કરદાતાના વેરામાં વધારો થશે અને તે વ્યકિત વાંધાઅરજી કરશે તો ફેર આકરણી કરવામાં આવશે અને જરૂર પડયે ફેકટર ચેન્જ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજકોટમાં અત્યાર સુધી ભાડા પઘ્ધતિ આધારીત મિલકત વેરાની વસુલાત કરવામાં આવતી હતી. જેનાથી વેરાનો દર ખુબ જ ઉંચો હોવાના કારણે મોટી કંપનીઓ રાજકોટમાં પોતાની ઓફિસ ખોલતા અચકાતીહતી. હવે નવી પઘ્ધતિની અમલવારી બાદ સૌરાષ્ટ્રની મોટાભાગની કંપનીઓનું હેડકવાર્ટર રાજકોટ બની જશે અને આ પઘ્ધતિથી રાજકોટના વિકાસના દ્વાર ખુલશે. મહાપાલિકાના સ્થાપનાકાળથી અત્યારસુધીમાં આ સર્વશ્રેષ્ઠ રીફોર્મસ હોવાનું તેમણે જણાવ્યું હતું.
જનરલ બોર્ડ બાદ રાજય સરકારની મંજુરી મળતા કાર્પેટ એરિયાની અમલવારી
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અગાઉ કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિ માટે રહેણાંક હેતુ અને વાણિજયક હેતુ માટેની મિલકતોના દર ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન આજે નિયમો પણ મંજુર કરી દેવામાં આવ્યા છે. કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિના નિયમોને મંજુર કરવા માટે મહાપાલિકામાં ટુંક સમયમાં ખાસ બોર્ડ બોલાવવામાં આવશે. જેમાં નિયમો મંજુર કર્યા બાદ આખરી મંજુરી અર્થે રાજય સરકાર સમક્ષ મોકલવામાં આવશે. સરકારની મંજુરી મળતાની સાથે જ કાર્પેટ એરીયાની અમલવારી થઈ જશે.
વાંધા અરજીનો ૨૪ કલાકમાં નિકાલ થાય તેવી વ્યવસ્થા ઉભી કરાશે
આગામી નવા નાણાકીય વર્ષથી મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા મિલકત વેરામાં કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિની અમલવારી થવાની છે ત્યારે જે મિલકતોના વેરામાં વધારો થશે તે લોકો વાંધા અરજી કરે તે સ્વાભાવિક છે. હજારોની સંખ્યામાં વાંધાઅરજીના ખડકલા થશે આવામાં ત્રણેય ઝોનમાં વાંધા અરજીના નિકાલ માટે ખાસ કાઉન્ટર ઉભા કરવામાં આવશે અને ૨૪ કલાકમાં વાંધા અરજીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા ઉભી કરાશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને પૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું.
દર વર્ષે વેરામાં વધ-ઘટ થશે
કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિની અમલવારી કર્યા બાદ દર વર્ષે વેરામાં વધારો તથા ઘટાડો થવાની સંભાવના છે. હાલ મહાપાલિકા દ્વારા રહેણાંક હેતુ માટેની મિલકતનો દર રૂ.૧૧ અને કોમર્શીયલ મિલકતનો દર રૂ.૨૨ નિયત કરવામાં આવ્યો છે અને ભારાંક પણ વર્તમાન જંત્રી મુજબ નકકી કરાયા છે. રાજય સરકાર દ્વારા જંત્રીમાં ફેરફાર કરવામાં આવશે તો મિલકત વેરામાં પણ વધારો-ઘટાડો થવાની સંભાવના છે. આ ઉપરાંત મિલકતો જેમ-જેમ જુની થતી જશે તેમ-તેમ વેરામાં પણ ઘટાડો થવાની સંભાવના છે.