મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ-મગફળીની ધૂમ આવક:મગફળીના ભાવ ૬૪૫ થી ૮૮૧ રૂપિયા
સમગ્ર રાજ્યમાં લાભપાચમથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હોવા છતાં મોરબીમાં ટેકાના ભાવે ખરીદી શરૂ ન કરાતા ખેડૂતો લૂંટાઈ રહ્યા છે મગફળીની ધૂમ આવક વચ્ચે વેપારીઓ માત્ર ૬૪૫થી ૮૮૧ રૂપિયા પ્રતિમણ ભાવ આપી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.
જાણવા મળતી વિગતો સરકારની જાહેરાત મુજબ હજુ સુધી મોરબીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન થતા ખેડૂતોને પ્રતિમણ મગફળીના માત્ર રૂપિયા ૬૪૫ થી ૮૮૧ રૂપિયાના ભાવ માલી રહ્યા છે.
બીજી તરફ સરકારે ટેકાના ભાવ ૯૫૦ નક્કી કર્યા હોવા છતાં વેપારીઓ દ્વારા નીચા ભાવે માલ પડાવતો હોવાથી ખેડૂતોને તહેવારમાં અને રવિ સીઝનના વાવેતર માટે નાણાંની જરૂરિયાત હોય મને કમને મગફળી નીચભાવે વેચવી પડી રહી છે.દરમિયાન ટેકાના ભાવે ખરીદી અંગે મોરબી માર્કેટિંગયાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે આજથી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને આગામી બે ત્રણ દિવસમાં ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોરબી માર્કેટિંગ યાર્ડમાં હાલમાં દરરોજ ૨૫૦ કવીન્ટલ જેટલી જીણી અને જાડી મગફળી ખેડૂતો ઠાલવી રહ્યા છે ત્યારે હજુ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ ન કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હજુ પણ બે ચાર દિવસ ખેડૂતોને લૂંટવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.