ચેકડેમનો કાપ વગડામાં નખાવી તેના પર વૃક્ષારોપણ કરાયું : રાજવી પરિવારના પર્યાવરણ અને પ્રજાલક્ષી નિર્ણયને ઠેર ઠેરથી આવકાર
વાંકાનેર : વાંકાનેરના રાજવી પરિવારના યુવરાજ કેસરીદેવસિંહ ઝાલાએ વાંકાનેરની શાન રાજ પેલેસના પાછળના ભાગે ગઢીયાડુંગર વિસ્તારની વચ્ચે પોતાની વિશાળ જગ્યામાં લાખો રૂપિયા ખર્ચીને ચેકડેમનું નવું બાંધકામ કરી જેસીબી ટ્રેક્ટર જેવા આધુનિક સાધનો વડે ચેકડેમની ઊંડાઈ વધારી તેમાંથી કાંપ કઢાવી લાખો લિટર પાણીનો જથ્થો ચેક ડેમ થકી એકત્ર કરી શકાય અને આ પાણીના જથ્થાની આસપાસનો રહેણાક વિસ્તારના તળ સાજા થાય તેવું ભવ્ય કાર્ય કર્યું છે. ઉપરાંત ચેકડેમનો કાપ વગડામાં નખાવી તેના પર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે.
શહેરની સુખાકારી માટે સરકારની જુદી-જુદી યોજનાઓ હેઠળ સરકારી સંસ્થાઓ વિકાસના કાર્યો કરતી આવી છે ત્યારે દરેક માનવીની પણ ફરજ બને છે કે આપણું શહેર સ્વચ્છ રહે, હરિયાળું રહે, પાણીના તળ પાણીથી ભરપૂર રહે આવા પ્રયત્નો દરેક સક્ષમ નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ કરવા જોઈએ તેવા સુંદર વિચારો ધરાવતા વાંકાનેર રાજવી પરિવારના યુવરાજ કેસરીદેવસિંહ ઝાલાએ પ્રજાની સુખાકારીના રાજવી પરિવારના વિચારો અને કાર્ય આજે પણ પોતાના જીવનમાં જીવંત રાખે છે.
રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પોતાના નિયત કરેલા કાર્યો સ્વચ્છ ભારત ને ધ્યાનમાં રાખી સફાઈ ઉપરાંત પાણી સમસ્યા ભૂતકાળ બની જાય તે માટે સુજલામ સુફલામ યોજના થકી નદી, નાળા, ડેમોની સફાઈ કરી ઉંડા ઉતારવા સહિતની કામગીરી સરકાર દ્વારા થઈ રહી છે. ત્યારે આપણી માલિકીની જમીનમાં આપણા ખર્ચે ચેકડેમો બનાવવા તેમાં પાણી સંગ્રહી જમીનના તળ પાણીદાર બનાવવા વરસાદને માટે વધુને વધુ વૃક્ષો વાવવા પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળો એ સ્વચ્છતા જાળવવી જીવ સૃષ્ટિની રક્ષા કરવી એ દરેક માનવીએ પોતાની ફરજ સમજવી જોઈએ. આ વાતને વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહ ઝાલાએ પોતાના જીવનમાં ઉતારી છે અને સમાજના સક્ષમ નાગરિકોને સામાજિક સંસ્થાઓને એક સુંદર સંદેશો પૂરું પાડતું કાર્ય કર્યું છે. વાંકાનેરની શાન રાજ પેલેસના પાછળના ભાગે ગઢીયાડુંગર વિસ્તારની વચ્ચે પોતાની વિશાળ જગ્યામાં લાખો રૂપિયા ખર્ચીને ચેકડેમનું નવું બાંધકામ કરી જેસીબી ટ્રેક્ટર જેવા આધુનિક સાધનો વડે ચેકડેમની ઊંડાઈ વધારી તેમાંથી કાંપ કઢાવી લાખો લિટર પાણીનો જથ્થો ચેક ડેમ થકી એકત્ર કરી શકાય અને આ પાણીના જથ્થાની આસપાસનો રહેણાક વિસ્તારના તળ સાજા થાય તેવું ભવ્ય કાર્ય કર્યું છે.
સાથોસાથ ચેકડેમ ઉંડુ ઉતારવાની કાર્યવાહી સાથે તેમાંથી નીકળેલ કાંપ કાઢીને વગડાની જમીન ઉપર પથરાવી તેમાં વૃક્ષો વાવી વિસ્તારને લીલોતરી સાથે હરીયાળો બનાવવાનું કાર્ય કરી વનસૃષ્ટિ નું પ્રેરણા દાયક કાર્ય કર્યું છે. રાજ પેલેસ પાછળ આવેલા શ્રી શીતળા માતાજીના તથા ધોળેશ્વર મહાદેવના ભવ્ય મંદિરની આસપાસની સુકાયેલી ઝાડી-ઝાંખરા સાફ કરાવી સ્વચ્છતા અભિયાનનું પણ પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. અત્રે એ પણ યાદ અપાવીએ કે ભારતના પર્યાવરણ ખાતા નો પ્રારંભ અને તેમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પદે વાંકાનેરના મહારાજા દિગ્વિજયસિંહ ઝાલા રહ્યા હતા અને આખા વિશ્વને પર્યાવરણ અંગેનો સંદેશો આપ્યો હતો. આવા પર્યાવરણ પ્રેમી દિગ્વિજયસિંહજી ઝાલા ના પુત્ર યુવરાજ કેસરીદેવસિંહ પણ પર્યાવરણ સાથે જળસંચય માટેનું સુંદર કાર્ય કર્યું છે એ પ્રસંશા ને પાત્ર છે.