બાળકોની ઉંમર પ્રમાણે શારીરિક પ્રણાલી, ભાષા, ગ્રહણ, સામાજિક અને વ્યક્તિગત વિકાસ થાય છે : 20 મી સદીના આરંભે શરૂ થયેલ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે, જન્મ પૂર્વેના તબક્કાથી લઈને તરૂણાવસ્થાના પ્રારંભના તબક્કા સુધીના શિશુ અને બાળકના વર્તનના સળંગ વિકાસનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન
બાળકનું સર્જન કુદરતી દેન છે, પરંતુ તેના વિકાસમાં મા-બાપ, શિક્ષકો અને સમાજનું પણ ઘણું મહત્વ છે, માટે બાલ મનોવિજ્ઞાન એક પ્રકારની જૈવિક, સામાજિક વિદ્યા કે પ્રાકૃતિક વિજ્ઞાન છે
શિક્ષણમાં બાળકને સમજવો જરૂરી છે, તેનાં રસ, રૂચિ, વલણોને ધ્યાને લઇ ભણાવવાની પ્રક્રિયા થવી જોઇએ, ચાઇલ્ડ સાયકોલોજી અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ બંને જુદી બાબત છે. આજનાં શિક્ષકને પોતાને જ એટલા બધા પ્રશ્ર્નો છે કે તે બાળમાનસ શાસ્ત્રમાં ઓછું ધ્યાન આપે છે. બાલમંદિર કે ધોરણ 1 થી 4 માં ભણાવતો વર્ગ શિક્ષક બાલ મનોવિજ્ઞાનનો સંપૂર્ણ જાણકારી ધરાવતો હોવો જોઈએ.
1થી 3 કે 4 વર્ષ બાળક ઘરના વાતાવરણ માંથી ઘણું બધું શીખે છે. પરિવારીક શબ્દો, વસ્તુનાનામ, ફળ-ફૂલ કે શાકભાજીનાં નામ સાથે વિવિધ સંજ્ઞા-કે ઘરની વિવિધ વસ્તુના નામ શીખી લે છે. બાળકને સૌ પ્રથમ શિક્ષણ-શિસ્ત, સમજ ઘરમાંથી જ મળે છે. અહીં મા-બાપો ઉછેરનું મનોવિજ્ઞાન અમલમાં મુકે છે. ઘરની બહાર બાળક રમવા જાય ત્યારે આસપાસના પર્યાવરણ કે વાતાવરણ માંથી તેની જેવા બીજા બાળકોને જોઇને બાળક ઘણું બધું શીખે છે. પ્રારંભિક બાળ વિકાસ માં-બાપની છત્રછાયામાં જ થાય છે, જેમાં દાદા-દાદી કે મમ્મી-પપ્પાનો વિશેષ ફાળો હોય છે. દરેક બાળકની પ્રથમ ટીચર તેની માં જ હોય છે. તેથી જ કહેવાય છે કે ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે’.
ચાઇલ્ડ સાયકોલોજી સાથે ચાઇલ્ડ ડેવલપમેન્ટ બહું વિશાળ સબજેકટ છે. દરેક મા-બાપ સાથે શિક્ષકે ખાસ શિખવો જરૂરી છે. તેના વગર કશુ શકય જ નથી. આજે તો ભાગ્યે જ આવી તકેદારી રાખીને શાળા ચાલતી જ જોવા મળે છે. બાળ વિકાસના તબકકામાં 0થી 3, 3થી 6ને 6થી 9નો ગાળો સૌથી અગત્યનો છે. આજની શિક્ષણ પદ્ધતિમાં આવા વિષય સાથેની શિક્ષક સજજતા વાળી સ્કૂલો જ જોવા મળતી નથી. ગોખલ પટ્ટી કે બાળક અંગ્રેજીમાં કવિતા બોલે તેને વિકાસ ન કહેવાય. બાળકનાં સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા વિશેષ છે. મોટુ થયા પછી કે મેચ્યોરીટી આવ્યા બાદ તો તે પોતે સેલ્ફ ડેવલપમેન્ટ કરી લે છે. બાળ ઉછેરનું મનોવિજ્ઞાન શિક્ષણ શાસ્ત્રના બાળમાનસ શાસ્ત્રનો પાયો છે. તેમના રસ, રૂચિ, વલણોને અધારિત કે તેને સમજીને તેને શિક્ષણ સાથે જોડવાની વાત છે. આપણે બાળકને ભણાવવો નથી પણ ભણતો કરવો છે. આ વાત દરેક શિક્ષકે સમજવી પડશે.
ચાઇલ્ડ સાયકોલોજી આધારીત તમામ પ્રવૃતિ, ટેકનિક અને ગમ્મત સાથે જ્ઞાન કે એકટીવીટી બેઇઝ લનીંગ હોવું જોઇએ. બાલ મંદિરથી શરૂ કરીને ધો.5 સુધી બાળકનું વ્યવસ્થિત જતન કે શિક્ષણ સંભાળ લેવાય તો જ તેનો સર્વાંગી વિકાસ શકય બને છે. ઘણીવાર તેના વિકાસમાં તેના આસપાસના વાતાવરણની અસર પણ જોવા મળે છે. આજે શિક્ષણ ચિંતા અને ચિંતન બન્ને વિષયે ચર્ચામાં છે ત્યારે ટબુકડા બાળકને સમજીને ઓળખીને શિક્ષણ આપે તેવા શિક્ષકો અને શાળા સંકુલો કયા છે? આ ખામીને જ કારણે મોટા ભાગના છાત્રોને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અઘરા લાગે છે. માતૃભાષામાં અપાતા શિક્ષણને કારણે ધાર્યા પરિણામો હવે મળશે એવું નવી નિતીમાં સૌ આશા રાખી રહ્યા છે.
વર્ગખંડનું અસર કારક વાતાવરણ સાથે શિક્ષણની વિવિધ ટેકનીકનો ઉપયોગ કરવાથી બાળકને ગુણવતા સભર શિક્ષણ મળે છે, પણ આજે કોર્ષ પૂર્ણ કરવામાં સૌ ગાડી દોડાવ્યા જાય છે, અને આજ કારણે બાળકો ઘણીવાર ન સમજવાને કારણે માનસિક તાણ અનુભવવા લાગે છે. આપણે બાળકને ભાર ન લાગે તે રીતે હસતા-રમતા જ તમામ વસ્તુ સમજાવવી કે ભણાવવાની જરૂર છે. પણ કોણ આવું કરશે? તે જ પ્રશ્ર્ન છે. આજે સૌ શાળા સંકુલો બાળ વિકાસની વાતો કરશે પણ એ પૈકીના કેટલા બાળકોની મનોવ્યથા જાણે છે.
ટબુકડું બાળક સુંદર સંગીત છે. તમે સાંભળો, તે સુંદર ચિત્ર છે તમે જોવો, બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે આપણે સૌ એ તેને સમજવાની જરૂર છે. બાળકનો શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ શિક્ષકની સામે થાય છે , તેથી તેની ભૂમિકા મહત્વની ગણાય છે. વિદેશોમાં શિક્ષકને એટલે જ માનભેર જોવાય રહ્યા છે. બાળકની માનસિક અને ભાવનાત્મક વૃધ્ધીનો અભ્યાસ શિક્ષણ સંકુલોએ કરવો જ પડશે. હવેના યુગમાં પુસ્તકિયું જ્ઞાન નહીં ચાલે, બાળકમાં તમામ કૌશલ્યો સિધ્ધ કરાવવા જ પડશે. બાળ વિકાસ માત્ર બાળ મનો વિજ્ઞાનનું એક ક્ષેત્ર છે.
બાળકો સાથેના પરામર્શ-શૈક્ષણિક કાર્યક્રમો, સામાજીક અને માનિસક રીતે બાળકોને ફાયદો કરવાના લક્ષ્યાંક ધરાવતા વિવિધ કાર્યક્રમો માટે પણ બાળમનોવિજ્ઞાન અત્યંત મહત્વ પૂર્ણ છે. શિક્ષણમાં પ્રેમ હુંફ અને લાગણીનું બહું જ મહત્વ છે. જીવન મૂલ્યોનો વિકાસ સાથે દુનિયામાં બનતી વિવિધ ઘટનાઓથી તેને વાકેફ કરવા જ પદશે. બાળકનો વિકાસ પ્રેમ અને સલામતીની લાગણીની પરિસ્થિતિઓમાં જ શકય બને છે. શિક્ષકને શિશુ, કિશોર, તરૂણ કે યુવાવસ્થા સુધીના બાળ વિકાસના તબકકાની સમજ હોવી જરૂરી છે. દરેક બાળકની સમજવાની કે ગ્રહણ કરવાની શકિત અલગ અલગ હોય છે.
પરિવર્તનનો સાથે દૃશ્ય શ્રાવ્ય સાધનો ઉમેરાયા, કોમપ્યુટર આવ્યા પણ પ્રથા તો એ જ જૂની છે. 1980 સુધીતો બાળકોનું દફતર હળવું ફૂલ જેવું હતું જે આજે તેના અડધા વજન જેટલું થઇ ગયું છે. આજની શાળામાં પહેલા જેવી ધિંગામાસ્તી, મુકતહાસ્ય અને રિસેષ કે છુટતી વખતે ઉત્સાહ સાવ અદૃશ્ય થઇ ગયો છે. બાળક ભણે છે કે મજુરી કરે છે એ જ સમજાતું નથી. શાળા સંકુલો, શિક્ષકો, મા-બાપે હવે તો જાગવું જ પડશે. આજે તો બાળકને શું ભણવું છે, શું ગમે છે એજ કોઇ પુંછતું નથી, કારણ કે તેની મનોવ્યથા કોઇ સમજતું જ નથી, તેથી કોણ પૂછે?
બાળ વિકાસમાં સંગીત ચિત્ર, રમત ગમત સાથે વિવિધ પદ્ધતિથી ભણાવવાથી પદ્ધતિઓનું વિશેષ મહત્વ છે. વર્ગખંડમાં આદાન પ્રદાનની પ્રક્રિયા બન્ને તરફથી થવી જોઇએ નહી કે ફકત ટીચર બોલ બોલ કરે. આવી ઘણી બધી ભૂલો જ્ઞાનમંદિરોમાં ચાલી રહી છે, જે બાળકના સંવાગી વિકાસને રૂંધી નાખે છે.
બાળકને ભણાવવાનો નથી, તેને ભણતો કરવાનો છે
બાળક એક સુંદર ચિત્ર છે, આપણે તેને જોવાની જરૂર છે.બાળક એક સુંદર સંગીત છે, આપણે તેને સાંભળવાની જરૂર છે. બાળકને ઘણું બધું પૂછવું છે, આપણે ફકત તેને સાંભળવાનો છે.
બાળક કહે છે, ‘મને કોઇક સાંભળો તો ખરા!! બાળકને નવું નવું શિખવું છે, આપણે ફકત તેને સહયોગ આપવાનો છે.આજે શિક્ષક બાળકને પરાણે ભણાવવાની ભૂલ કરે છે, તેને આપણે જાતે ભણતો કરવાનો છે એટલે જ સ્વઅધ્યન’ નું મહત્વ છે. હાલનાં બાળકો જોઇને 85 ટકા શીખી લે છે, તેથી તેને દૃશ્યશ્રાવ્ય સાધનોથી વધુ શિખડાવો.