શિસ્તનું કારણ દંડાત્મક કાર્યવાહી!!!
સુધારેલા મોટર વ્હીકલ એકટના અમલ બાદ દેશના આઠ રાજયોમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ દરમાં સરેરાશ ૨૨ ટકાનો જોવા મળેલો ઘટાડો
કોઈપણ ભુલ બદલ દંડાત્મક કાર્યવાહી થાયતો જ સ્વયં શિસ્ત આવે તે જગજાહેર છે જે દેશોમાં રાજાશાહી, સરમુખત્યાર શાહી કે આપખુદ શાહી છે. તેવા દેશોમાં કોઈપણ ભૂલ બદલ દંડ કરવામાં આવતો હોય ત્યાંના નાગરિકોમાં તમામ પ્રકારે સવયંશિસ્ત જોવા મળે છે. વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં આઝાદી બાદ કાયદાની આંટીઘુંટીના કારણે અપરાધીઓ નિદોર્ષ છૂટી જતા હોય છે. જેથી અપરાધીઓમાં કાયદાનો ડર નીકળી ગયો હોય તેવી સ્થિતિજોવા મળી રહી છે. કાયદાના ડરના અભાવે નાગરિકો ટ્રાફીકના નિયમોનું છડેચોક ભંગ કરવા લાગ્યા હતા. જેથી દેશમાં ટ્રાફીકની સમસ્યા વિકરાળ બની જવા પામી હતી. તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે ટ્રાફીકના નિયમોનાં ભંગ બદલ આકરા દંડની જોગવાઈ કરી હતી. જેના કારણે દેશના આઠ રાજયોમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો છે.
રાજયસભામાં એક પ્રશ્ર્નના જવાબમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આપેલી માહિતીમાં જણાવ્યું છે કેદેશમાં ૧લી સપ્ટેમ્બર ૨૦૧૯થી ટ્રાફિકના નિયમોનાં ભંગ બદલ ભારે દંડની જોગવાઈઓ વાળો મોટર વ્હીકલ એકટ અમલમાં આવ્યો છે ત્યારથી બે માસના સમયગાળા એટલે સપ્ટેમ્બર-ઓકટોબર ૨૦૧૯ અને ગત વર્ષ એટલે કે સપ્ટેમ્બર-ઓકટોબર દરમ્યાન થયેલા માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર-ઓકટોબર ૨૦૧૯માં થયેલા માર્ગ અકસ્માતોમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં ૧૪૬ લોકોના મૃત્યુ થયા હતા. જયારે સૌથી ઓછા ગુજરાતમાં ૭૭ લોકોનાં મૃત્યુ થયાનું નોંધાયું છે.
ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ચંદીગઢમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંકમાં ૭૫ ટકાનો ઘટાડો થવા પામ્યો છે. જે બાદ પોંડીચેરીમાં મૃત્યુઆંકમાં ૩૦.૭૧ ટકાનો અને સૌથી ઓછો ઉત્તરાખંડમાં રોડ અકસ્માતમાં મૃત્યુ આંકમાં ૩૦ ટકાનો ઘટાડો થવા પામ્યો છે. વર્ષ ૨૦૧૯નાં સપ્ટેમ્બર અને ઓકટોબર એમ બે માસનાં આઠ રાજયોનાં ઉપલબ્ધ રોડ અકસ્માતમાં મૃત્યુના આંકડાને ગત વર્ષ ૨૦૧૮ના સપ્ટેમ્બર અને ઓકટોબરનાં આંકડાઓ સાથે સરખાવવામાં આવે તો તેમાં સરેરાશ ૨૨ ટકાનો ઘટાડો થવા પામ્યો છે. તેમ પોતાના જવાબમાં ગડકરીએ જણાવીને ઉમેર્યું હતુ કે આકરા દંડની જોગવાઈ વાળા નવા મોટર વ્હીકલ એકટની અસર આગામી એકથી બે વર્ષમાં દેશભરમાં જોવા મળશે અને દેશભરમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ દર અને ટ્રાફિક જામની સમસ્યાથી દેશવાસીઓને છૂટકારો મળશે.