પંથકમાં પ્રથમ વખત ફુડનું ચેકિંગ, પ્રાંતની કામગીરીથી લોકો અભિભૂત: ફટાકડાનાં સ્ટોલ ઉપર સેફટી સંદર્ભે નિરીક્ષણ પણ કરાયું
પડધરીમાં પ્રાંત અધિકારી ડો.ઓમપ્રકાશ દ્વારા ગઈકાલે ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં પંથકમાં પ્રથમ વખત ફુડનું ચેકિંગ કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. પ્રાંત દ્વારા ફરસાણ અને મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફટાકડાનાં સ્ટોલ ઉપર સેફટી સંદર્ભે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
હાલ દિવાળીને ગણતરીનાં દિવસો બાકી રહ્યા હોય ગઈકાલે ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો.ઓમપ્રકાશ અચાનક પડધરી આવી પહોંચ્યા હતા. તેઓએ અહીં વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથધરી હતી. આ ઉપરાંત ગામમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનાર દુકાનદાર સામે પણ પ્લાસ્ટીક જપ્ત કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ ફટાકડાનાં તમામ સ્ટોલની જગ્યાએ જાતે જઈને સેફટી સંદર્ભેનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પંથકમાં પ્રથમ વખત ફુડનું ચેકિંગ પ્રાંત દ્વારા કરવામાં આવ્યું હોય લોકો પ્રાંતની કામગીરીથી અભિભુત થયા હતા.