Abtak Media Google News

ગુજરાતના ગરબાનું ગૌરવ હવે રાજ્ય અને દેશના સીમાડા વટાવી વિશ્વભરમાં એક ઓળખ બની ચૂક્યું છે. ત્યારે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન એટલે કે યુનેસ્કો ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે જાહેર કરાશે. આને પગલે આજ રોજ સાંજે ૬ વાગે યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સાવાના ખાતેના સમારોહનું રાજ્યભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. એટલું જ નહીં, ચાર મહત્ત્વના સ્થળોએ પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, ગરબો ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવવામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

યુનેસ્કો દ્વારા તેને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર થવું કરોડો ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ બની રહેશે

ગરબાને મા આદ્યશક્તિની ઉપાસના તરીકે પણ જોવામાં આવે છે. જાતિ-ધર્મ, ભાષા–બોલીના ભેદથી ઉપર ઊઠીને સામાજિક સમરસતા અને સમૂહજીવનને આકાર આપવામાં ગરબાએ મહત્ત્વનું સ્થાન લીધું છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવામાં, જીવંત રાખવામાં ગરબાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ગરબાનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રિ એટલે કે વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ પણ બની ચૂક્યો છે.

આ નવરાત્રિના ગરબા માણવા માટે હવે દેશ વિદેશથી લોકો ખાસ ગુજરાત આવવા લાગ્યા છે.ગરબો એટલે ભક્તિભાવ, સ્નેહ અને પારસ્પરિક સહકારનું પ્રતિબિંબ. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમો સમૂહમાં ગવાતો ગરબો એ સમાજજીવનનું બહુમૂલ્ય અંગ છે. ગરબો પરસ્પર પ્રેરણા, ઉત્સાહ ઉપરાંત મા આદ્યશક્તિના આવિર્ભાવથી પ્રગટતી ઉત્કટ ભાવનાનું પ્રતીક પણ છે. સદીઓ પુરાણી આ પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને યુનેસ્કો દ્વારા તેને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર થવું કરોડો ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.