શહેરમાં કોંગ્રેસના ચાર ધારાસભ્ય ઝુટાવી ન શકયા ૩૦૦ની ભીડ : બે આગેવાનોના નડ્યા આંતરીક મતભેદ
હળવદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ કોઈપણ કાળે નગરપાલિકાના સાતે-સાત વોર્ડ કબ્જે કરવા માગે છે તેના અનુસંધાને આજે વિરોધ પક્ષના નેતાનો રોડ શો યોજાયો હતો પરંતુ હળવદના “બે” નેતા તાલુકામાંથી ૩૦૦ લોકોની ભીડ પણ ન જમાવી શક્તા રોડ શોનો “ફલોપ શો” થયો હતો.
આગામી ૧૭મી ફેબ્રુઆરીએ હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે.ત્યારે કોંગ્રેસ કોઈપણ કાળે પાલીકાના સાતેય વોર્ડ પર કબ્જો જમાવવા માગે છે. એકબાજુ અમુક વોર્ડમાં આયાતી ઉમેદવારોને ટીકીટ ફાળવણી કરવામાં આવતા પક્ષ માટે “જો અને તો”ની સ્થિતિનું નિર્માણ થયું છે તો કોંગ્રેસ કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે હળવદ કોંગ્રેસ તાલુકા પ્રમુખ અને કોંગ્રેસ મહામંત્રી વચ્ચેના મતભેદ પણ નગરપાલીકાની ચૂંટણીમાં જીતનો દાવ ઉંધો પાડે તો નવાઈ નહીં.
થોડા સમય અગાઉ નિરીક્ષકની હાજરીમાં ટિકીટ ફાળવણી બાબતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને મહામંત્રી વચ્ચે થયેલા આંતરિક મતભેદનો મામલો સપાટી પર આવ્યા બાદ સંગઠનમાં કાર્યશેલી અવળી દિશાએ વહેતી થઈ છે અને કાર્યકરોમાં નારાજગી ફેલાતા કામગીરી નિષ્ક્રિય પુરવાર થઈ રહી હોવાની ચર્ચા શહેરના લોકમુખે સંભળાઈ રહી છે.
આમ જોવા જઈએ તો કોંગ્રેસના મોઢે આવેલો કોળિયો ભાજપ પડાવી જાય તેવા સંજોગો હાલ હળવદ શહેરમાં વર્તાઈ રહ્યા છે. તો જીત માટે કોઈપણ પ્રકારની કસર ન રહે તે માટે આજે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પરસોત્તમ સાબરીયા, લલીત કથગરા, બ્રીજેશ મેરજા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતા રોડ શોમાં ખાસ હાજર રહ્યા હતા પરંતુ વિરોધપક્ષના નેતા સહિત ચાર ધારાસભ્યોના રોડ શો માટે મોટી મોટી વાતો કરી હવામાં તીર મારતા “બે” નેતા ૩૦૦ લોકોની ભીડ પણ ન જમાવી શક્તા રોડ શો “ફલોપ શો”માં પરિવર્તિત થયો હતો ત્યારે આમ જોતા પાલીકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ હોય તેવુ લાગી રહ્યું છે.