તબીબો દ્વારા બે દિવસ ઇમરજન્સી સારવાર બંધ છતા પેટનું પાણી પણ હલતુ નથી
ઊનામાં ચાર દિવસ પહેલા તબીબ પરનાં હુમલાની ઘટનાનુ કોકડુ ઉકેલવાને બદલે દિવસેને દિવસે વધુ ગુંચવાતુ જતું હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે. ત્યારે તબીબ પરના હુમલાની ઘટનામાં પોલીસ ફરીયાદ નોધાયા બાદ પણ મામલો થાળે પડતો નથી. અને ફરીયાદમા તબીબોને અસંતોષ હોવાનું જણાવી રહ્યા છે.
ત્યારે આ સમગ્ર ઘટનામાં હાલ આમ પ્રજા હાલાકી ભોગવી રહી છે. ત્યારે આ ઘટના બાદ તબીબોએ ઉના ચેમ્બર ઓફ કોમર્સનો ટેકો માગતા ચેમ્બરે તબીબોને ટેકો આપી આજે સોમવારના ખુલતા દિવસે ગામ બંધનું એલાન આપ્યું. ત્યારે ઊનામાં છેલ્લા બે દિવસથી તબીબો ઇમરજન્સી સેવા ઠપ્પ કરી આપતા હાલ દર્દીઓને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે.
તો બીજી તરફ સરકારી હોસ્પીટલમાં પુરતા તબીબો સ્ટાફ ન હોવાથી દર્દીઓને ના છુટકે સારવાર અર્થે બહાર ગામ જવાની ફરજ પડી રહી છે. આમ છેલ્લા બે દિવસથી તબીબો અચોક્કસ મુદત સુધી ઇમરજન્સી સેવા બંધ કરવાની જાહેરાત કરી આપ્યા બાદ હાલાકી તો આમ પ્રજાની છે.
ત્યારે પ્રજાના હિતની મસમોટી વાત કરતા રાજકીય આગેવાનો તેમજ પદાધિકારીઓ પણ મૈાન સેવી લીધુ હોવાનો ઘાટ જોવા મળી રહ્યો હોય તેમ આ તબીબ પર હુમલાની ઘટના બાદ તંત્ર દ્વારા પણ નિરસતા બતાવામાં આવતી હોવાનુ સ્ટષ્ટ દેખાઇ આવતુ હોય તેમ ઇમરજન્સી સેવા બંધ હોવા છતાં પણ આ સંદર્ભે કોઇ વચલો રસ્તો કાઢવા આગળ આવતુ નથી કે નથી આવતા રાજકીય આગેવાનો ત્યારે આમ પ્રજા માંથી પણ એવો સવાલ ઉઠવા પામેલ છેકે ગામ બંધ રાખવાથી આ હુમલાની ઘટનાનું નિરાકરણ નથી.
પરંતુ તબીબો દ્વારા જે ઇમરજન્સી સેવા ઠપ્પ કરી દેવામાં આવેલ છે. તે ફરી પુન:કાર્યરત થાય તે મહત્વનું છે. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક તંત્રની ભૂમિકા સામે પણ સવાલ ઉઠવા પામેલ છે. હાલ આ હુમલાની ઘટનામાં રોજ નવી નવી બાબતો સામે આવી રહી છે. અને આ નવી બાબતોમાં હાલાકી પ્રજાને ભોગવવાનો વખત આવ્યો છે.પ્રજાના હિતની વાત કરનાર રાજકીય આગેવાનોની નિરસતા ઉડીને આંખે વળગતી હોય તેમ છેલ્લા બે દિવસથી ઊના દીવ અને ગીરગઢડાના તબીબોએ ઇમરજન્સી સેવા ઠપ્પ કરી આપેલ છે. ત્યારે હેરાન તો પ્રજાજ થાય છે. આમા પ્રજા હિતની વાત ક્યા આવી ખરેખર રાજકીય આગેવાનો પ્રજા હિતની વાત કરતા હોય તો આ બનાવનો સાથે બેસી ઉકેલ લાવો તે જરૂરી છે. કેમકે હાલ પ્રજા હાલાકી ભોગવી રહી છે. અને રાજકીય આગેવાનો તમાસો નિહાળી રહ્યા છે.
વિકાસશીલ સરકારના વિકાસશીલ તંત્રના ક્યાંય દર્શન થયા નથી. બે દિવસથી શહેરના તબીબોએ ઇમરજન્સી સેવા બંધ કરી આપેલ છે. અને તંત્રએ મૈાન ધારણ કર્યુ છે. ત્યારે તંત્રએ પણ તમામ સમાજના આગેવાનોને બોલાવી આ સમસ્યાનું સમાધાન કરાવાના પ્રયત્નો કરવા જોઇએ અને પ્રજાને હાલાકી ન પડે તેવી વ્યવસ્થા કરવી જોઇએ..