સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ભેદી નીતિ સામે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને મકબુલભાઈ દાઉદાણી આગ બબુલા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત વ્યાયામશાળા-જીમમાં કસરતના સાધનો મુકવા માટે વોર્ડ નં.15ના કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીની ગ્રાન્ટમાંથી ખરીદ કરી સાધનો મુકવા રજૂઆત કરવામાં આવેલ હતી. વર્ષ 2021-22ના બજેટમાં નાણાકીય જોગવાઈ ન હોવાને લીધે ટેન્ડર કે કોઈ વહીવટી પ્રક્રિયા કરવામાં આવેલ ન હોય તેમજ નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં જોગવાઈ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડે મંજુર કરી બહાલી આપેલ છે.
જેને આજે છ-છ માસ વીતવા છતાં રાજકોટ મહાનગરપાલિકાના અફસરો દ્વારા આ ફાઈલ પરત્વે મુવમેન્ટમાં અને વહીવટી કાર્યપદ્ધતિમાં ઠાગાઠૈયા અને દંડાઈ કરતા હોય તેમજ ફાઈલ નોટીંગમાં ખુબ જ ભૂલો કરી હોવાનો આક્ષેપ કર્યો છે વધુમાં જયારે હવે ગુલાબી ઠંડીની શરૂઆત થઇ છે ત્યારે છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહેલા નાગરિકોને હવે હજુય લાંબો સમય સુધી કસરતના સાધનો માટે રાહ જોવી પડશે.
જયારથી કસરતના સાધનો મુકવા ડીમાન્ડ મૂકી છે તે દિવસથી આજ સુધી ફાઈલ મુવમેન્ટની પ્રક્રિયામાં કોઈ જ પ્રકારની જવાબદારી દાખવી નથી તેમજ અત્યંત ઢીલી નીતિ, કામમાં બેદરકારી, આળસ, કોઈ જ પ્રકારનું ફોલોઅપ નહિ, ટેન્ડર બનાવવામાં અપૂરતું ટેકનીકલ નોલેજ, નિષ્કાળજી, અણાવડત અને કામગીરીમાં બેજવાબદારી દાખવી હોવા અંગે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા અફસર સામે કડકમાં કડક પગલા લેવા કોંગ્રેસના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી દ્વારા જાહેરમાં માંગ કરી છે.
તદુપરાંત કસરતના સાધનો મુકવા માટેની ફાઈલ જયારે કમિશ્નર વિભાગમાં આવેલ હોય ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મૌખિક તથા રૂબરૂ ધ્યાન દોરેલ હોવા છતાં બીજી અન્ય છ અરજન્ટ બિજનેશ દરખાસ્તો લીધી હોય તો શહેરમાં રેસકોર્સ, નાનામૌવા મલ્ટી એક્ટીવીટી સેન્ટર, શેઠ હાઈસ્કુલ અને હૈદરી ચોક ના સ્થળે સાધનો મુકવા માટે કુલ અંદાજે રૂ.35,00,000/- અંકે પાત્રીસ લાખ જેવી રકમનું કામ હોય જેમાં રૂ.5,00,000/- પાંચ લાખ ની રકમ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવેલ હોય ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલે આ દરખાસ્તનો ઇરાદાપૂર્વક સમાવેશ ન કર્યો તેમજ કોંગ્રેસના વોર્ડનું કામ હોય જેમાં ભેદી નીતિ દાખવી હોય અને ગોડસેની વિચારધારા ધરાવતો ભાજપ પક્ષ મેલી મુરાદ દાખવી અંતે પ્રજાલક્ષી કામ વેગમાં ન લેતા કોંગી નેતાઓએ આક્ષેપ કર્યો છે અને ફીટ ઇન્ડિયા, ખેલે ગુજરાત, ખેલ મહાકુંભ, નેશનલ ગેમ્સ, જેવી રમતોમાં જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયાના સુત્રો પર પાણી ફેરવ્યું છે અને કસરતના સાધનો ન મુકવા દેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે ખેલીદીલી ન દાખવી રાજનીતિ કર્યા હોવાનો આક્ષેપ ભાનુબેન સોરાણી અને મકબુલભાઈ દાઉદાણીએ કર્યો છે.