કોઇ સચોટ કારણ વિના સગીર પુત્રના સંયુક્ત નામની મિલકત વેચવાની છૂટ ન આપી શકાય : વડી અદાલત
પતિના અવસાન બાદ સંતાનોની વાલી માતા જ બનતી હોવા છતાં સંતાનના અભ્યાસ જેવા ખર્ચ માટે કોઇ સચોટ કારણ વિના પતિની સંપતિ વેચી શકતી ન હોવાનું દર્શાવીને ગુજરાત હાઈકોર્ટે મિલકત વેચાણની અરજી ફગાવી દીધી હતી.
જાન્યુઆરી-2021 માં પતિનું અવસાન થયા બાદ 16 વર્ષિય પુત્રના અભ્યાસ સહિતના ખર્ચને પહોંચી વળવા માટે મહિલાએ પતિના નામની પ્રોપર્ટી વેચવા કોર્ટમાં મંજુરી માગી હતી. ગાર્ડિયન એન્ડ વોર્ડ એક્ટની કલમ 29 હેઠળ નીચલી અદાલતે આ અરજી ફગાવી દીધી હતી. મહિલા દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. કાયદાની કલમ 29 હેઠળ સગીર સંતાનના નામની સંપતિ વેચવા, ભેટ આપવા, અદલાબદલી કરવા અને ભાડે આપવા વાલીને અધિકાર મળે છે પરંતુ તે માટે સિવિલ કોર્ટની મંજૂરી મેળવવાનું ફરજીયાત હોય છે.
આ કેસની વિગતો પ્રમાણે મહિલાના પતિએ 2019માં અન્ય બે લોકો સાથેની ભાગીદારીમાં એક મિલકત ખરીદ કરી હતી. તેમના અવસાન બાદ તેમની પત્ની અને 16 વર્ષિય પુત્ર કાનૂની વારસદાર બન્યા હતા. પુત્રના અભ્યાસ તથા અન્ય ખર્ચને પહોંચી વળવા માટે ભાગીદારીવાળી મિલકતમાં પતિનો હિસ્સો વેચવા મંજુરી માગવામાં આવી હતી. અરજીમાં તેમ દર્શાવ્યું હતું કે જીવનનિર્વાહ માટે અન્ય કોઇ આવકના સ્ત્રોત નથી અને પુત્રના ભવિષ્ય માટે સંપતિ વેચવી પડે છે. અદાલતે આ અરજી નકારી કાઢતાં તેમ કહ્યું હતું કે મિલકત ભાડે આપીને આવક ઉભી થઇ શકે તેમ છે અને તેમાં સંતાન પાછળનો ખર્ચ નીકળી શકે છે.
ગુજરાત હાઈકોર્ટે પણ નીચલી અદાલતના આદેશને માન્ય રાખતા એવી નોંધ કરી હતી કે મહિલા દ્વારા પુત્રનાં વર્તમાન અને ભવિષ્ય પાછળના ખર્ચ વિશે કોઇ સચોટ વિગતો રજૂ કરવામાં આવી નથી. સ્વર્ગસ્થ પતિની આવક તથા બેન્ક બેલેન્સ વિશે પણ માહિતી રજૂ કરી નથી. અન્ય કોઇ સંપતિ છે કે કેમ તે પણ દર્શાવ્યું નથી. આ સંજોગોમાં અરજી માન્ય રહી ન શકે.