ચોમાસુ માવઠામાં પરિવર્તિત થયું!!!
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી: કેશોદમાં બે ઇંચ, માળિયાહાટીનામાં ૧ાાા, સાવરકુંડલા અને વિસાવદરમાં એક ઇંચ વરસાદ
ચોમાસામાં અનરાધાર વરસ્યા બાદ પણ મેઘરાજા હજુ પોરો ખાતા નથી. ચોમાસુ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયું છે. અતિવૃષ્ટિના કારણે જગતાત પાક બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આવામાં ખેડૂતને પડયા પર પાટા વાગી રહ્યાં હોય તેમ ચોમાસુ હવે જાણે માવઠામાં પરિવર્તીત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેસરની અસરના કારણે ગઈકાલે સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાી લઈ બે ઈંચ સુધી વરસાદ વરસી જતાં ખેતરોમાં તૈયાર થઈ ગયેલા પાકનો સાથે વળી રહ્યો છે. હજુ બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી હોય જગતાત પર ચિંતાના વાદળો છવાઈ ગયા છે.
ચોમાસાની સીઝનમાં જરૂરીયાત કરતા વધુ વરસાદના કારણે પાકને પારાવાર નુકશાની પહોંચી હતી. ખેતરોમાં તૈયાર થયેલા પાકને બચાવવા ખેડૂત સંઘર્ષ કરી રહ્યો છે. મગફળીના પારા ખેતરોમાં પડયા છે. આવામાં ગઈકાલે બપોરે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમના અને અમરેલી જિલ્લામાં માવઠુ વરસતા ખેડૂતોને પારાવાર નુકશાની થવા પામી છે. એક તરફ અતિવૃષ્ટિના કારણે પાકનો સાથે બોલી ગયો છે તો બીજી તરફ થોડા ઘણા બચેલા પાકનો પણ માવઠાએ સત્યાનાશ વાળી દીધો છે. અરબી સમુદ્રમાં લો-પ્રેસરની અસર હોવાના કારણે આજે તથા આવતીકાલે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમના સહિતના વિસ્તારોમાં વરસાદી આગાહી આપવામાં આવી છે. દિવાળીના તહેવાર સમયે જ માવઠા સ્વરૂપે વરસાદ પડવાના કારણે ખેડૂતો સાથે વેપારીઓને પણ પારાવાર નુકશાની થવા પામી છે. ફટાકડાના સ્ટોલ ધારકો પણ ચિંતાતુર બની ગયા છે.
ટૂંકમાં માવઠાએ સૌરાષ્ટ્રવાસીઓને બેવડો માર માર્યો હોય તેવો માહોલ ઉભો થયો છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ૨ ઈંચ, માળીયા હાટીનામાં ૧॥ ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં ૧ ઈંચ, વિસાવદર અને માંગરોળમાં ૧ ઈંચ, ખાંભા, ભાવનગર, બગસરામાં ॥ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. દિવાળીના તહેવારોમાં મગફળી અને કપાસનો પાક થોડા ઘણા અંશે તૈયાર થવા લાગતો હોય છે. આવામાં તૈયાર થયેલા પાકને માવઠાના કારણે નુકશાની પહોંચી રહી છે. હજુ બે દિવસ વરસાદની આગાહી હોવાના કારણે જગતાત ચિંતામાં ગરકાવ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૪૬ જિલ્લામાં વરસાદ પડયો છે. અચાનક માવઠાના કારણે ખેતરોમાં પડેલા મગફળીના પારા, પુંજવા પલળી ગયા છે અને ભારે નુકશાની પહોંચી છે. ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. દિવાળી સુધી વરસાદ ચાલુ રહેવાના કારણે રોગચાળાએ પણ માથું ઉંચકયું છે. આજે સવારી વલસાડ પંકમાં વરસાદ વરસી રહ્યાંના અહેવાલ મળી રહ્યાં છે.