તમામ ખર્ચ રાજય સરકાર આપવા તૈયાર: ક્ધસલટન્ટની નિમણુક માટે રૂ.૨.૩૩ કરોડ મંજુર ત્રણ મહિના બાદ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.૨૭.૨૫ કરોડનાં વિકાસ કામોને બહાલી
શહેરની ભાગોળે આવેલા રાજાશાહી વખતનાં રાંદરડા અને લાલપરી તળાવને કોર્પોરેશન દ્વારા રૂ.૧૦૦.૫૩ કરોડનાં ખર્ચે ડેવલોપ કરવામાં આવશે. આ માટે તમામ ખર્ચ ભોગવવાની રાજય સરકારે તૈયારી દર્શાવી છે. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેઈક ડેવલોપમેન્ટ પ્રોજેકટ માટે ક્ધસલટન્ટની નિમણુક કરવા માટે રૂ.૨.૩૩ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. લોકસભાની ચુંટણીની આચારસંહિતાનાં કારણે છેલ્લા ત્રણ મહિનાથી સ્ટેન્ડિંગની બેઠકમાં કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. આજે મળેલી સ્ટેન્ડિંગમાં તમામ ૪૪ દરખાસ્તોને બહાલી આપી રૂ.૨૭.૨૫ કરોડનાં વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, શહેરની ભાગોળે પ્રદ્યુમનપાર્કની ટેકરીઓની ફરતે રાજાશાહી વખતનું આશરે ૧૦૦ વર્ષ પુરાણુ રાંદરડા તળાવ આવેલું છે જયાં ૧૬૭ પક્ષી પ્રજાતીઓ વસવાટ કરે છે અને અહીં ૬૦ જેટલી પ્રજાતિનાં પક્ષીઓ પણ જોઈ શકાય છે. આ તળાવનું બાંધકામ ૧૮૮૯થી ૧૮૯૧ દરમિયાન કરવામાં આવ્યું હતું જેનો એરીયા ૧.૨૦ ચો.મી.નો છે. જયારે લાલપરી તળાવનું બાંધકામ ૧૮૯૫ થી ૧૮૯૮ દરમિયાન કરવામાં આવ્યો હતો જેનો કેચમેન્ટ એરીયા ૮૧.૯૨ ચોરસ કિમીનો છે.
આ બંને તળાવોને ડેવલપ કરવા માટે મહાપાલિકા દ્વારા રાજય સરકાર સમક્ષ ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી જે અંતર્ગત રાજય સરકારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખનાં કામો માટે રૂ.૨૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા. લાલપરી રાંદરડા તળાવને ડેવલોપ કરવા માટે તથા અહીં લેઈક ડેવલોપમેન્ટ, લેન્ડ સ્ક્રેપીંગ, લેકમાં બોટીંગ, ફાઉન્ટેનશો વગેરેનું પ્લાનીંગ કરવા માટે ક્ધસલટન્ટની નિમણુક કરવામાં આવી છે.
જેમાં કુલ ૩ એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો. અમદાવાદની એચસીપી ડિઝાઈન પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લી. નામની કંપનીને પ્રેઝન્ટેશનમાં ૧૦૦ માંથી ૭૦.૭૫ માર્કસ મળ્યા હતા અને ટેકનિકલી બીડમાં પણ તે કવોલીફાઈ થઈ હતી. એજન્સીએ તળાવને ડેવલોપ કરવા માટેની પ્રોજેકટ પોસ્ટ રૂ.૧૦૦.૫૩ કરોડ રજુ કરી છે જેમાં કંપનીને પીએમસીનાં કામ માટે પ્રોજેકટ કોસ્ટનાં ૧.૭૭ ટકા અને અન્ય કામ માટે રૂ.૧.૭૫ કરોડ આપવાના થાય છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તળાવને ડેવલોપ કરવા માટે ક્ધસલટન્ટની નિમણુક કરવા રૂ.૨.૩૩ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ કામ માટે અગાઉ રાજય સરકાર દ્વારા ૨૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. બાકીનાં ૮૦ કરોડ રૂપિયા આપવા માટે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તૈયારી દર્શાવી છે. આમ મહાપાલિકા દ્વારા રાજાશાહી વખતનાં આ બંને તળાવને ડેવલોપ કરવા માટેનો પ્રોજેકટ હાથ પર લેવામાં આવશે.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૪૪ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અને ૨૭.૨૫ કરોડનાં વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીનાં કોંગી સભ્ય ધનશ્યામસિંહ જાડેજાએ અલગ-અલગ ૬ દરખાસ્તો સામે વિરોધ નોંધાવ્યો હતો.