• યુનિવર્સિટીની જગ્યામાં આંધળે બેરૂં  કુટયા તેવો ઘાટ
  • યુનિવર્સિટીની દિવાલને લઇ જે વિવાદ થયે ત્યાં છે તે ખરેખર રૈયા સર્વે નં.23ના પેશકદમીનો પ્રશ્ર્ન હતો
  • રાજકોટ કોર્પોરેશનના તમામ પ્રશ્ર્નો સાગઠીયાના ખાતે જ ચડાવાઇ તેવો ઘાટ
  • નિયમસર થયેલ કામોને પણ વિવાદમાં નંખાશે તો રાજકોટના બિલ્ડરો થઇ જશે પરેશાન
  • યુનિવર્સિટીના સત્તાધીશો ખરાઇ કર્યા વગર જો નિવેદન કરશે તો કુંડાળામાં પગ ફસાઈ જાય તેવો ઘાટ

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાના એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે ત્યારે સાગઠીયાએ જમીન ફાળવણીમાં ઘાલમેલ કરી હોદ્ાનો ગેરફાયદો મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફાળવેલ જમીનને લઇ વિવાદ વકર્યો છે. પરંતુ સત્ય હકિકત સામે આવતા એ વાત સ્પષ્ટ થઇ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે-તે સમયે 75 મીટર દિવાલ ઉભી કરી તેમાં શું ડીમાર્કેશન કરવામાં આવ્યું હતું કે કેમ? જે સૌથી મોટો પ્રશ્ર્ન ઉભો કરે છે. ખરા અર્થમાં 75 મીટર દિવાલ ઉભી કરી તે યુનિવર્સિટીની માલિકીમાં કે અન્ય જગ્યાએ પેશકદમી કરી હોય તેવું ચિત્ર ઉભું થયું છે. રૈયા સર્વે નં.23 ટીપી-16 (રૈયા) એફપી-27 કે જે જગ્યા પર હાલ લાડાણી ગ્રુપ દ્વારા પ્રોજેક્ટ ચાલુ છે તે જગ્યાના મૂળ ખાતેદાર બટુકભાઇ દામજીભાઇ હતા. લાડાણી ગ્રુપના દિલીપભાઇ લાડાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે બિનખેતી કરાયેલ જગ્યા ઉપર કોર્પોરેશને બિલ્ડીંગ પ્લાન ટીપી-16 મુજબનો તથા એફપી-27 મુજબ જગ્યા ફાળવવામાં આવી છે. બિનખેતી થયેલ જગ્યા પર સ્થળ સ્થિતિનું રોજ કામ કરી અને ડીએલઆર માપણીની ખરાઇ કર્યા બાદ જે એફપી ફાળવવામાં આવ્યો તે પ્લાન મુજબ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે-તે સમયે યુનિવર્સિટીએ જગ્યાની ખરાઇ કર્યા વગર દિવાલ ચણી લીધી હતી અને તાજેતરમાં રૈયા સર્વે નં.23, ટીપી-16 (રૈયા) અને એફપી-27માં જે વિવાદ ઉભો થયો અને જે દિવાલ દુરસ્ત થઇ તેને લાડાણી ગ્રુપે સ્વખર્ચે ફરી દિવાલ ચણી આપી હતી. તેને પણ બે વર્ષ જેટલો સમય થઇ ગયેલ છે. જેથી આ જગ્યામાં ટાઉન પ્લાનિંગ અધિકારી સાગઠીયાએ બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે કોઇ કૌભાંડ આચર્યું હોય તેવો એકપણ પ્રશ્ર્ન ઉભો થતો નથી. કારણ કે આ જગ્યા ખાનગી માલિકીની છે અને ટીપી મુજબ ફાળવાયેલ એફપી-27 મુજબ આ જગ્યા ઉપર પ્રોજેક્ટ ચાલુ છે.

જે-તે સમયે યુનિવર્સિટી દ્વારા માપણી કર્યા વગર દિવાલ ચણી લીધેલ હતી. જે જગ્યા ખરેખર લાડાણીના દસ્તાવેજી પૂરાવામાં રૈયા સર્વે નં.23 તથા એફપી-27માં છે અને આ જગ્યા જે-તે સમયે મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ફાળવવામાં આવી હતી અને તે જગ્યા પર બિલ્ડર ગ્રુપે પ્લાન મૂકી અને તેને પાસ કરાવ્યા બાદ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો. વધુમાં દિલીપભાઇએ જણાવ્યું હતું કે ટાઉન પ્લાનિંગ અને ડીએલઆર દ્વારા ડીમાર્કેશન કર્યા બાદ રોજ કામ કરવામાં આવ્યું હતું ત્યારે હાલ જે વિવાદ થયો છે તે જગ્યા યુનિવર્સિટીની હોય તો તે મુંજકાના સર્વે નંબરમાં આવે પરંતુ જે જગ્યા માટે વિવાદ થયો અને બિલ્ડર લાડાણી ગ્રુપનું નામ ઉછળ્યું તે રૈયા ગામનો સર્વે નં.23 છે અને એફપી-27 છે. જેથી યુનિવર્સિટીના સર્વે નંબર સાથે લાડાણી ગ્રુપને કોઇ સ્નાન સુતકના સંબંધ નથી. જેથી આ જગ્યામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા દ્વારા કોઇ જ કૌભાંડ આચરવામાં આવ્યું નથી તથા બિલ્ડરે પેશકદમી કર્યાનું ફલ્લિત થતું નથી. કારણ કે આ જગ્યા હકિકતમાં રૈયા સર્વે નં.23 કે જે ટીપી-16 (રૈયા) હેઠળ આવેલા એફપી-27માં આવેલ છે.

જમીનના ઓનર તથા આર્કિટેક્ચર દિલીપ લાડાણી દ્વારા પ્રસ્તુત કરેલ દસ્તાવેજ મુજબ જે પ્રોજેક્ટ હાલ રૈયા સર્વે નં.23 તથા એફપી-27 ઉપર ચાલે છે તેને યુનિવર્સિટીની દિવાલને કાંઇ લાગતું-વળગતું નથી. હાલ જે મુદ્ો વકર્યો છે તેમાં ક્યાંકને ક્યાંક ગેરસમજણ તથા વિવાદ ઉભો કરવાનું કારસ્તાન આચરવામાં આવ્યું હોય તેવું ચિત્ર ઉભું થયું હોય. કારણ કે રાજકોટ મહાનગરપાલિકાએ તથા બિલ્ડર દ્વારા કંઇ ખોટું કરવામાં આવ્યું નથી. માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સરકારી માપણી કરી ‘ચોકસાઇ’ કરવાની જરૂર છે. ત્યારે હાલ યુનિવર્સિટીની જગ્યા આંધળે બેરૂં કુટે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે અત્યારે જે રીતે સાગઠીયા પર તવાઇ બોલાવવામાં આવી રહી છે તેને જોતા રાજકોટ કોર્પોરેશનના તમામ વિવાદો સાગઠીયાના ખાતે ચઢી રહ્યા હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉભું થયું છે. ત્યારે જો નિયમસર થયેલ કામોને પણ વિવાદમાં નાંખવામાં આવશે તો રાજકોટના બિલ્ડરો હેરાન-પરેશાન થાય તેમાં કોઇ શંકાને સ્થાન નથી. યુનિવર્સિટીના લોકો જો ખરાઇ કર્યા વગર નિવેદન કરશે તો તેઓનો પગ કુંડાળામાં પડે તો પણ નવાઇ નહિં.

જગ્યાની માપણી તેમજ જમીન ખરાઈ બાબતે તંત્રને સાથ-સહકાર આપવા લાડાણી ગ્રુપ તત્પર

લાડાણી ગ્રુપના દિલીપભાઇ લાડાણીએ ‘અબતક’ સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે તેમના ગ્રુપ દ્વારા એક ઇંચ પણ ખોટું કરવામાં આવ્યું નથી ત્યારે સરકારી વિભાગ આ અંગે કોઇપણ તપાસ કરવા માંગશે તો લાડાણી ગ્રુપ તરફથી તેઓને સંપૂર્ણ સહકાર મળશે. કારણ કે જે પ્રોજેક્ટ તેમના દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણ ખરાઇ કરી અને એકપણ ઇંચનું ખોટું કર્યા વગર હાથ ધરાયો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.