સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના જિલ્લાકક્ષાના શુભારંભ કાર્યક્રમનો ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સુરેન્દ્રનગર શ્રીમતિ રંભાબેન ટાઉન હોલ ખાતે યોજાયેલા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના શુભારંભ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલે ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે ખેડૂતોના હિત માટે સંવેદન રહેતી રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધે તે માટેના સતત પ્રયાસો રહયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે હેકટર સુધીની ખેડાણલાયક જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ૬ હજાર રકમ દરેક ખેડૂતોને આપવામાં આવશે. તેમણે ખેડૂતોના હિત માટે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે તેમ પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંગેની જાણકારી અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ‘‘મન કી બાત’’ અને ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી વડાપ્રધાનશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ ‘‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના’’શુભારંભના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવામાં આવેલ હતું. સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.ડી. વાદીએ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ રાજયગુરૂ, વઢવાણ પ્રાંત અધિકારીશ્રી વિજય પટ્ટણી, નગરપાલિકાના પ્રમુખશ્રી વિપીનભાઇ ટોલીયા, પદાધિકારી- અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતાં