- ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે 20 એપ્રિલથી 15મી મે સુધી અને સી ટુ ડી માટે 20 એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત
ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ અને ધો.10 પછી સર્ટિફિકેટ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. અગાઉ ધો.10 પાસ થયેલા વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે 20 એપ્રિલથી 15મી મે સુધી અને સી ટુ ડી માટે 20 એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, ચાલુ વર્ષે ધો.10ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થયા પછી રજિસ્ટ્રેશન કરાવી શકશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર થાય તેવી શક્યતા છે. આ સ્થિતિમાં ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા ધો.10 પછીના વિવિધ ડિપ્લોમા ઇજનેરી કોર્સમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.
ડિપ્લોમા પ્રવેશ માટે ગણિત, બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત સાથે પાસ થયેલા તમામ ઉમેદવારોને પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. ગતવર્ષે ધો.10 પછીના ડિપ્લોમા ઇજનેરીની કુલ 149 કોલેજોની 69223 બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 45722 બેઠકો ભરાતા 23501 બેઠકો ખાલી પડી હતી. ચાલુ વર્ષે કેટલીક નવી કોલેજોને મંજૂરી આપવામાં આવે તો બેઠકોનો વધારો થાય તેવી શક્યતા છે. દરેક ડિપ્લોમા ઇજનેરીમાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓ આ કોલેજોમાં જઇને પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. જૂના વિદ્યાર્થીઓ 15મી એપ્રિલથી 15મી મે દરમિયાન રજિસ્ટ્રેશન કરાવી શકશે.
ચાલુવર્ષે ધો.10ની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ પરિણામ સુધી રાહ જોવી પડશે. આ સાથે જ સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા એટલે કે સી ટુ ડી માં પ્રવેશ માટેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધો.10 પછી આઇટીઆઇ કે ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ દ્વારા સંચાલિત બે વર્ષનો કોર્સ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને સીધા ડિપ્લોમા ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ 15મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. વર્ષ 2023-24માં સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા ઇજનેરીની કુલ 141 સંસ્થાઓની 35446 બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 6484 બેઠકો ભરાતા 28962 બેઠકો ખાલી પડી હતી. ખાલી પડેલી બેઠકો પણ ચાલુવર્ષના વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે.