ટેકનિકલ શિક્ષણના રાજ્ય કમિશનરે તમામ ગ્રાન્ટ-ઇન-એઇડ અને સરકાર સંચાલિત ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોને એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં તેમને ટીચિંગ સ્ટાફની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે 360-ડિગ્રી મિકેનિઝમ લાગુ કરવા જણાવ્યું હતું. આ ફીડબેક સિસ્ટમના લીધે ખાસ તો અધ્યાપકોની સ્ટ્રેન્થ, વીકનેસને જાણવામાં મદદ મળશે તેવો ટેકનિકલ શિક્ષણ વિભાગનો તર્ક છે.
ફીડબેક સિસ્ટમથી મૂલ્યાંકન પદ્ધતિનો લાભ વિદ્યાર્થીઓને પણ થશે તેમજ અધ્યાપકો વિવિધ માપદંડો પર ધ્યાન કેન્દ્રિત કરશે
આ ફીડબેક પ્રક્રિયા મુખ્યત્વે 6 માપદંડોમાં વહેંચવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ શિક્ષણ (ટીચિંગ પ્રક્રિયા), વિદ્યાર્થીઓનો ફીડબેક, વિભાગીય પ્રવૃત્તિઓ, સંસ્થાકીય પ્રવૃત્તિઓ, સામાજિક સેવા, વાર્ષિક ગોપનીય અહેવાલ (એન્યુલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ)નો સમાવેશ થાય છે. વિભાગ દ્વારા પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર બહાર પાડવામાં આવેલી છે, જેનો અમલ આ વર્ષે જુલાઈથી લાગુ થઈ ગયો છે. શૈક્ષણિક વર્ષના અંતમાં દરેક કોલેજના પ્રિન્સિપાલે અધ્યાપકો માટે આ રિપોર્ટ ભરવાનો રહેશે.
આ ઠરાવથી મૂલ્યાંકન પદ્ધતિનો લાભ વિદ્યાર્થીઓને પણ થશે. અધ્યાપકો વિવિધ માપદંડો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં સુસજ્જતા કેળવાશે, જેના કારણે ઓવરઓલ એકેડેમિક એક્સેલન્સની દિશામાં આગળ વધી શકીશું, રિસર્ચનો સ્તર પણ સુધરશે.
ખાસ તો, આ પ્રકિયાથી વિવિધ માપદંડો મુજબ મેક્સિમમ પોઇન્ટ્સ અપાશે, ટીચિંગ પ્રોસેસના 25, વિદ્યાર્થીના ફીડ બેકના 25 ડિપાર્ટમેન્ટ લેવલ પ્રવૃત્તિઓના 20 પોઇન્ટ્સ, ઇન્સ્ટિટ્યૂશન લેવલ એક્ટિવિટીના 10, એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટના 10, કોન્ટ્રિબ્યુશન ટુ સોસાયટીના 10 પોઇન્ટ અને સ્કોર પોઇન્ટ ઓન સ્કેલ ઓફના 10 પોઇન્ટ અપાશે.