જો આ લીલનું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ શકે તો મંગળના વાતાવરણમાં ઑક્સીજનનું પ્રમાણ વધી જશે અને તે મનુષ્યના વસવાટ માટે પણ અનુકૂળ થઈ શકશે!
૫૧૦ મિલિયન ચોરસ કિલોમીટર. આ વિશાળ આંકડો પૃથ્વી ના ક્ષેત્રફળ ને દર્શાવી રહ્યો છે. આ કરોડો કિલોમીટર ના ક્ષેત્ર માં લાખો પ્રકાર ના સજીવો અસ્તિત્વ ધરાવે છે. દરેક સજીવ એક યા બીજી રીતે ઉર્જા ની ઉત્પત્તિ કે ઉપયોગ માં પાત્ર છે. આ અતિવિશાળ પૃથ્વી ના સ્તર માં બળતણરૂપે ઉર્જા ને ઉત્પન્ન કરવા કેટલાક તત્ત્વો આવેલા છે. આ તત્ત્વો ને આપણે સામાન્ય રીતે અશ્મિબળતણ કહીયે છીએ. ઉર્જા ની ઉત્પત્તિ માટે તો કેટલાય માધ્યમો છે પરંતુ એક માધ્યમ એવું છે જે જીવ દ્વારા જ ઉત્પત્તિ કરે છે. આ માધ્યમ છે જૈવિક ઉર્જા.
અશ્મિબળતણ અને જૈવિક ઉર્જા ને પૃથ્વી ની વિશાળતા સાથે સરખાવવા પાછળ એક વિચિત્ર કારણ છે. પૃથ્વી ના સ્તર માં આટલા મોટા પ્રમાણ માં અસ્તિત્વ ધરાવતા આ અશ્મિબળતણ પ્રકૃતિ ને નુકશાન કરે છે. તેમના બળતણ થી હવા માં પ્રસરતા વાયુઓ પ્રદૂષણ ફેલાવી પ્રકૃતિ ને બીમાર કરે છે. આ જ પૃથ્વી ના વિશાળ ક્ષેત્ર માં મળી આવતા જૈવિક તત્ત્વો પૃથ્વી ને માફક આવે તેવી ઉર્જા પ્રદાન કરે છે.
કોઈ પણ પ્રકાર ના જૈવિક તત્ત્વો થી પેદા થતી ઉર્જા જૈવિક ઉર્જા કહેવાય છે. આ જૈવિક ઉર્જા પ્રાકૃતિક તત્ત્વો પર પ્રક્રિયા કરી ને તેના બળતણ તરીકે ઉપયોગ માં લેવાથી મેળવી શકાય છે. વર્ષો થી પ્રદૂષણ અને અશ્મિબળતણ ના ખૂટી રહેલા જથ્થા ની ચિંતા વિશ્વ સ્તરે થઈ રહી છે. આ કારણે અખૂટ ઉર્જા સ્ત્રોત ની શોધખોળ વૈજ્ઞાનિકો ની ડાયરી માં વારંવાર આલેખાઈ રહી છે. સૂર્યઉર્જા, પરમાણુ ઉર્જા, જળઉર્જા, પવનઉર્જા, જૈવિકઉર્જા અને કેટલા બધા એવા રસ્તાઓ આજે ખેડાઈ ચૂક્યા છે. દરેક માટે વિશ્વ સ્તરે પ્રયોગો પણ ચાલુ છે. આ રસ્તાઓ માનો એક જીવિત રસ્તો એ જૈવિક ઉર્જા નો રસ્તો છે. આ ઉર્જા ખૂટશે તો નહીં જ પરંતુ ખૂબ જ ઓછા ખર્ચ દ્વારા પણ ઉત્પન્ન થઈ શકશે.
જૈવિક ઉર્જા ઉત્પન્ન કરવા ઘણા બધા તત્ત્વો નો ઉપયોગ થઈ શકે છે. ભારત માં જ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ના પ્રોફેસર ડો. ટી. માંથીમાંની એ એક રચનાત્મક યોજના રજૂ કરી છે. ભારત ના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત કાર્યરત ઇન્સપાયર યોજના હેઠળ આ જૈવિક ઊર્જાના એક નવા સ્ત્રોત ની શોધ કરી છે. તામિલનાડુ ના તિરુચિલ્લપલ્લી ખાતે આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી માં નદી, તળાવ કે દરિયામાં થી મળી આવતી લીલ ના ઉપયોગ થી જૈવિક ઉર્જા ઉત્પન્ન કરવાની પધ્ધતિ વિકસિત કરવામાં આવી છે. દરિયા માં પુષ્કળ પ્રમાણ માં ઊગી આવતી પિકોક્લોરમ(Picochlorum) અને બીજી સુસંગત લીલ તેમાં આવેલા ઓર્ગનિક કાર્બન કંટૈંટ અને ટ્રાયસિગ્લાઇસિરાઇડ્સ(સરળ ભાષા માં એક પ્રકાર નું ફેટી ઍસિડ) ના કારણે તે બાયોડીઝલ ઉત્પન્ન કરવા માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. જો આ શોધ ને ઔધ્યોગિક સ્વરૂપ માં ફેરવી શકાય તો વિશ્વ ભરમાં સસ્તા ભાવે પ્રદૂષણમુક્ત ડીઝલ મેળવી શકાય. ભારત પોતાની આજુબાજુ વિશાળ દરિયા ની ભેટ ધરાવે છે. જો આ ભેટ ને સંપૂર્ણ રીતે ઉપયોગ માં લેવામાં આવે તો ભારત બાયોડીઝલ નો એક મોટો ઉત્પાદક દેશ બની શકે છે. આ સાથે આ લીલ બીજા ઈંધણ ઉત્પન્ન કરવા પણ સક્ષમ છે, જેના પર પ્રયોગો ચાલુ છે.
વિશાળ માત્રા માં ઈંધણ નું ઉત્પાદન કરવા આ લીલ નું કૃત્રિમ રીતે વાવેતર કરવું જરૂરી છે. આ વિવિધ પદ્ધતિઓ થી બનતા ઈંધણ ને સસ્તા ઉત્પાદક તરીકે અંકિત કરવું એ એક પડકાર છે. વર્ષો થી આ ક્ષેત્રે વિશ્વભર માં અલગ અલગ પ્રયોગશાળાઓ દ્વારા પ્રયોગો થઈ રહ્યા છે. લીલ નું જિનેટિક મોડીફિકેશન કરી ને તેની ફળદ્રુપતા વધારવા પ્રયોગશાળાઓ કાર્યરત છે. અમેરિકા જેવા અગ્રણી દેશોના ઉર્જા વિભાગ આ ક્ષેત્રે જંગી રોકાણ સાથે પ્રયોગો ને પ્રોત્સાહન આપી રહ્યા છે.
એકબાજુ ભારત માં આવેલ વૈજ્ઞાનિકો લીલ થી થતાં જૈવિકઉર્જા ના ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે, અને બીજી બાજુ નાસા અને જોર્જિયા ટેક રિસર્ચ રિસર્ચ કોર્પોરેશન મંગળ ગ્રહ પર લીલ ની મદદ થી જૈવિક ઉર્જા ઉત્પન્ન કરવા ની યોજના કરી રહ્યું છે! તેઓ મંગળ ગ્રહ પર જતાં સ્પેસ વેહિકલ નું એન્ટ્રી ડીસંટ લેન્ડિંગ માસ ઓછું કરવા માંગે છે. જ્યારે કોઈ પણ સ્પેસ વેહિકલ મંગળ ગ્રહ જેટલા વિશાળ અંતરે મુસાફરી કરવા નીકળતું હોય ત્યારે સ્વાભાવિક રીતે પુષ્કળ ઈંધણની જરૂર પડે. પરંતુ જો આ વેહિકલ ને ત્યાં જ મંગળ ગ્રહ પર ઈંધણ મળી જાય તો?
નાસા ના આ વૈજ્ઞાનિકો મંગળગ્રહ પર લીલ ના વાવેતર થી લઈ ને ઈંધણ ના ઉત્પાદન સુધી ની પ્રક્રિયા કરતી પ્રણાલી સ્થાપવાનો ધ્યેય રાખે છે. આ પ્રયોગ સ્પેસ વેહિકલ ના વજન માં ૭ ટન જેટલો ઘટાડો કરી દેશે. આ કારણે મનુષ્ય ત્યાં વધુ સમય ગાળી શકશે. મંગળ ગ્રહ પર પુષ્કળ પ્રમાણ માં કાર્બન ડાયોક્સાઈડ આવેલ છે. લીલ જેવી વનસ્પતિ ને પોતાના વિકાસ માટે આ કાર્બન ડાયોક્સાઈડ ની જરૂર હોય છે. લીલ આ કાર્બન ડાયોક્સાઈડ ને પ્રવાહી હાઇડ્રોજન માં પરિવર્તિત કરી શકે છે જે સ્પેસ વેહિકલ ના ઈંધણ તરીકે વપરાય છે. આ પ્રયોગ હેઠળ જિનેટિક મોડીફાઇડ લીલ મંગળ ગ્રહ પર સ્પેસ વેહિકલ ને ઈંધણ પૂરું પાડી શકે છે. વધુ માં એક અનેરો ફાયદો એ થશે કે આ પ્રક્રિયા માં ઑક્સીજનની ઉત્પતિ થશે. જો આ લીલ નું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણ માં ઉત્પાદન થઈ શકે તો મંગળ ના વાતાવરણ માં ઑક્સીજન નું પ્રમાણ વધી જશે અને તે મનુષ્ય ના વસવાટ માટે પણ અનુકૂળ થઈ શકશે!
જોર્જિયા ટેક રિસર્ચ કોર્પોરેશન ના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર એક એવી સ્વચલિત પ્રણાલી મોકલવા માંગે છે, જે કોઈ પણ પ્રકાર ના માનવ પ્રયત્ન વિના લીલ સાથે રસાયણિક પ્રક્રિયા કરી ને ઈંધણ નું ઉત્પાદન કરે. આ સાથે આ પ્રણાલી મંગળ ગ્રહ પર વાવેતર કરી શકવાની પહેલ કરશે. મંગળ પર વધુ પડતાં પ્રમાણ માં રહેલા કાર્બન ડાયોક્સાઈડ મનુષ્ય ને ત્યાં ટકી રહેવા મુશ્કેલી ઊભી કરે છે. જ્યારે આ પ્રણાલી આ જ ગેરફાયદા ને પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા ઉપયોગ માં લેશે. પરંતુ આ શક્યતા ની આડે આ જટિલ પ્રણાલી ને સફળ બનાવવા નું અસામાન્ય મુશ્કેલબિંદુ દોરાયેલું છે. જો આ પ્રયત્ન સફળ જશે તો આપણે ઉજ્જડ ધરતી પર જીવન લાવી શકીશું.
આદિકાળ થી જોવા જઈએ તો મનુષ્ય હમેશા વધુ અનુકૂળ જગ્યાઓ પર સ્થાનાંતરિત થતો રહ્યો છે. મનુષ્ય ના બેદરકાર ઉપયોગ થી કોઈ એક જગ્યા ખરડાઇ જાય છે ત્યારે તે પોતાના સમૂહ સાથે કોઈ બીજી સ્ત્રોતસભર જગ્યાએ જવા નીકળી પડે છે. હવે મનુષ્ય પ્રકૃતિ ને સમજી ને હાનિરહિત ટેક્નોલોજી નો વિકાસ કરતો થયો છે. આ વિકાસ જો લાંબો ટકી શકે તો મનુષ્ય પોતાના ક્રમ ને અનુકૂળ દિશા માં ફેરવી અનેક ઉજ્જડ ગ્રહો ને પૃથ્વી જેવા વસંત ના ખિલાવટ માં ફેરવી દેશે.
તથ્ય કોર્નર
- પૃથ્વી થી મંગળ ગ્રહ નું અંતર ૧૬૦.૨ મિલિયન કિલોમીટર છે.
- સામાન્ય પરિસ્થિતી માં ભારત લગભગ ૪૭૮.૦૫ ટેરાવોટઅવર્સ અશ્મિઉર્જા નો વાર્ષિક ઉપયોગ કરે છે.
- જૈવિક ઉર્જા ના ઉપયોગ માં યુએસએ મોખરે છે. વર્ષ ૨૦૧૯માં વિશ્વના ૩૮ ટકા જૈવિક ઉર્જા યુએસએ માં ઉત્પાદિત થઈ હતી.
- લીલ ની લગભગ ૩૦૦૦૦ થી લઈ ને ૧૦ લાખ પ્રજાતિઓ અસ્તિત્વમાં હોવાની અંદાજ છે.