શહેરમાં પરંપરાગત રીતે મોહરમ નિમિત્તે તાજિયાના જૂલુસ નીકળે છે, પરંતુ કોરોનાની મહામારીની ગાઇડ લાઇનને અનુસરીને શહેરમાં પણ તાજીયાના ઝુલુસ નીકળશે નહીં, જે અંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ પોલીસ વિભાગ સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો છે. અને તાજીયા પોતાના માતમમાં જ રહેશે, તેવું નક્કી થયું છે.
શહેરમાં વર્ષોથી મહોરમ ના તહેવાર નિમિત્તે તાજીયાનું ઝુલુસ નીકળે છે, અને માજી રાજવી તરફથી અપાયેલો ચાંદીનો તાજીયા તેમાં સૌપ્રથમ રહે છે. શહેરમાં જુદાજુદા ત્રણ પોલીસ ડિવિઝનનો અને બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કુલ 42 તાજીયા નોંધાયેલા છે, અને તાજિયા કમિટી બનાવવામાં આવેલી છે. જે તમામ તાજીયાના પરવાનેદારો તેમજ મુસ્લિમ સમાજના સ્થાનિક અગ્રણીઓ કોર્પોરેટર વગેરે સાથે ગઈકાલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં શહેર વિભાગના એ.એસ.પી. નીતીશ પાંડેની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને શહેરમાં પરંપરાગત તાજીયાનું ઝુલુસ નહીં નીકળે તેવો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત તમામ તાજીયાઓ ને પોતાના માતમમાં જ રાખવામાં આવશે, તેવું પણ નક્કી થયું છે. જોકે ડી.જે. સિસ્ટમ, સાઉન્ડ વગેરે વગાડવામાં નહીં આવે, તેવું પણ પોલીસ તંત્ર દ્વારા યોજાયેલી બેઠકમાં નક્કી થયું છે.