અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓનો પડતી મુશ્કેલીઓનો અંત: હવે, દસ્તાવેજોને ‘એફીડેવીટ ફોર્મ’માં રજુ કરવું જરૂરી નહિં
બેરોજગારોને આર્થિક સહાય મળી રહે તે માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલી અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજનાની પ્રક્રિયા હવે, વધુ સુગમ બની છે. તાજેતરમાં સરકારે આ જટીલ પ્રક્રિયામાં ઢીલ આપી ‘બેરોજગારો’ને રાહત આપી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે અત્યાર સુધી દાવેદારે દસ્તાવેજોને પ્રત્યક્ષરૂપે એફીડેવીટ રૂપમાં રજુ કરવાં પડતાં હતા પરંતુ હવે, આ જરૂરીયાતને સરકારે દુર કરી દસ્તાવેજોને સ્કેન દ્વારા ઓનલાઇન માઘ્યમથી પણ રજુ કરવાની છુટ આપી છે.
અટલ બીમિત વ્યકિત કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે કરાયેલા એક સર્વેના જાણવા મળ્યું હતું કે લાભાર્થીઓને દસ્તાવેજો જમા કરાવવાને લઇ મોટી મુશ્કેલી સહન કરવી પડે છે. અને કચેરીઓએ ધકકા ખાવા પડે છે જેના કારણે સમયનો પણ વેડાફાટ થાય છે. લાભાર્થીઓના આ પ્રશ્ર્નોને વાચા આપી સરકારે એફીડેવીટ ફોર્મમાં કલેઇમ રજુ કરવામાંથી મૂકિત આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત સંગઠીત ક્ષેત્રના કર્મચારીઓ કે જેમની કોઇ કારણોસર નોકરીમાંથી છુટ્ટી થઇ ગઇ છે અને અન્ય રોજગારી મળે તે સમય દરમિયાન તેમણે ર4 માસ માટે આર્થિક સહાયતા પુરી પાડવામાં આવે છે. એવા તમામ કર્મચારીઓ કે જેઓ એમ્પ્લોયોઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અંતર્ગત વીમાકૃત છે તેઓને આ યોજનાનો લાભ મળે છે. તેમના પગાર ધોરણના આધારે આર્થિક મદદ કરવામાં આવે છે. જો કે, હાલ કોરોના કાળના સમયમાં ઇએસઆઇસી દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ રપ ટકાથી વધારુ પ0 ટકા સુધી કરી દેવાયો છે. તેમજ 30 જુન 2021 સુધી સમય મર્યાદા પણ વધારાઇ છે.