- હવે આડેધડ લેવાતી ટ્રાન્સફર ફીમાં લાગી જશે બ્રેક: ટ્રાન્સફર ફી જંત્રીમાં દર્શાવેલી કિંમતની ટકાવારી મુજબની અથવા તો દસ્તાવેજમાં દર્શાવેલી મકાન, ફ્લેટ કે દુકાનની કિંમત મુજબની રહેશે
રાજ્યની તમામ કો-ઓપરેટિવ સોસાયટીઓ અને હાઉસિંગ સોસાયટીઓ માટે રાજ્ય સરકાર નવેસરથી ટ્રાન્સફર ફીના ધારા-ધોરણ નક્કી કરશે. ટ્રાન્સફર ફી જંત્રીમાં દર્શાવેલી કિંમતની ટકાવારી મુજબની રહેશે અથવા તો દસ્તાવેજમાં દર્શાવેલી મકાન, ફ્લેટ કે દુકાનની કિંમત મુજબની રહેશે એમ મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી લીલી ઝંડીની રાહ જોઇ રહેલા નવા નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. નવા નિયમથી આડેધડ વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી પર બ્રેક લાગી જશે. ઉપરાંત વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ પડેલા કેસોનો નિકાલ સરળ બનશે.
હાલ કો-ઓપરેટિવ સોસાયટીઓમાં આવેલી કોમર્શિલય પ્રોપર્ટી અથવા તો મકાન કે ફ્લેટની રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલી ટ્રાન્સફર ફીની રકમ રૂ. 500થી લઇને રૂ. 50,000 સુધીની છે. આ ટ્રાન્સફર ફીમાંથી હાઉસિંગ સર્વિસ કો-ઓપરેટિવ સોસાયટીઓને મુક્તિ આપવામાં આવેલી છે.
નવા નિયમો મુજબ કોઇપણ સોસાયટીનો કોઇપણ પ્રકાર હશે તેને ધ્યાનમાં લીધા વિના સોસાયટીના તમામ સભ્યોએ ટ્રાન્સફર ફી ભરવાની રહેશે. સરકારમાં નોંધણી કરાવેલી કોઇપણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના હાલના મકાન માલિક પાસેથી જ્યારે કોઇ નવો સભ્ય મકાન, ફ્લેટ કે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદે છે ત્યારે હાઉસિંગ સોસાયટી વહીવટ પેટે જે રકમ લે છે તેને ટ્રાન્સફર ફીની રકમ ગણવામાં આવે છે. આ ફીની રકમ ચૂકવીને મકાન કે ફ્લેટ ખરીદનાર નવો સભ્ય વિધિવત રીતે તે સોસાયટીનો સભાસદ બની જાય છે, અને તે સોસાયટી તરફથી પૂરી પડાતી તમામ સેવાઓનો લાભ ઉઠાવી શકે છે.
હાઉસિંગ સોસાયટીમાં સોસાયટીનું મેનેજમેન્ટ જે જગ્યાએ મકાનો કે ફ્લેટ બનેલા હોય છે તે જમીનનો માલિક હોય છે. જ્યારે સર્વિસ સોસાયટીઓ મકાનો, ફ્લેટ કે દુકાનોના માલિકોને સેવા પૂરી પાડે છે, અને તે જમીનના સરખા ભાગના માલિક તમામ સભ્યો હોય છે. રાજ્ય સરકારે હાલ સર્વિસ સોસાયટીઓ ઉપર કોઇપણ પ્રકારની ટ્રાન્સફર ફી કે ડેવલપમેન્ટ ફી ઉઘરાવવા સામે પ્રતિબંધ મૂકેલો છે.
33 વર્ષ બાદ નિયમોમાં ફેરફાર કરી ટ્રાન્સફર ફીને વધુ તર્કસંગત બનાવાશે
રાજ્ય સરકારે છેલ્લે ટ્રાન્સફર ફીની રકમ 1991માં નક્કી કરી હતી ત્યારથી આજદિન સુધી તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. 2016ની સાલમાં પણ એ જ ફીની રકમ નક્કી રાખવામાં આવી હતી. હવે 33 વર્ષ બાદ રાજ્ય સરકાર ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ-1961ની કેટલીક કલમોમાં સુધારા કરીને ટ્રાન્સફર ફીને વધુ તર્કસંગત બનાવશે. સરકારે નિયમોમાં જે સુધારો કર્યો છે તેને રાજ્યપાલ તરફથી મંજૂરી પણ મળી ગઇ છે અને સરકારી ગેઝેટમાં તેને પ્રસિદ્ધ પણ કરી દેવાયો છે, જેના કારણે રાજ્ય સરકારને નવા નિયમો બનાવીને ટ્રાન્સફર ફીમાં સુધારા-વધારા કરવાની સત્તા આપોઆપ મળી જાય છે.