હ્યુમન રિસોર્સ ઈન્ફોર્મેશન સિસ્ટમની જગ્યાએ હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટનો વિષય છપાઈ ગયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષા ચાલી રહી છે જેમાં અંદાજે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે આ પરીક્ષાનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રિન્ટીંગ મીસ્ટેક સામે આવી છે. આજે એમકોમ સેમ-4ની પરીક્ષામાં હ્યુમન રિસોર્સ ઈન્ફોર્મેશન સીસ્ટમની જગ્યાએ હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટનો વિષય છપાઈ જતાં વિદ્યાર્થીઓ થોડીવાર માટે મુંઝાયા હતા પરંતુ યુનિવર્સિટીએ સમયસર જાણ કરી દેતા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસો ઘટતા રાજ્ય સરકાર દ્વારા ઓફલાઈન પરીક્ષાની મંજૂરી આપવામાં આવી છે જેને લઈ ગુજરાતની તમામ યુનિવર્સિટી દ્વારા તબક્કાવાર પરીક્ષાનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પણ ગત 8મી જુલાઈથી શરૂ થઈ છે. જેમાં અંદાજે 114 કેન્દ્ર પર હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી એમકોમ સેમ-4ની પરીક્ષા ચાલી રહી છે અને દર વખતની જેમ આ વખતે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે.
આજે એમકોમ સેમ-4ના વિદ્યાર્થીઓને હ્યુમન રિસોર્સ ઈન્ફોર્મેશન સીસ્ટમનું પેપર હતું જો કે જ્યારે વિદ્યાર્થી પરીક્ષા દેવા બેઠા અને પેપર સામે આવ્યું તો વિષય બીજો જ છપાયો હતો. હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ વિષય આવી જતાં વિદ્યાર્થીઓ થોડીવાર માટે મુંઝાયા હતા પરંતુ સમયસર યુનિવર્સિટીએ પોતાની ભુલ સુધારી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. હવે આગામી 15મી જુલાઈ એટલે કે, ગુરૂવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થશે.
આજની આ ક્ષતિની જાણ થતાં ‘અબતક’ મીડિયાએ પીવીસીનો સંપર્ક ર્ક્યો હતો જો કે પીવીસીએ જણાવ્યું હતું કે, મને આ બાબતની કોઈ જાણ નથી. જ્યારે વીસીનો સંપર્ક સાધતા તેઓનો ફોન નોટ રિચેબલ થયો હતો.