યોજનાના સંભવિધ લાભાર્થીઓ
બાંધકામ શ્રમયોગીઓ, આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ, પીએમજેજેબીવાય અથવા પીએમ એસબીવાયના લાભાર્થીઓ, ખેત મજૂરો, રીક્ષા ચાલકો, આશા વર્કરો, એપીએમસીમાં કામ કરતા મજૂરો, મધ્યાહન ભોજન યોજનાના વર્કરો, ફેરીયાઓ, બીડી વર્કરો, ઘરેલુ કામદારો, હેન્ડલુમ કારીગરો, આંગણવાડી વર્કરો તેમજ હોમ બેઈઝ વર્કરો.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રાજકોટ જિલ્લામાં હાલ ૧૭૭ સ્થળોએ નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. હાલ ૭૦૦ જેટલા કામદારોનુ રજીસ્ટ્રેશન પણ થઈ ચૂકયું છે. આ યોજના હેઠળ ૧૮ થી ૪૦ વર્ષની વયના અસંગઠીત કામદારોને ૬૦ વર્ષ પછી દર મહિને રૂ.૩ હજારનું પેન્શન મળવા પાત્ર છે. વધુમાં વધુ કામદારો આ યોજનાનો લાભ લે તેવા હેતુથી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ડીડીઓ, પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓની બેઠક મળી હતી.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના ૧૫ ફેબ્રુઆરીથી અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ જે અસંગઠીત કામદારો ૧૫૦૦૦થી ઓછી માસીક આવક ધરાવતા હોય તેને ૧૮ થી ૪૦ વર્ષની વય સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. બાદમાં તેઓને ૬૦ વર્ષની વય પછી માસીક રૂ.૩ હજારનું પેન્શન સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનાનો લાભ પીએફ, ઈએસઆઈસી, એનપીએસ હેઠળ નોંધાયેલા અને ઈન્કમટેકસ ભરતા શ્રમયોગીઓ લાભ લઈ શકશે નહીં.
આ યોજનામાં લાભાર્થી અને ભારત સરકાર બન્નેનો ફાળો ૫૦ ટકા રહેશે. ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ લાભાર્થીને માસીક રૂ.૩૦૦૦નું નિશ્ર્ચિત પેન્શન મળશે. લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં તેના પતિ કે પત્નીને ૫૦ ટકા પેન્શન અપાશે. આ યોજનાનો લાભ લેવા માટે અસંગઠીત કામદારો જિલ્લાના ૧૭૭ સ્થળોએ રજીસ્ટ્રેશન કરાવી શકશે જેના માટે તેઓએ આધારકાર્ડ, સેવીંગ કે જનધન બેંક ખાતું અને તેની પાસબુકની નકલ જમા કરાવવાની રહેશે. અત્યાર સુધી જિલ્લામાં ૭૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. ઉપરાંત વધુમાં વધુ કામદારો આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર ડો.રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં ડીડીઓ, પ્રાંત અધિકારીઓ અને મામલતદારોની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરે જરૂરી સુચના આપી હતી.