ડીસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી પછી ગુજરાત પ્રવાશે ચૂંટણીના પ્રચાર માટે પધારશે. સૌરાષ્ટ્રમાંથી વધુને વધુ બેઠકો મેળવવા ભાજપ જોરશોરથી તૈયારીમાં છે.
ભાજપ માટે સૌરાષ્ટ્ર એક મહત્વનું કેન્દ્ર છે. સૌરાષ્ટ્રમાં ભાજપે પાટીદાર-દલિતોની નારાજગી દુર કરવા પીએમ મોદીનો આશરો લીધો છે અને તેઓએ કમાન પોતાના હાથમાં લઇ લીધી છે અને તેઓ ર૦મીથી સૌરાષ્ટ્રમાં આવશે તેવો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં તેમની રેલીઓ યોજવાની રણનીતિ ઘડવામાં આવી છે.
ભાજપ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી મેજીકને જ કારણે સૌરાષ્ટ્રના પ્રત્યેક જિલ્લામાં મોદીની એક રેલી પ્લાન કરવામાં આવી છે. રાજયના બે તબક્કાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કામાં એટલે કે ૯ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.
ભાજપના સૂત્રો મુજબ આગામી ૨૦ નવેમ્બરથી સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની રેલીઓ યોજાશે. આ પહેલા પક્ષ દ્વારા પોતાના ઉમેદવારની પણ યાદી બહાર પાડી દેવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં પાટીદાર ઉપરાંત રજપૂત સમાજના વિરોધનો પણ ભાજપ સામનો કરી રહ્યું છે. રજપૂત સમાજ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાદ્યાણીના રાજીનામાની માગણી કરી રહ્યો છે.
ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારની શરુઆત રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રના દ્વારકા મંદિરથી કરી હતી. કોંગ્રેસની આ નવસર્જન યાત્રાને સ્થાનિક લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
ભાજપે પ્રચાર અત્યારથી જ શરુ કરી દીધો છે અને તેઓ લોકોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરતો પીએમ મોદીનો પત્ર પહોંચાડી રહ્યા છે. જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે ગુજરાત અને વિકાસ એકબીજાના પૂરક છે. આ સાથે જ ભાજપ દ્વારા તેમની સરકારની સિદ્ઘિઓ ગણાવતી માહિતીના પેમ્ફલેટ પણ લોકોને આપી રહ્યા છે.