નવી સરકાર બન્યાં બાદ પ્રથમવાર નરેન્દ્રભાઇ મોદીની મંત્રી મંડળના સભ્યો સાથે બેઠક: આગામી દિવસોમાં વિસ્તરણની પણ અટકળો
આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાંજે ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યોનો કલાસ લેશે. ગત ડિસેમ્બર માસમાં રાજયમાં નવી સરકારના ગઠન બાદ પીએમ દ્વારા મંત્રી મંડળના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી નથી. આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા મંત્રી મંડળનું વિસ્તર કરવામાં આવે તેવી અટકળો પણ વહેતી થઇ છે. દરમિયાન પ્રવાસના અંતિમ દિવસે આવતીકાલે પીએમ ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે બપોરનું ભોજન લેશે.
ગત ડિસેમ્બર માસમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઇ પટેલે સતત બીજી વખત શપથગ્રહણ કર્યા હતા તેઓની સાથે 16 મંત્રીઓએ પણ શપથ લીધા હતા નવી સરકાર બન્યાને આઠ મહિનાનો સમય વીતી ગયો છે. છતાં હજી સુધી એકપણ વખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મંત્રી મંડળ સાથે એક પણ વખત બેઠક યોજી નથી. આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ સહિત રૂ. 2033 કરોડના વિકાસ કામોની જનતાને ભેટ આપ્યા બાદ વડાપ્રધાન રેકસોર્સ ખાતે એક જંગી જાહેર સભાને સંબોધન કરશે ત્યારબાદ સાંજે ગાંધીનગર રવાના થશે અહી રાજભવન ખાતે તેઓ રાત્રી રોકાણ કરશે.
રાજભવન ખાતે તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને મંત્રી મંડળના તમામ સભ્યો સાથે મહત્વ પૂર્ણ બેઠક યોજાશે. તમામ મંત્રી સાથે વ્યકિતગત વાતચીત કરી તેઓના વિભાગમાં ચાલતા વિવિધ પ્રોજેકટની માહીતી મેળવવા આવી હતી. કામગીરીમાં ઢીલાસ બદલ કેટલાક મંત્રીઓને ઠપકો પણ આપવામાં આવે તેવી શકયતા જણાય રહી છે. મંત્રી મંડળ સાથેની પીએમની બેઠકમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત સંગઠનના બે થી ત્રણ મહત્વપૂર્ણ હોદેદારો પણને હાજર રાખવામાં આવે તેવી સંભાવના છે.
નવી સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત માત્ર 16 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે મંત્રીઓ પાસે ચાર થી પાંચ વિભાગોને કદાવર પોર્ટફોલીયો છે જેના કારણે તેઓ પર કામનું સતત ભારણ રહે છે અને જોઇએ તેવું પર્ફોમન્ટ આપી શકતા નથી. મંત્રી મંડળના સભ્યો સાથેની આજની બેઠકમાં પીએમ મંત્રીઓ પાસેથી કયાશ મેળવી લેશે. આગામી દિવસોમાં મંત્રી મંડળના વિસ્તારની શકયતા પણ દેખાય રહી છે.
ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા-2023’ નું ઉદઘાટન કરશે ત્યારબાદ સરકીટ હાઉસ ખાતે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે બપોરનું ભોજન લેશે. વિધાનસભાની ચુંટણી બાદ ભાજપના ચુંટાયેલા ધારાસભ્યોને પીએમ મળ્યા નથી. તેઓની સાથે ઓળખ પરેડ સાથે શુભેચ્છા મુલાકાત લેશે આ ઉપરાંત રાજયસભાના સાંસદ તરીકે તાજેતરમાં ચુંટાયેલા કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઇ દેસઇા સાથે પણ મુલાકાત કરશે.
મંત્રી મંડળના સભ્યો સાથેની આજની પીએમની બેઠક ખુબ જ મહત્વ પૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં સરકાર અને સંગઠનમાં મોટાપાયે ફેરફારની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. હવે નરેન્દ્રભાઇ મોદી આ અંગે શું નિર્ણય લેશે તે આકળ પરથી આજે પડદો ઉંચકાય જશે.
મુખ્યમંત્રી આજે નહીં આવતીકાલે અરજદારોની ફરિયાદો સાંભળશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસના કારણે સમયમાં ફેરફાર
સામાન્ય રીતે દર મહિનાના છેલ્લા ગુરૂવારે નાગરિકોની રજૂઆત અને ફરિયાદના ઓનલાઈન નિવારણનો સ્વાગત કાર્યક્રમ યોજાતો હોય છે.પરંતુ આજથી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં પ્રવાસે હોય સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આવતીકાલે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અરજદારોને સાંભળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત શુક્રવારે યોજાશે અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે 8-30થી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ શુક્રવાર તા. 28 જુલાઈએ બપોરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ-23નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 28મી જુલાઈએ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શુક્રવારે 28મી જુલાઈએ બપોરે 3-30 વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો શુક્રવાર, તા. 28મી જુલાઈએ સવારે 8-30 વાગ્યાથી મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.